કચ્છના પ્રાથમિકથી યુનિ. સુધીના શિક્ષણના પ્રશ્નોની નોંધ લીધી છે : સ્થાનિક સ્તરે લાભ થશે


શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સાથે ખાસ વાતચીત : પ્રવાસી શિક્ષકો થકી ઘટ દૂર થશે

કચ્છ સાથે વિશેષ લગાવ હોવાથી અહીં આવવું પસંદ   

ભાવિન વોરા. ભુજ
સમગ્ર રાજ્યમાં શહેરીકક્ષાનો પ્રવેશોત્સવ શુક્રવારે પૂરો થયો. કચ્છમાં ખુદ રાજ્યના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા વિદ્યાર્થીઓને પ્રવેશ અપાવવા આવ્યા હતા. ગાંધીનગર પરત ફરતી વેળાએ તેમણે ભુજમાં દિવ્ય ભાસ્કર સાથે કરેલી ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે, કચ્છના પ્રાથમિકથી માંડીને ઉચ્ચ શિક્ષણ સુધીના સમસ્યા આધારિત પ્રશ્નોની નોંધ લીધી છે અને આગામી સમયમાં કચ્છના શિક્ષણના હિતમાં તેનો ઉકેલ લાવવા પ્રયાસો આગળ વધારાશે. ખાસ કરીને કચ્છના આંતરિયાળ ભાગોમાં સ્થાનિકના કે નજીકના વિસ્તારના શિક્ષકો મળી રહે તેવી પ્રક્રિયાને પ્રોત્સાહન અપાશે. રાજ્ય સરકાર આગામી બે માસમાં 7500 જેટલા પ્રવાસી તેમજ 4000 જેટલા વિદ્યાસહાયકોની ભરતી પ્રક્રિયા પૂરી કરશે, જેમાં કચ્છમાં મોટી સંખ્યામાં પ્રાથમિક અને માધ્યમિક શિક્ષકોની ઘટ નિવારી શકાશે તેમ ભારપૂર્વક જણાવ્યું હતું.
કચ્છમાં પ્રાથમિક શિક્ષકોની ઘટ એ મૂળભૂત સમસ્યાઓ જેવો બની ગયો છે. લાંબા સમયથી અંદાજે 2666 શિક્ષકોની ઘટ નડી રહી છે. જિલ્લા પંચાયતની શિક્ષણ સમિતિ દ્વારા શિક્ષકોની ઘટ દર્શાવતું પત્રક દર વર્ષે ગાંધીનગર મોકલાય છે, છતાં સ્થિતિ વર્ષોથી જેમની તેમ છે આ પ્રકારનો ભાસ્કરનો ગુરુવારે પ્રકાશિત થયેલો અહેવાલ તેમના ધ્યાનમાં છે અને અહીંના પ્રાથમિકથી માંડીને યુનિવર્સિટીના મુદ્દાઓની નોંધ લીધી છે અને આ મુદ્દાઓનો રાજ્ય સરકારમાં તેમના વિભાગ દ્વારા ઉકેલ લાવવામાં આવશે તેમ શિક્ષણપ્રધાન ચુડાસમાએ કહ્યું હતું. તેમણે ઉમેર્યું હતું કે, માધ્યમિકમાં કાયદાકીય બાબતોના કારણે પ્રક્રિયા સ્થગિત હતી, પરંતુ પ્રવાસી શિક્ષકની યોજના કરીને શિક્ષણ વ્યવસ્થામાં અડચણ ઉભી ન થાય તેવા પ્રયાસો કરાયા છે. આગામી સમયમાં 7500 જેટલા વિઝિટિંગ ટીચર્સની નીમવાની કામગીરી પૂરી થવાની છે. 
આ મુલાકાત દરમિયાન ચુડાસમાએએ પણ જણાવ્યું હતું કે, તેઓ ભાજપ સંગઠનમાં યુવા મોરચામાં હતા ત્યારથી એટલે કે, અંદાજે 25 વર્ષથી કચ્છનો આવરો-જાવરો રહ્યો છે, તેમને આ જિલ્લો પસંદ હોવાનું અને લોકો પરત્વે લગાવ હોવાનું કહી શિક્ષણના મામલાઓમાં વિશેષ ધ્યાન આપવાની હિમાયત કરી હતી. ખાસ મુલાકાત ટાંકણે ભુજના ધારાસભ્ય ડો.નીમાબેન આચાર્ય તેમજ કચ્છ જિલ્લા ભાજપ અધ્યક્ષ કેશુભાઇ પટેલ હાજર રહ્યા હતા.

યુનિ.માં 15 દિવસમાં પૂરતો સ્ટાફ કાર્યરત કરવાની હૈયાધારણ
યુનિવર્સિટીમાં સ્ટાફની અછતના મામલે એવી હૈયાધારણ આપી હતી કે, 15 દિવસમાં પૂરતો સ્ટાફ કાર્યરત કરાય તેમ આયોજન કરવાનું છે. નવા કુલપતિ ડો. ચંદ્રસિંહ જાડેજાની કામગીરીની નોંધ લેતાં તેમણે ઉચ્ચ શિક્ષણના પ્રશ્નોનું નિયત સમયમાં નિરાકરણ લાવવાનો આશાવાદ પણ વ્યક્ત કર્યો હતો.
કોઇ પણ વર્ગખંડ શિક્ષકવિહોણો ન રહેવો જોઇએ
ચુડાસમાએ એક વાત સ્પષ્ટ કરી હતી કે, વર્ગખંડ શિક્ષકવિહોણો રહેવો જોઇએ નહીં. અામ થવાથી શિક્ષણને અસર થતી હોય છે. ગાંધીનગરમાં દર મંગળવારે તેમના વિભાગના સાથી પ્રધાનો વસુબેન ત્રિવેદી અને નાનુભાઇ વાનાણી સાથે નિયમિત બેઠક કરીને શિક્ષણનો જાયજો લેવામાં આવે છે.
સસ્તા અનાજની દુકાને લાભાર્થીને ધક્કો ન પડે તે માટે તાકીદ
શિક્ષણ વિભાગ ઉપરાંત પુરવઠા વિભાગના પણ પ્રધાન એવા ભૂપેન્દ્રસિંહે તાકીદ કરતી એક બાબત એ પણ ઉચ્ચારી હતી કે, કચ્છના ગ્રામીણ વિસ્તારોમાં જ્યાં સસ્તા અનાજની ભાવની દુકાનો પર કાર્ડધારક કોઇ પણ લાભાર્થીને ધક્કો ન પડે તે જોવાની જવાબદારી પૂરવઠા ખાતા સાથે સંકળાયેલા અધિકારીઓ ઉપરાંત દરેક દુકાન સંચાલકની રહેશે. અછત સમિતિના ચેરમેનના હોદ્દાની રૂએ અછત રાહતના મામલે પણ જિલ્લામાં તેમણે સમીક્ષા કરી હતી અને ઢોરવાડાની મુલાકાત લીધી હતી.


Comments

Popular posts from this blog

21મી સદીમાં કચ્છ : પાણી, પ્રવાસન અને ઉદ્યોગીકરણ, પુસ્તક પ્રતિભાવ 1

ભૂકંપે અચાનક લોકોના પ્રાણ હર્યા અને કોરોનાએ પ્રાણ-વાયુ વિના

કચ્છને અલાયદું આપત્તિ વ્યવસ્થાપન તંત્ર અનિવાર્ય, ખરું ને ?