કચ્છને અલાયદું આપત્તિ વ્યવસ્થાપન તંત્ર અનિવાર્ય, ખરું ને ?

કચ્છ અને આપત્તિ બંને એકબીજાના પર્યાયમાં રહેતા આવ્યા છે 1956નો અઁજારને તહસનહસ કરનારો ભૂકંપ હોય કે એ અગાઉ 1819માં સિંધના પાણી વાળનારા અલ્લાહ બંધ વખતનો ધરતીકંપ. કોઈને કોઈ રીતે આ સરહદી જિલ્લાની નુકસાનકર્તા રહ્યા છે. કચ્છની તાસીર આપત્તિ અને અવસર વચ્ચે અટવાઈ ગઈ છે ત્યારે રાજ્ય સરકાર, જિલ્લા વહીવટી તંત્ર સતત ઉચાટમાં રહેતા હોય છે. તેનાથી વધુ દરિયા કિનારે રહેતા લોકો, માછીમારો, અગરિયાઓ અને ભૂકંપ ઝોન પાંચમા આવતા વિસ્તારોની સતત ચિંતા થવી એ સ્વાભાવિક બની રહ્યું છે. સમય સમયે સચવાઈ જતું હોય છે પરંતુ દરેક વખતે ઉચાટ કચ્છીઓએ સહન કરવો પડે છે. એક અલાયદા આપત્તિ વ્યવસ્થાપન તંત્રની અનિવાર્યતા સામે ઉભી છે. 
મી એટલે કે વરસાદ કચ્છનું ઘરેણું છે અને એ ઘરેણું પહેર્યા વિના ચાલે તેમ નથી. મા નર્મદાના નીર મળ્યા પણ રાજકીય હેતુઓનું સાધ્ય પણ મળ્યું છે.  2001ના વિનાશકારી ભૂકંપ બાદ ૨૦૧૧ સુધી અવિરત અને ચોગરદમ થયેલી મેઘકૃપા થકી જિલ્લાવાસીઓ તરબતર રહેતા આવ્યા છે. સિંધુસાગર તો 1660ના અરસામાં વિલુપ્ત થઇ છે અને 1845 સુધી લખપતના લાલ ચોખાવાળા બંદરનો કારોબાર પણ ખોવાઇ ગયો હતો. ભૂતકાળના પડેલા દુકાળો એક તબક્કે ભુલાતા પણ આવ્યા હતા પરંતુ 2012માં કચ્છની મૂળ પ્રકૃતિ જાણે સામે આવી હોય તેમ દુકાળે દસ્તક આપી હતી જિલ્લામાં 10 તાલુકાના વિખરાયેલા ગ્રામીણ વિસ્તારોમાં બાકી રહેલી ચરિયાણ જમીનમાં જ્યારે વરસાદ થાય છે ત્યારે કચ્છની વનસંપદા ખીલી ઉઠી હોય છે પણ 2012 ની જેમ અચાનક જ દુકાળ આવી જાય તો જિલ્લાના વહીવટીતંત્ર હોય કે વન વિભાગ ઊંઘતા ઝડપાઈ જાય છે અને લાખોની સંખ્યા ધરાવતા પશુઓ માટે ઘાસનો જથ્થો બહારથી મંગાવવા ની મજબૂરી ઊભી થાય છે. આવો સમય વધુ એક વખત 2018માં આવ્યો છે. રાજ્ય સરકારે કચ્છમાંથી જ અછતની જાહેરાત કરવાની ફરજ પડી હતી,  ભુજમાં જ તેની જાહેરાત થઈ હતી કે કચ્છ સહિત રાજ્યના પાંચ ઇંચથી ઓછો વરસાદ ધરાવતા તાલુકાઓમાં અછતની અમલવારી ઓક્ટોબરથી કરાશે.
મુદ્દો એ છે કે જિલ્લામાં જંપીને બેસી શકાતું નથી પ્રકૃતિ મુજબ દસકો ખૂબ સારો જાય એટલે આપણે નચિંત બની જતા હોઈએ છીએ. પણ કચ્છ માટે તો અલગ વ્યવસ્થાપન હોવું જરૂરી છે. જેમ ગુજરાત આપત્તિ વ્યવસ્થાપન તંત્ર અલગ રીતે કામ કરે છે તેમ કચ્છ જિલ્લાની સ્વાયત આપત્તિ વ્યવસ્થાપન તંત્રની મંજૂરી આપીને તાકીદના નિર્ણયોની જવાબદારી બ્યૂરોક્રેટ્સ પર મૂકવી અનિવાર્ય સમજાય છે. કારણકે અતિવૃષ્ટિ હોય, અનાવૃષ્ટિ હોય કે અવારનવાર કંપનો આધારિત ઉભા થતા આ આંચકા હોય. આવી સ્થિતિમાં સ્થળાંતર એ મજબૂરી બની જાય છે અને કચ્છના માલધારીઓ એ જિલ્લા બહાર જવાની અને રાજ્યના પાણીવાળા ભાગોમાં ડેરાતંબુ જાણવાની ફરજ પડે છે. તો વાવાઝોડા કે અતિવૃષ્ટિ વખતે લોકોને ઊંચા સ્થાન ઉપર સાચવવાની જવાબદારી આવે છે
ઉપાય એ માની શકાય કે, જિલ્લા વ્યવસ્થાપન તંત્ર આપત્તિ માટે સ્વતંત્ર હોવું જોઈએ અને તેની એક ખાસ બોડી કાયમી ધોરણે કચ્છમાં કામ કરતી હોવી જોઇએ.  એ પ્રમાણે જિલ્લાને મેનપાવર મશીન પાવર અને નિર્ણય શક્તિની પૂરતી છૂટછાટ મળવી જોઈએ. એ ચોક્કસ ખરું કે રાજ્ય સરકારનું સીધું મોનીટરીંગ આવશ્યક છે. જો વ્યવસ્થાપન ઉભું કરવામાં આવે તો વન ખાતાની રખાલો માં કાયમી ધોરણે ઘાસ બેંક, દુકાળ વખતે પાણી વિતરણ વ્યવસ્થા તેમજ વાવાઝોડા સમયે નિયત ઉભા કરાયેલા આશ્રયસ્થાનો આપમેળે નો અઅમલમાં લાવી શકાય. અલબત્ત 2014ની નીલોફરની આપત્તિ અને વર્તમાન 2019 ની વાયુની આફત સામે કચ્છના વહીવટીતંત્રે ખડી પગે કામગીરી કરી છે તે પણ હકારાત્મક ધોરણે સ્વીકારવું રહ્યું. પણ આ માટે નિર્ણયશક્તિ ગાંધીનગર હોવાના કારણે કેટલીક વખત વિલંબની ખામી રહી જતી હોવાથી કચ્છની અલાયદા આપત્તિ લડત વ્યવસ્થાપનની જરૂરિયાત છે. હોમગાર્ડઝ, નાગરિક સંરક્ષણ તથા અન્ય અનુભવી સ્વૈચ્છિક સંસ્થાઓ જોડીને ફોજ ઊભી કરી શકાય. કચ્છ આફતોની પ્રયોગશાળા ગણીને તેને તે રીતે ટ્રીટમેન્ટ મળવી રાજ્ય માટે પણ ફાયદાકારક બની શકશે. જો ટુરિઝમમાં અને ઔઘોગિકરણમાં કચ્છને અગ્રહરોળમાં મૂકવામાં આવતું હોય તો આફતો એ તો માનવ પશુઓની જિંદગીના સવાલસમી હોય છે.   લખ્યા તા. 13મી જુન 2019

Comments

Popular posts from this blog

21મી સદીમાં કચ્છ : પાણી, પ્રવાસન અને ઉદ્યોગીકરણ, પુસ્તક પ્રતિભાવ 1

ભૂકંપે અચાનક લોકોના પ્રાણ હર્યા અને કોરોનાએ પ્રાણ-વાયુ વિના