આ જ છે ભારતનું વસુધૈવ કુટુમ્બકમ : જન્મારાનોય સંબંધ નથી તેવા દેહના કુટુંબીની જેમ અંતિમ સંસ્કાર
ભુજના ખારી નદી સ્મશાનગૃહમાં માનવજાતનો સંબંધ નિભાવી મોતનો મલાજો જાળવે છે 'સ્વયં' સેવકો આરએસએસના સેવકોએ ૧૫મી એપ્રિલથી ભૂતનાથના સાંનિધ્યમાં સંખ્યાબંધ કોરોનાગ્રસ્તને કર્યા પંચમહાભૂતમાં વિલીન
#KACHCHH
#KHARI NADI
#RSS
#VASUDHAIV KUTUMBAKAM
#BHUJ
#COVID
ભુજ : (સંદેશ તા. 12 મે 2021)
કોરોનાકાળમાં 'ન જાણ્યું જાનકી નાથે સવારે શું થવાનું છે' આ ઉક્તિ સાચી પડી રહી છે અને તેના કારણે લોકો વિચલિત તો જરૂર બની રહ્યા છે, પણ આ દરમિયાન કોઈનાય કુટુંબ પર થતા વજ્રઘાતને ખમવાની અંતિમ સ્થિતિમાં એટલે કે અંતિમ સંસ્કારમાં કોરોનાગ્રસ્ત મૃતકના આત્માને શાતા મળે તેવી અવિરત સેવા આરએસએસના સેવકોએ 'સ્વયં' ઉપાડી લીધી છે અને ખારી નદીના પટનો સંઘ જાણે ગંગા કે ભાગીરથીના કિનારે પહોંચ્યો હોય તેમ મૃત શરીરોને પંચમહાભૂતમાં વિલીન કરવાની પવિત્ર ફરજ બજાવવામાં આવી રહી છે. ૧૫મી એપ્રિલથી ભૂતનાથ મહાદેવ પરિસરના સાંનિધ્યમાં આ સેવકો પણ ચિતાઓ સામે તપ કરી રહ્યા છે.
હિન્દુસ્તાન કહો કે ભારતમાં વસુધૈવ કુટુમ્બકમની ભાવનાની આનાથી વિશેષ સાબિતી કદાચ મળવી મુશ્કેલ હશે એમ કહેવું કદાચ ઉચિત રહેશે. કારણ કે, રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના સભ્યો નાત-જાત કે કોઈ સંપ્રદાયના વાડાબંધી જોયા વિના એક માત્ર હેતુ સ્વચ્છ અને યોગ્ય જગ્યામાં માનવ મૃતદેહના અંતિમ સંસ્કાર થાય એ પાર પાડવાનું છે. સરકારી કે ખાનગી એમ્બ્યુલન્સમાં ખારી નદીના પટમાં પહોંચેલા દેહના નામની ખબર નથી કે તેમના કુટુંબ સાથે જન્માનારાઓનો પણ ક્યારેક કોઈ સંબંધ હોતો નથી તેમ છતાં અંતિમક્રિયા કરવાનું લેણું વિધાતાએ જાણે આ સેવકોના કપાળે લખ્યું હોય અને તેમાં પણ મૃતકના પરિજનોના સંપૂર્ણ વિશ્વાસ હોય ત્યારે એ સેવાની સુગંધ ફેલાયા વિના રહી નથી. આમ, અજાણ્યા લોકોને જો તેમના કોઈ પારિવારિક સભ્યો કે પરિચિતો હાજર ન હોય ત્યારે અગ્નિદાહ દેવાનો હોય ત્યારે સેવકોની આંખમાં ઝળઝળિયા રોકી શકાતા નથી. આ જ વસુધૈવ કુટુમ્બકમ મોટી સાબિતી કહી શકાશે.
પરિજનો કે સ્નેહીના હાથ ધ્રુજતા હોય ત્યારે મૃતદેહ પણ શબવાહિનીથી ચિતા સુધી પહોંચાડાય છે
સાંજે પાંચ વાગ્યા બાદ આવીને સ્મશાન વિસ્તારને સાફ કરવો, ચિતા ગોઠવવી અને જો વધુ સંખ્યામાં શબ આવી જાય તો કેવી રીતે વ્યવસ્થા કરવી તેનું પણ આયોજન કરાય છે. પરિજનો પીપીઈ કિટમાં હોય છે પણ સેવકોને કામમાં નડતરરૂપ હોવાથી પહેરતા નથી. પરિજનોની કિટ એકત્ર કરીને હોસ્પિટલમાં પરત મોકલવામાં આવે છે અને ત્યાં તેના નાશની વ્યવસ્થા કરાય છે. જોવાનું એ છે કે, શબવાહિનીમાં જ્યારે મૃતદેહ સાથે તેમના સંબંધી કે પરિચિત આવે ત્યારે તેમની સ્થિતિ પણ ક્યારે સંભાળી શકાય તેમ નથી હોતી. ખૂબ જ દુઃખમાં હોવાના કારણે ધ્રુજતા હાથોમાંથી શરીર પડી જવા સુધીની ઘટના બને ત્યારે કોરોના સંક્રમિત શરીરને ચિતા સુધી પણ આ સ્વયં સેવકો પહોંચાડે છે અને પરિવારના સભ્યને શાંત પણ રાખે છે. આટલું ઓછું હોય તેમ, ઉદ્યોગો અથવા ખાનગી વ્યવસાયિક પ્રતિષ્ઠાનોમાં કામ કરતા લોકોનાં મોત થાય અને તેમના સ્નેહીઓમાંથી કોઈ જ હાજર ન હોય ત્યારે તેમને અગ્નિસંસ્કાર આપવાથી માંડીને તેમના અસ્થિકુંભ છેક બિહાર, આસામ, રાજસ્થાન કે દિલ્હી પહોંચાડવાની પણ સ્વખર્ચે વ્યવસ્થા કરવામાં આવી રહી છે. સ્વયં સેવકો એટલું જ કહે છે કે, આ મહામારીમાંથી છુટકારો મળે અને લોકોના જીવ બચે તેવી અભ્યર્થના આ કામગીરી દરમિયાન કરાતી હોય છે.
જોખમી સેવા પણ મહાદેવ અને કુદરત કરે તે ખરું : કોરોના થયા પછી પણ ફરીથી સેવા ચાલુ રહે છે
૧૫મી એપ્રિલે ઘરે બહાનું આપીને નીકળેલા ભુજના નિપુણ માંકડ કહે છે કે, આવી સેવા કરવી આરોગ્યની દૃષ્ટિએ સંપૂર્ણ જોખમી છે. સંઘના તમામ સેવકોના પરિવારજનોને બિરદાવવા ઓછા પડે કારણ કે, તેમનું આરોગ્ય પણ સાચવવાનું છે તેમ છતાં સ્મશાનમાં અને તે પણ કોવિડ મૃતકોના અંતિમ સંસ્કારની સેવા કરવાની મંજૂરી આપે છે. જ્યારે સેવા કરવાનું નક્કી કર્યું ત્યારે કુટુંબમાં ભઈબંધના ઘરે કામ છે અને મોડું થશે તેવા બહાના બનાવીને સાંજથી રાત્રિ સુધીની પાળી પતાવી હતી. રાત્રે ઘરેથી ફોન આવ્યો ત્યારે બીજું બહાનું આપવું પડયું હતું. કારણ કે, શબ આવવાના ચાલુ હતા. પ્રથમ દિવસ હતો એટલે ઘરે બહાના સિવાય કોઈ છૂટકો ન હતો, સેવા તો કરવાની જ હતી. જોકે, વહેલી સવારે પત્નીને ફોન કરીને ખરી હકીકત જણાવી અને સ્મશાનમાં રત સેવકો માટે ચાની વ્યવસ્થા કરવાનું કહ્યું. ત્યારની ઘડીથી આજ સુધી રોજ સવારે જનરલ હોસ્પિટલમાં દર્દીઓ સાજા થાય તે માટેની સેવા અને કમનસીબે સાજા ન થાય તો તેમના અંતિમ સંસ્કારની સેવા કુદરતની મહેરબાની સાથે ચાલુ રાખી છે. મહાદેવ કરે તે ખરું અને તેના આશીર્વાદ બળવાન છે તેથી કોરોનાગ્રસ્ત બનેલા દીપક ડુડિયા પણ મહામારીથી નીકળીને ફરીથી સ્મશાનની સેવામાં રાબેતા મુજબ લાગી ગયા છે.
સ્મશાને શ્વાક્રિડા સ્મરહર પિશાચા સહચરા : મહાદેવનું મંગળ સ્મરણ
સ્મશાને શ્વાક્રિડા સ્મરહર પિશાચાઃ સહચરા, શ્ચિતાભસ્માલેપઃ સૃગપિ નૃકરોટિપરિકર, અમંગલ્યમશિલં તવ ભવતું નામૈ વ મખિલમ, તથાપિ સ્મતૃણાંર્ વરદ પરમ મંગલમસિ. દેવરાજ ઈન્દ્રની સભાના મુખ્ય ગાયક એવા ગંધર્વરાજ પુષ્પદંત રચિત શિવમહિમ્નસ્તોત્રના આ ૨૪મા શ્લોકનું સીધું અનુસરણ હાલની સ્થિતિમાં ભુજના ખારી નદીમાં ભૂતનાથના ટ્રસ્ટીઓ હોય કે સુખપર, માધાપર અથવા કોઈ પણ સ્મશાનમાં સેવા આપતા સંઘના કે અન્ય સેવકો દ્વારા પરોક્ષ અથવા પ્રત્યક્ષ રીતે થતું જોવા મળી છે. આનું કારણ એ છે કે, આ શ્લોકનો અર્થ કહો કે ભાવાર્થ તે આ સ્વયં સેવકોના મનમાં અને વર્તનમાં પણ જોવાઈ રહ્યો છે. આ શ્લોકનો અર્થ એવો દર્શાવાયો છે કે, કામદેવનો નાશ કરનાર હે શંકર ભગવાન, સ્મશાનમાં રમવું, પિશાચોની સાથે ફરવું, ચિતાની ભસ્મ ચોળવી અને માનવ ખોપરીઓની માળા પહેરવાની આપની (મહાદેવની) રીતભાત ભલે અમંગળ ગણાતી હોય છતાં હે વરદાતા આપનું સ્મરણ કરનારાઓ (ભક્તો) માટે તો આપ પરમ મંગળ સ્વરૂપ જ છો. સવારે લાકડાં આવે ત્યારથી ભૂતનાથ ટ્રસ્ટના ગજુભા જાડેજા, પરાક્રમસિંહ જાડેજા, યુવા નગરસેવક મહિદીપસિંહ જાડેજા, અજિતભાઈ પરમાર, કીર્તિભાઈ ઠક્કર, શૈલેષ જાની સહિતના ટ્રસ્ટીઓ અને સાંજે ઉત્તર ગંગા તીર્થ એટલે કે ખારી નદીમાં અગ્નિ આપવાથી ઠારવા સુધીની કામગીરી પાર પાડતા સંઘના સેવકો વોકળા ફળિયા ગરબી મંડળના સભ્યો તથા વિશાલ પુંજ, જગદીશ ઠક્કર, હાર્દિક પુંજ વગેરેના મનમાં સંસ્કારનો ભાવ છે કે તેમણે આત્મા વિહોણા આવેલા દેહને પંચમહાભૂતમાં વિલીન કરવાની ભૂમિકા ભજવવાની છે. કેશવ મિત્ર મંડળના દિલીપ ત્રિવદી તથા અન્યોએ 1.51 લાખનું લાકડા કાપવાનું મશીન પણ વસાવી આપ્યું છે. સંપૂર્ણ માન સન્માનના ભાવ સાથેનું તેમનું ધ્યેય માત્ર સેવા હોવાની ઝલક તેમના વર્તનમાં પણ સાંત્વનારૂપે ઉડીને આંખે વળગે છે.
લોકો કારણ વિના બહાર નીકળીને રોગચાળાને આમંત્રણ ન આપે
સ્વયં સેવકોએ સ્મશાની કામગીરી દરમિયાન એવી પણ વિનંતીભરી લાગણી વ્યકત કરી હતી કે, અંતિમ ક્રિયામાં પણ કોઈ સમાજના લોકો વધુ સંખ્યામાં સ્મશાને ન આવે તે ખાસ જરૂરી છે. મહામારીએ ભરડો લીધો છે ત્યારે અકાળે લોકો મરણને શરણ થઈ રહ્યા છે, જેથી ચેપ બચાવવો પડશે. લોકોએ વર્તમાન સ્થિતિમાં અનિવાર્યતા સિવાય ઘરની બહાર નીકળીને કોરોનાને આમંત્રણ ન આપવાથી સમાજનું આરોગ્ય સુધરશે અને લોકોના જીવ પણ બચતા રહેશે.

Comments
Post a Comment