બાગાયત ખેતીમાં કચ્છડો બારેમાસ : ૨૦૧૯-૨૦માં ફળોનું ૯.૪૯ લાખ મે.ટન ઉત્પાદન
ખેત ઉત્પાદક સંગઠનની કચ્છમાં રચના થાય તો વચેટિયાઓના બદલે સીધા કિસાનોને પૂરતું વળતર મળે
૫૬,૭૬૧ હેક્ટરમાં વાવેતર કરીને કચ્છ જિલ્લો રાજ્યભરમાં બન્યો
અગ્રેસર
#bagayat
#farming
#Kachchh
#kesar mango
ભુજ :
વર્ષ ૨૦૦૧ના ભયાવહ ભૂકંપવાળી આ ભૂમિ હવે
બાગાયતી પાકોના માધ્યમથી ફળાઉ સોનુ ઉગાડતી હોય તેવું ચિત્ર તબક્કાવાર સામે આવતું રહ્યું
છે, જેમાં ગત વર્ષ ૨૦૧૯-૨૦માં વધુ એક વખત બાગાયતી પાકોમાં કચ્છ જિલ્લો રાજ્યભરમાં ૯૪૯૧૧૫ મેટ્રિક ટન
ઉત્પાદન સાથે મોખરે રહ્યો છે. ફળો ઉપરાંત શાકભાજી, મસાલા અને ફૂલોના કુલ ઉત્પાદનમાં પણ કચ્છ ૧૨,૬૬,૨૬૦ મેટ્રિક ટન સાથે નંબર વન રહ્યો હોવાનું આંકડાકીય રીતે સાબિત થયું છે.
કચ્છમાં પ્રગતિશીલ ખેડૂતોના કારણે આવી સારી સ્થિતિ ઊભી થતી રહી છે અને
હવે વચેટિયાઓ કમાય તેના બદલે ખેડૂતો જ ખેત ઉત્પાદક સંગઠનની રચના કરે અને માર્કેટમાં
સીધું વેચાણ કરીને સીધો ફાયદો મેળવે તેવી સમયની માગણી હોવાનું આ ક્ષેત્ર સાથે સંકળાયેલાઓએ
જણાવ્યું હતું.
કચ્છની ખેતીવાડીના અનુભવીઓ સાથે વાત કરતાં
એમ જાણવા મળ્યું કે, બાગાયતી ખેતીમાં કચ્છ
સતત અગ્રેસર રહેતું આવ્યું છે અને તેના કારણોમાં સૌથી વધુ મહત્ત્વનું પરિબળ કિસાનો
તેમની જમીનની દેખભાળ પોતે જ કરતા હોય છે. રાજ્યના અન્ય જિલ્લાઓમાં
ખેડૂતો તેમની જમીન ભાગમાં આપી દેતા હોય છે અને ભાગિયાઓ સીધી રીતે ખેતી સાથે સંકળાયેલા
હોય છે. જ્યારે કચ્છમાં મોટાભાગે જમીન માલિકો પોતે જ ખેતીવાડીનું
ધ્યાન રાખતા હોય છે અને નિયત બાગાયતી સહિતના પાકો ઋતુ અનુસાર લેતા હોય છે. આ ઉપરાંત કચ્છની આબોહવામાં જમીનને પણ ભેજ અનુકૂળ આવતો હોવાથી ખેતી ખીલી ઉઠી
છે. બાગાયતી વિભાગના વર્ષ ૨૦૧૯-૨૦ના આંકડા
જોઈએ તો રાજ્યમાં બાગયતી પાકોમાં ૪૪૬૪૪૦ હેક્ટર વિસ્તારમાં થયેલા ૯૨૬૧૦૬૬ મેટ્રિક ટન
ઉત્પાદનમાં સૌથી વધુ કચ્છમાં ૫૬૭૬૧ હેક્ટરમાં ૯૪૯૧૧૫ મેટ્રિક ટન ફળો પાક્યાં છે.
આ ઉપરાંત શાકભાજી, આદુ, સૂકા
મરચા, લસણ જેવા સ્પાઈસીસ - મસાલા ઉપયોગી
પાકો, ફૂલોના કુલ ઉત્પાદન ૨૩૭૮૩૨૪૧ મેટ્રિક ટનમાં કચ્છમાં ૧૨૬૬૨૬૦
મેટ્રિક ટન ઉત્પાદન થયું અને તેમાં પણ ફળોમાં ૯૪૯૧૧૫ મેટ્રિક ટન થયું જેના લીધે કચ્છનો
ગ્રાફ રાજ્યમાં અગ્રેસર રહ્યો છે. ફળો ઉપરાંત શાકભાજી ૨૩૫૧૬૬
મેટ્રિક ટન પાક્યા જે રાજ્યમાં છઠ્ઠા નંબરે છે. જ્યારે સ્પાઈસીસ
૮૦૪૦૭ મેટ્રિક ટનના ઉત્પાદન સાથે ચોથા નંબરે અને ફૂલોનું ઉત્પાદન ૧૫૭૨ મેટ્રિક ટન ત્રીજા
નંબરે છે. આમ, કચ્છની ખેતીવાડી સમૃદ્ધ બની
છે તે આંકડાઓ સાબિત કરી રહ્યા છે.
કચ્છના ખેડૂતો સાહસિક અને નવી ટેકનોલોજી સાથે ચાલતા હોવાનું પરિબળ સૌથી મહત્ત્વનું
કચ્છની બાગાયતી કૃષિકારીએ કાઠું કાઢયું છે ત્યારે તેનો શ્રેય કચ્છના કિસાનોને જાય છે તેમ કહી શકાશે. કારણે અહીંના ખેડૂતો સાહસિક છે અને સરકારની યોજનાઓ, બાગાયત ખાતાની સબસિડી ઉપરાંત નવી નવી ટેકનોલોજીને અપનાવીને ખેતપાકોનું ઉત્પાદન મેળવે છે અને તેમની મહેનતના કારણે ભર્યાભાદર્યા પણ બને છે. કચ્છમાં જમીન વધારે છે એ પણ મહત્ત્વનું ગણાવી શકાય પણ તેમાં તે રીતની ખેતી કરવી એ વધારે મહત્ત્વનું છે. વાતાવરણમાં ભેજ માફકસર હોવાના કારણે ફળ મીઠું અને પૂરતા પોષકદ્રવ્યો સાથેનું હોય છે. ફાર્મર પ્રોડયુસર ઓર્ગેનાઈઝેશન એટલે કે ખેડૂતો સંચાલિક ઉત્પાદક મંડળી ઊભી કરીને વેચાણ કરવામાં આવે તો સીધો ફાયદો થઈ શકે તેમ છે. તેમાં નફાકારકતા વધે છે અને પરેશાનીઓ ઓછી થઈ શકે છે. સપ્લાય ચેનના લીધે કિસાનોને પોક્ષણક્ષમ ભાવો મેળવવામાં ફાયદો થતો નથી. કિસાનો સંચાલિત સંગઠન હોય તો બે બંદરના માધ્યમથી ફળોની નિકાસ પણ કરી શકાય તેમ છે. બાગાયત વિભાગ સાથે સૌહાર્દપૂર્ણ સેતુ હોવાના કારણે પણ ખેડૂતો નવા આયામો અમલમાં મૂકતા અચકાતા નથી. ૧૩ વર્ષના કચ્છના કાર્યકાળમાં ખારેક અને કેસર કેરીને અવ્વલ બનતા જોયા જ છે. સાથે સાથે ડ્રેગન ફ્રૂટ, ઈઝરાયેલી ખારેક, પમેલોન, સફરજન, ડ્રાયફ્રુટમાં કાજુ, કેલિફોર્નિયન આલ્મંડ એટલે કે બદામ પણ કચ્છની ભૂમિમાં વવાઈ છે. જે એક કચ્છની પ્રગતિશીલ ખેતીની સાબિતી છે.
- ડૉ. ફાલ્ગુન મોઢ
( સંયુક્ત બાગાયતી નિયામક મહેસાણા વિભાગ)
કચ્છ ફળોનું હબ છે, દુનિયાભરમાં પહોંચાડી શકે તેમ છે પણ સિસ્ટમ ઊભી
કરવી પડશે
કચ્છ એ ફળોનું હબ બની ગયું છે, દુનિયાને ફળો પહોંચાડવા સક્ષમ છે તેવી સ્થિતિ
હાલમાં પ્રવર્તી રહી છે. હવે કેવી રીતે દુનિયામાં પહોંચવું એ
જોવાનું છે. ખૂણે ખૂણે પહોંચવા માટે સિસ્ટમ ઊભી કરવી પડશે.
એક્સપોર્ટર્સની ઓફિસ ભુજ, ગાંધીધામ અને મુન્દ્રા
વિસ્તારમાં ઊભી થાય અને કાર્ગો ફેસેલિટીઝ, પેક હાઉસ સહિતની વ્યવસ્થા
અનિવાર્ય છે. વોટર હીટ ટ્રિટમેન્ટ, પ્રિકૂલિંગ
ટ્રીટમેન્ટ, ગામા રેડિયેશન સહિતની ટ્રીટમેન્ટ કચ્છની કેસર કેરી
સહિતના પાકો માટે જરૂરી બની ગઈ છે. કેન્દ્ર સરકાર ખેડૂતોની આવક
બમણી કરવા માટે પ્રયત્નશીલ છે ત્યારે આવી ટ્રીટમેન્ટ તથા એક્સપોર્ટ ફેસેલિટીઝ માટે
ભુજના એરપોર્ટ પર પણ આંતરરાષ્ટ્રીય કાર્ગો મોકલવાની સુવિધાઓ ઊભી કરાય તો કિસાનોની આવક
ખરેખર બમણી થઈ શકે. બીજી બાજુ સ્થાનિકે પણ જાગૃતિ જરૂરી છે.
- બટુકસિંહ જાડેજા (પ્રગતિશીલ
ખેડૂત, મઉં, તા. માડવી)

Comments
Post a Comment