આ જ છે ભારતીય સંસ્કૃતિનો ખરો વિવેક

સામાન્ય દિવસોમાં સવારે 7 વાગ્યાના અરસામાં ભુજના જ્યુબિલી સર્કલ પાસે કે ગાયત્રી મંદિર નજીકના સ્મૃતિ મંદિર રોડ પર રોજનું કમાઇને રોજનું ખાનારા લોકો કામની શોધમાં મોટી સંખ્યામાં જોવા મળતા હોય છે. રોજનાો મૂલ મળે કે રોજ ચઢે તેના માટે કારીગરની આવડત મુજબ છકડો રીક્ષામાં તેના પેટા ઠેકેદાર કામદારોને લઇ જતા હોય છે. સાંજે આવીને ઝુંપડાનો કે ખુલ્લામાં દેખાય તેવા કાચા પાકા ઘરનો ચુલો બળતો હોય અને ઓછામાં ઓછા 8થી 12 લોકો જમવાની તૈયારી કરતા હોય. હાલમાં તો તમામ કામો ચાલુ નથી, જે છે ત્યાં રોજ મળે કે ન મળે તે પણ રોજ સવારે નક્કી થતું હોય છે. ટૂંકમાં રોજનું કમાવાનું નક્કી ન હોય તેમ ખાવાનું બનવાનું પણ નક્કી ન હોય. આવી સ્થિતિમાં પણ આ મજૂર વર્ગના પરિવારે ભારતીય સંસ્કૃતિના વિવેકની સાબિતી આપીને સંસ્કૃતિના સંસ્કારો જીવંત રાખ્યાનો અનુભવ થયો છે.  
બન્યું એવું કે એક પારિવારિક પ્રસંગમાં છોલે પુરીનું જમણ હતું અને છોલે ઘણા વધ્યા એટલે બાકી રહેલો છોલેનો ચોખ્ખો જ્થ્થો શ્રમજીવી પરિવારના ઝૂંપડે આપવાનું નક્કી થયું. ડબો ભરીને શ્રમજીવી પરિવારના કપડાંથી બાંધેલા ખુલ્લા `ઘર'ની બહાર પહોંચ્યા ત્યારે પરિવારના પુરુષનો પહેલો શબ્દ એ હતો કે `આવો સાહેબ જમવા'. જોવાનું એ છે કે તેમને ખબર હતી કે ડબામાં તેમના માટે કંઇક ખોરાક આપવા અમે પહોંચ્યા છીએ તેમ છતાં આવેલા આગંતુકને ચાલુ ચુલાએ તરત કહી દેવું કે ચાલો જમવા એ વિવેક ભારતમાં રહેનારાનો જ હોઇ શકે.  ત્યારબાદ તેમણે છોલે સ્વીકાર્યા હતા.  આવું વિવેકભાન ગુજરાતી હોય કે ભારતવાસીમાં જ શક્ય બને છે. કારણ કે ખુલ્લામાં રહેવા છતાં અને રોજના બે ટંક નક્કી ન હોય તેવી સ્થિતિમાં નજીકમાં ફરતા રહેતા ગાય, કૂતરાને પણ તેમના ભાગનું ખાવાનું આપવાનું ચૂકતા હોતા નથી. કોરોનાકાળની ગંભીર સ્થિતિમાં પણ આગંતુકને દાદ આપવી એ સંસ્કારને સલામ....

ભાવિન વોરા
તા. 06 મે 2021


#kachchh
#story
#culture

Comments

Popular posts from this blog

21મી સદીમાં કચ્છ : પાણી, પ્રવાસન અને ઉદ્યોગીકરણ, પુસ્તક પ્રતિભાવ 1

ભૂકંપે અચાનક લોકોના પ્રાણ હર્યા અને કોરોનાએ પ્રાણ-વાયુ વિના

કચ્છને અલાયદું આપત્તિ વ્યવસ્થાપન તંત્ર અનિવાર્ય, ખરું ને ?