રાજાશાહી ચાડવા રખાલ બાયો ડાયવર્સિટી પાર્ક તરીકે સંવર્ધિત કરાશે

 

૫૧૭૯ હેક્ટરમાં સેવ એન્ડ પ્રિઝર્વ ચાડવા રખાલના સ્લોગન સાથે વિકસાવવાનો કોલ

ગુજરાત ઈન્સ્ટિટયૂટ ઓફ ડેઝર્ટ ઈકોલોજી દ્વારા રાજવી પરિવારને અપાયો અહેવાલ 

#kachchh
#Chadva Rakhal
#Ecology
#Guide
#Kachchh Royal Family
#Bhuj
#Ecotourism
#caracal


ભુજ :

ભુજથી અંદાજે ૧૫ કિલોમીટરે આવેલ તાલુકાના ભારાપર, વાડાસર, સામત્રા વિસ્તારમાં આવેલા અને અંદાજે ૨૪ માઈલ વિસ્તારમાં પથારાયેલી ચાડવા રખાલ વિસ્તારને કચ્છ અને ગુજરાતનો શ્રોષ્ઠ બાયો ડાયવર્સિટી પાર્ક બનાવીને તેને સંવર્ધિત કરવા માટેના આયામો આગળ ધપી રહ્યા હોવાની પ્રક્રિયા સપાટી પર આવી છે. રાજાશાહી સમયની આ રખાલની મહત્તા દર્શાવતો એક વિસ્તૃત અહેવાલ ગુજરાત ઈન્સ્ટિટયૂટ ઓફ ડેઝર્ટ ઈકોલોજી (ગાઈડ)ના ડાયરેક્ટટર ડૉ. વી. વિજયકુમાર અને સંશોધકો દ્વારા રાજવી પરિવારને આપવામાં આવ્યો છે, જેમાં સ્પષ્ટ જણાવવામાં આવ્યું છે કે, બે દાયકાથી ખુલ્લી મૂકાયેલી આ સાઈટને ઈકો ટૂરિઝમ સાઈટ તરીકે વધુ સારી રીતે વિકસાવી શકાય એમ છે. રાજવી પરિવાર અને વન વિભાગના સંયુક્ત સાહસથી વન્યપ્રાણી સંરક્ષણ અને પર્યટનને પ્રોત્સાહન આપી શકાય તેમ છે. મહારાવ પ્રાગમલજી નેચર કન્ઝર્વેશન ટ્રસ્ટ સંચાલિત આ રખાલ માટે વન અને જીવસૃષ્ટિને બચાવવા અને તેનું સંવર્ધન કરવાની પ્રાથમિકતા રહી છે. ૫૧૭૯ હેક્ટરમાં સેવ એન્ડ પ્રિઝર્વ ચાડવા રખાલના સ્લોગન સાથે ઈકો સેન્સેટિવ એરિયા તરીકે સાચવવાના પ્રયાસો અમલી બન્યા છે.

વનસંપદા અને જીવસૃષ્ટિ ધરાવતા ચાડવા રખાલના વિસ્તાર મામલે વિગતે વાત કરીએ તો ૧૯૭૧માં સાલિયાણા પ્રથા બંધ થયા બાદ તે સમયના કચ્છના કલેક્ટર અને દેશના ચૂંટણી કમિશનના મુખ્ય અધિકારી સુધી પહોંચેલા ગોપાલાસ્વામીના સમયમાં કેટલીક જમીન સરકાર હસ્તક મળવાની હતી. આ અગાઉ ૧૧૪૭થી ૧૯૪૮ સુધી કચ્છમાં ૪૪ રખાલો નિયત કરાઈ હતી અને એવી શરત હતી કે, આ રખાલોની જમીન વનીકરણ અને ઘાસ ઉત્પાદન, ચરિયાણ માટે ઉપયોગ કરી શકાશે. કોમર્શિયલ ઉપયોગમાં નહીં કરી શકાય. ૧૯૪૭ બાદ આ રખાલ રાજવી પરિવારની ખાનગી સંપત્તિ તરીકે ફેરવાઈ હતી અને તેના હાલના વારસદારો પ્રાગમલજી ત્રીજા અને પ્રીતિદેવી છે. રખાલનો વિસ્તાર ૫૧૭૯ હેક્ટર વિસ્તારમાં ફેલાયેલો છે. સંશોધકોના જણાવાયા અનુસાર અહીં માછલીઓની ઘણી જાતો, પક્ષીઓની નોંધપાત્ર વસતિ રહી છે. પ્રાગસર તળાવામાં ૧૦૦થી વધુ મગર છે.

રખાલનો વિસ્તાર કાંટાવાળા વન સહિત સૂક્ષ્મ ગ્રાસલેન્ડ, સ્ક્રબલેન્ડ, વેટલેન્ડ, તળાવ તેનો કેચમેન્ટ એરિયા સહિતની સમૃદ્ધિ ધરાવે છે. વૃક્ષાચ્છાદિત ટેકરીઓ અને નદી જેવા ઝરણા પણ હિલસ્ટેશન જેવો નજારો ખડો કરે છે. અહીં ફૂલોની વિવિધ જાતમાં ૨૬ ટકા કચ્છના અને ૧૪ ટકા રાજ્યમાં જાણીતા ફૂલો છે. તો ૦.૫ ટકા ભારતીય પ્રજાતિના ફૂલ છે.જ્યારે ૯૩ જાતિના પક્ષીઓ સ્થળાંતરિત પ્રકારના ગણવામાં આવ્યા છે. પણ, તે કુલ નોંધાયેલા ૩૮.૪૩ ટકા પક્ષીઓ પૈકીના છે અને તેમાંથી ૨૦ ટકા જ સ્થળાંતર કરતા હોય છે. આ વૈવિધ્યસભર ઈકોસિસ્ટમ ઘાસચારો, પક્ષીઓને રહેઠાણ અને ચરિયાણ સહિતની સુવિધાઓ પૂરી પાડતો હોવાની વચ્ચે સંવર્ધિત વનસ્પતિ અને પ્રાણીસૃષ્ટિ થકી ઈકોટૂરિઝમ આવશ્યક ગણી શકાય તેમ છે.

 દબાણો અને પવનચક્કીઓ સામે સતત મોનિટરિંગ

કચ્છની આવી વિશાળ જમીનો પર ખાનગી કંપનીઓ તેનો ઉપયોગ કરીને નુકસાન પહોંચાડતી હોવાની ફરિયાદો વિવિધ ગ્રામીણ વિસ્તારોમાં ઉભી થતી હોય છે. ચાડવા જેવી હેરિટેજ જગ્યાનું મહત્ત્વ જાળવી રાખવાના સતત પ્રયાસો થતા રહે છે. આસપાસના ગામો સરલી, રામપર, મેઘપરના લોકો અને માલધારીઓ રખાલ વિસ્તારની જમીનમાં કોઈપણ ગતિવિધિ થાય તો ટ્રસ્ટના સત્તાધિશોને અવગત કરતા હોય છે, તો સેટેલાઈટ ઈમેજ અને ડ્રોનથી પણ મોનિટરિંગ કરાતું રહે છે. આ વિસ્તારના બહારના ભાગમાં પવનચક્કીઓ છે પણ અંદર પ્રતિબંધ છે અને રહેશે.

 ચાડવા રખાલ કચ્છના જંગલોની ઓળખ બની શકે તેમ છે

 ચાડવા રખાલ વિસ્તારનું ઈકોલોજીકલ મહત્ત્વ વધારે છે અને તેની જાળવણી ટ્રસ્ટના માધ્યમથી થવી જરૂરી છે. મહારાવ પ્રાગમલજી નેચર કન્ઝર્વેશન ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી જેહાન ભુજવાલાએ જણાવ્યું કે, ૬૦ વર્ષથી મહારાવ પરિવાર દ્વારા નિભાવણી કરવામાં આવી રહી છે. આ જંગલ ૧૫૦ થી ૨૦૦ વર્ષ જૂનું છે અને તેનું સંવર્ધન કરવાની કટિબદ્ધતા છે અને તેને બાયો ડાયવર્સિટી પાર્ક તરફ લઈ જવાનું છે. જંગલ વિસ્તારનું મૂળરૂપ જાળવીને તેમાં ચિંકારા, મગર, રોઝડા, અસંખ્ય પક્ષીઓને પણ સાચવવાના છે. કચ્છના જંગલોમાં જે છે એ બધું આ રખાલ વિસ્તારમાં છે. કચ્છના જંગલો ઘટી રહ્યા છે ત્યારે રખાલ વિસ્તાર કચ્છના જંગલોની ઓળખ બની શકે તેમ છે. તેને સાચવવનું બીડું ટ્રસ્ટે ઉઠાવ્યું છે અને વન અને જીવ સૃષ્ટિને સંવર્ધિત કરીને કેમ વિકસાવી શકાય તેના માટેના પ્રયાસો કરવામાં આવે છે. રાજાશાહી આ રખાલને સંવર્ધિત કરીને તબક્કાવાર વિકસાવવાનો કોલ આપવામાં આવ્યો છે. ઝુઓલોજી, જીઓલોજી અને બાયોલોજી સહિતના સંશોધકો માટે પણ બહારના લોકો માટે કચ્છના આ જંગલના દ્વાર ખુલે તેમ છે.

હેણોતરો કન્ઝર્વેશન સાઈટ તરીકે વિકસાવી શકાય

હેણોતરો લુપ્ત થતું જાનવર છે. બિલાડીના કદથી મોટું અને દિપડાથી નાના કદાના આ જાનવરને લુપ્ત થતું અટકાવવા માટે કેન્દ્ર સરકારના પર્યાવરણ મંત્રાલય સહિતના વિભાગો સજ્જ રહ્યા છે. તેના સંવર્ધન માટે રીઝર્વ એરિયા પણ જરૂરી છે. ભારતમાં રાજસ્થાનના રણ થંભોર નજીક અને કચ્છમાં જ હેણોતરો જોવા મળે છે. ચાડવા રખાલ વિસ્તારમાં પણ હેણોતરો કન્ઝર્વેશન સાઈટ વિકસાવી શકાય તેમ હોવાનું જેહાન ભુજવાલાએ કહ્યું હતું.

પ્રાગસર તળાવ : માલધારીઓની રોજગારી સાચવી બેઠું છે

એરિડ કમ્યુનિટી ટેકનોલોજીસના નિયામક ડૉ. યોગેશ જાડેજાના જણાવ્યા પ્રમાણે રખાલમાં આવેલું પ્રાગસર તળાવ હાઈડ્રોલોજી આધારિત છે. ૮૦ હેક્ટરમાં ફેલાયેલા આ તળાવને અહેવાલ મુજબ અને ટોપોગ્રાફિકલ નકશામાં ૭૯.૬૭ હેક્ટર છે. તેનો કુલ કેચમેન્ટ એરિયા ૧૦૨૭ હેક્ટર છે. લગભગ પાંચ કિલોમીટર વિસ્તારમાં આવતા આસપાસના ગામોના માલધારીઓ માટે રખાલનો ચરિયાણ વિસ્તાર અતિ અગત્યનો છે અને સંખ્યાબંધ પશુધન ચરિયાણ ઉપરાંત પાણીનો ઉપયોગ કરી શકે છે. માલધારી પરિવારોને પણ આ પાણી ઉપયોગી બની શકે છે. રખાલના ચરિયાણ થકી પશુપાલકોનો દૂધનો વ્યવસાય થતો હોવાના લીધે રોજગારીનું ઉપાર્જન પણ ચાલુ રહે છે. તેમના સંશોધન મુજબ તેના કેચમેન્ટ એરિયાની પરંપરાગત વ્યવસ્થા અને તળાવના તળિયામાં માટી અને ખડકાળ ભાગના કારણે લાંબો સમય સુધી અહીં પાણી સંગ્રહાયેલું રહે છે. ૮ મીટર વોટર કોલમ હોય ત્યાં સુધી ૯૬ ટકા પાણની ક્ષમતા રહે છે. રખાલનું સંવર્ધન થવું જોઈએ. જો આ વિસ્તાર સરકારમાં જાય તો માલધારીઓના હકો પણ જતા રહેવાની સંભાવના છે. આના કરતાં અહીં દૂધ એકત્રીકરણના ઉદ્યોગને પ્રાધાન્ય આપી શકાય. આની સાથે હેરિટેજ અને કુદરતી સંપદા પણ સાચવી શકાશે.

10 May 2021

Comments

Popular posts from this blog

21મી સદીમાં કચ્છ : પાણી, પ્રવાસન અને ઉદ્યોગીકરણ, પુસ્તક પ્રતિભાવ 1

ભૂકંપે અચાનક લોકોના પ્રાણ હર્યા અને કોરોનાએ પ્રાણ-વાયુ વિના

કચ્છને અલાયદું આપત્તિ વ્યવસ્થાપન તંત્ર અનિવાર્ય, ખરું ને ?