ભૂકંપે અચાનક લોકોના પ્રાણ હર્યા અને કોરોનાએ પ્રાણ-વાયુ વિના
કચ્છીઓ અને બૃહદ કચ્છીઓ આફત અને અવસરની વ્યાખ્યા સારી રીતે જાણે છે પણ બિમારીમાં ભરોસો ભારે પડયો
#KACHCHH
#OXYGEN
૨૬મી જાન્યુઆરી ૨૦૦૧, કચ્છ અને બૃહદ કચ્છીઓના માનસપટ પર અંકિત થઈ ગયેલો દિવસ છે. આ કુદરતી આફત વૈશ્વિક સ્તરે ભૂલાવાની નથી અને કચ્છની ઓળખ જ ભૂકંપીય જિલ્લા તરીકે થઈ ચૂકી છે ત્યારે કોરોનાએ બે દાયકા પહેલાની મહામારીનો ઉંડો આઘાત યેનકેન પ્રકારેણ માનસપટ પર લાવી દીધો છે. ભૂતકાળને યાદ કરીને દુઃખી ન થવું જોઈએ તેમ મનોવિજ્ઞાનીઓ અને મોટિવેશનલ સ્પીકર્સ કહેતા હોય છે. પણ, કચ્છના પરિપ્રેક્ષ્યમાં વાત કરીએ તો, આપત્તિ અને અવસરની રાજકીય નહીં પણ વાસ્તવિક વ્યાખ્યા સમજતા કચ્છી માડુને ફિનિક્સ પંખીની માફક ઉભા થવાની ટેવ છે. ભૂકંપ બાદ કલ્પનાતીત વિકાસ સંભવ બન્યો પણ ૧૮ હજારથી વધુ લોકોનો કુદરતે ભોગ લીધો. કોરોના પણ આપત્તિ સમાન જ આવ્યો છે પણ તેમાં બચી શકાય તેવા સંયોગો માનવ પાસે હતા. ધરતીકંપ અચાનક આવેલી આફત હતી પણ કોરોના આયાતુ મહામારી છે અને સમય મળ્યો હતો. ભૂકંપ વખતે ધરાએ અમુક સેકન્ડમાં બધું તહસનહસ કરી નાખ્યા બાદ આફટર શોક આવ્યા કરતા હતા અને ભય રહેતો હતો. લોકો બહાર પણ નીકળી આવતા હતા અને સાવચેત પણ થઈ ગયા હતા અને એ રીતે વિતેલા બે દાયકામાં રહેવા લાગ્યા છે. તે સમયની નુકસાની ખમ્યા બાદ વિધાનસભાની 2002ની ચૂંટણીમાં કચ્છના મોભી નેતાઓને પાઠ ભણાવીને તરત આપબળે અને રાજકીય લોકોને સત્તાના ડરમાં રાખીને ઉભા થવાની દિશા પ્રેરી હતી. જ્યારે કોરોનામાં એક કેસ આવ્યા બાદ ગત વર્ષે સાવચેતી સધાઈ પણ ચૂંટણી, તહેવારો, મોકળા મને ફરતા રહેવાની મોકળાશે આપત્તિને વધુ ઘેરી બનાવી છે. નેતાઓએ રાબેતા મુજબ સરકારમાંથી અમલીકરણ કરાવવા કરતાં વાતો કરીને કચ્છીઓને આંબલી પીપળી દર્શાવવાના પ્રયાસો વધારે કર્યા છે. અલબત, વકરતી સ્થિતિમાં સરકારના તંત્રે કામગીરી કરી છે પણ સમય સાચવવામાં કદાચ વિફળતા સાબિત થઈ છે.
કોરોનાની બીજી લહેર પ્રાણવાયુ - ઓક઼સિજનની અછતના કારણે લોકોનો જીવ લેનારી બની રહી છે. રોજના ૧૦૦ જેટલા મોતની ગણતરી કરીએ તો એક સપ્તાહમાં
અખબારોમાં આવતી મરણનોંધના આંકડા ૮૦૦ મોતની તો એમને એમ ગવાહી કરી આપે છે. માર્ચ ૨૦૨૦થી માર્ચ ૨૦૨૧ સુધી જીવ ગુમાવનારાઓની સંખ્યા
તેમાં ઉમેરો તો જિલ્લામાં અંદાજે 2000 જેટલા લોકોને ડ્રેગન વાઈરસ ભરખી ગયો છે.
હતા ન હતા જેવી સ્થિતિને સંભાળવામાં તંત્રનો પણ કેટલેક અંશે વાંક છે
અને લોકોનો પણ. થોડા સમયથી સોશિયલ મીડિયામાં એક મેસેજ ફરી રહ્યો
છે કે ઘરમાં બે લીટર
દૂધ હોય અને ૧૫ જણા આવી જાય તો પુરૂં ન પડે. વાત સાચી.
પણ જો વેકેશન કે રજાઓનો ગાળો હોય અને દર વર્ષની જેમ ખબર હોય કે ભાણિયા
કે ભત્રીજા આવશે અથવા મહેમાનોની સંભાવના છે ત્યારે ઘરવાળી કે ઘરવાળા અગાઉથી બેના બદલે
૪ કે ૬ લીટર દૂધ મગાવી લેતા હોય છે. જેમ જરૂર પડયે વધારતા જતા
હોય છે. આવું જ કંઈક કોરોનામાં થયું ગણાય. ઓક્સિજન કે વેન્ટીલેટરની સંખ્યા મર્યાદિત હતી પણ તબક્કાવાર કેસ વધતા ગયા તો
ત્વરિત નિર્ણયો સાથે તેની સંખ્યામાં પણ તત્સમયે વધારો થવો જોઈતો હતો. જેમાં તંત્ર કે સરકાર સમય સાચવી શક્યા નહીં અને હવે આરોગ્યની માળખાકિય સુવિધા
એક સાંધો ત્યાં તેર તૂટે તેવી થઈ ગઈ છે.
વાત એ જ કરવાની છે કે, ભૂકંપ અમુક સેકન્ડ પૂરતો કુદરતી થપાટ મારીને ચાલ્યો ગયો હતો, માનવ આરોગ્યને હાનિ થાય તેવી સીધી અસર અમુક સમય પછી નહોતી. જેમને થઈ તેમને આજીવન થઈ પણ જેમનો સમય પસાર થઈ ગયો તેમનું જીવન રૂટિન સમાન થયું હતું. જ્યારે કોરોનામાં પાછોતરી અસર થઈ છે. લોક આરોગ્યને તો અસર થઈ જ છે અને જિલ્લાવાસીઓ પૈકીના કોરોનાગ્રસ્તો અચાનક જ પૂરતી આરોગ્ય સગવડના વાંકે જગત છોડીને જતા રહે છે તે મોટું નુકસાન તો છે જ પણ લોકડાઉનના કારણે રોજગારી, પારિવારિક સમસ્યાઓ તથા ભવિષ્યમાં શું તેનો સવાલ તેર મણનો રહ્યો છે.
ધરતીકંપ વખતે વિશ્વભરની સંસ્થાઓ અને સરકાર સહાયભૂત થયા હતા પણ હાલની કોરોનાની મહામારીમાં આખું વિશ્વ નિઃસહાય છે. કોણ કોના આંસુ લુછે તેવી સ્થિતિમાં સરકાર અને તંત્રની કામગીરી સિવાય જો કોઈના પર આધાર રાખવાનો હોય તો તે નિયમ પાલન અને આરોગ્ય સુરક્ષાની કાળજી લેવાનો. આરોગ્યને સાચવવામાં જેટલા પ્રયાસો ખાસ કરીને કોઈના સંપર્કમાં ન આવવાનું વધુ જીવરક્ષિત સાબિત થઈ શકે છે. જોકે, તેમાં પણ કોઈ ખાતરી રહી નથી કારણ કે ઘરમાં રહેલી વ્યક્તિને સંક્રમણ કેમ લાગ્યું તે પણ ખબર ન પડતી હોય તેમ બનતું આવ્યું છે.
વાઈરસના લીધે આ કુદરતી મહામારીએ ઘણુ શીખવ્યું છે પણ
આપણે સમય ચૂકી ગયા છીએ અને મહામારી ઘર કરી ગઈ છે ત્યારે એટલી જ હકારાત્મકતા રાખી શકીએ
કે આ દિવસો પણ જતા રહેશે.
ભાવિન વોરા
તા. 01 મે 2021
Comments
Post a Comment