કમ, મેક ઇન કચ્છ : ઉદ્યોગો માટે વહેતા પાણીમાં તરવાની તક

 દિવ્ય ભાસ્કર મીઠોકચ્છ પ્રકાશિત તારીખ 220215

ભુજમાં યોજાનારા વાઇબ્રન્ટ કચ્છ 2015 દ્વારા વિના ભૂકંપે કચ્છની ધરતી પર ઉદ્યોગ સાહસિકોને એકમો શરૂ કરવા નોતરૂં : રોજગારી આપવા અને  શિક્ષણ માટેના અેમઓયુ દિશાસૂચક બનશે

ધરતીકંપરૂપી કુદરતી વિનાશના દોઢ દાયકા પછી જિલ્લામાં ફરીથી ઉદ્યોગીકરણ સળવળ્યું છે અને વિશાળ જમીન પર અાધુનિક મશીનરીઓ સાથેના ભૂંગળાઓ કે ચીમનીઓને કાર્યરત કરાવવા માટે ભુજમાં નેશનલ લેવલનું આયોજન કરાઇ રહ્યું છે. કોણ કરી રહ્યું છે અેના મહત્ત્વ કરતાં કચ્છ માટે કેટલું કરાઇ રહ્યું છે એ હવે વિઝિબલ બની રહ્યું છે. કચ્છમાં વસતા જણને રોજગારી અપાવવા ઉપરાંત ઉચ્ચ શિક્ષણ માટેના એમઓયુ દિશાસૂચક માની શકાય. તો કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિિલટી (સીએસઆર)તળે થનારા ફાયદા તેની બાય પ્રોડક્ટ રહેવાની છે. એ ઉપપેદાશ દૂધની એવી મલાઇ સમાન બની શકે છે કે જેનાથી કચ્છનો ગ્રામીણ ભાગ તાજો માજો બનાવી શકાય. જો ઉદ્યોગો આવશે તો ‘મેક ઇન કચ્છ’નું લેબલ લગાવી શકાશે. ભારતના માંધાતાઓની કંપનીઓ તો ઠીક પણ કચ્છના કે ગુજરાતના જ્યાં હુંફાળા સબંધો છે તેવા દેશના ડેલિગેશન આવીને અમુક હજાર કરોડના એમઓયુ કરી જશે ! (જો કરે તો) જો આમ થયું તો વધુ એક વખત કચ્છ કચ્છ હોતા હેૈ કહી શકાશે. . . 
હવે જરૂર છે અત્યારે થઇ પણ રહ્યું છે અને એક પ્રકારે જો ઇનિસિએટિવ લેવાય તો સરકારથી માંડીને કચ્છના અદના માનવીને થોડે ઘણે અંશે ફાયદો થવાનો છે. કારણ કે ખુલ્લી જમીનો વેરાન જ પડી છે અને અમુક પ્રકારના ઔદ્યોગિકરણ માટે કામ આવી શકે છે.  તેનું માર્કેટિંગ કરીને કચ્છને ઇન્ડસ્ટ્રીયાલિઝમમાં વેગ આપવાનો અવકાશ સર્જાયો છે. ધી ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ કચ્છ દ્વારા વગર ભૂકંપની સ્થિતિએ હવે ઉદ્યોગોને કચ્છમાં આવવા નોતરૂં અપાયું છે. ભુજમાં 27મીથી ત્રણ દિવસ વાઇબ્રન્ટ કચ્છ અેક્સ્પો 2015 યોજાશે. એક તબક્કે વિચારીએ તો નવી આવનારી કપંનીઅો માટે વહેતા પાણીમાં થોડું તરી જવા જેટલું સહેલું છે. કારણ કે તંત્ર અનુભવી છે અને લોકોને પણ લાભાલાભનો ખ્યાલ છે. જોકે,  ઔદ્યોગિક એકમોને આપવી પડતી જમીનના દામ અંગેની લાલચો અને તેમને આપણી ભૂમિ પર સ્ટેબલ કરવા એક પડકાર સમાન છે. કારણ કે અપૂરતી સ્થાનિક રોજગારીના મામલે થતી અવગણના અને ગ્રામીણ લોકોને કરાતી અને અમુક ગ્રામીણ લોકો દ્વારા ક્યારેક કરાતી વિવિધ પ્રકારની પજવણીઅો સંઘર્ષમય બની રહે છે.  અલબત, તાળી એક હાથે વાગી ન શકે.
2001ના ધરતીકંપ બાદ એકઝાઇઝની છૂટછાટમાં કચ્છની જમીનો પર ઉદ્યોગોએ પોતાના એકમો નાખવામાં કોઇ કસર નથી રાખી. લગભગ દોઢ દાયકો થયો ત્યાં કેટલાક ટકી ગયા તો કેટલાક ભાગી ગયા, અને કેટલાક મંદ ગતિમાં સપડાઇ ગયા તો અમુક તો સેટ થઇ ગયા. રાજ્ય સરકાર દર વર્ષે અમદાવાદ - ગાંધીનગરમાં વાઇબ્રન્ટના નામે ઉદ્યોગોને ગુજરાતમાં લાવવાનો સતત પ્રયાસ કરી રહી છે ત્યારે હવે કચ્છમાં પણ તેની અસર ઉભી થઇ છે. ગુજરાતના વિકાસનું ગ્રોથ એન્જિન કચ્છ બનશે એવા મીઠાં મીઠાં વચનો પછી વાસ્તવિકતામાં ચોક્કસ ફેર જ હોય છે. કચ્છ ગોસ ગ્લોબલ એવા ટચૂકડાં વાક્ય સાથે આગામી સપ્તાહે વાઇબ્રન્ટ કચ્છ 2015 યોજાઇ રહ્યો છે. ઉદ્યોગ સંગઠનો હવે કમાવી લેવા ઉપરાંત તેમની સીએસઆર કામગીરીના નામ તળે બહાર પણ આવી રહ્યા છે. કચ્છના બરડા પર બેસીને તરી જવાનું સહેલું છે કારણ કે સ્થાનિક લોકોને ખમીરતાના નામે પોરસ ચઢાવી દેવામાં આવે છે અને કથિત આયોજનો પાર પાડી દેવાય છે.
ઉદ્યોગજગતમાં ખાઇ લેવાની ખેંચતાણ વચ્ચે હવે કચ્છના ઇન્ડસ્ટ્રિયલ ફેડરેશન્સે પણ કચ્છના લોકો માટે વિચારવું પડી રહ્યું છે. ફોકિયા દ્વારા એકેડેમિયા ફોરમ રચીને યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ માટે યુસફુલ જોબ પ્લેસમેન્ટ સહિતની મદદ કરાવવાની પ્રક્રિયા લાભદાયક છે. ચેમ્બર ઓફ કચ્છ ઉદ્યોગસાહસિકોને લાવે અને કચ્છના યુવાનો અને માંદા એકમોના લોકોને રોજગારી માટે વિશેષ શરતો સાથે કરાર કરે એ પણ અેક દિશાનિર્દેશ સમાન છે.

Comments

Popular posts from this blog

21મી સદીમાં કચ્છ : પાણી, પ્રવાસન અને ઉદ્યોગીકરણ, પુસ્તક પ્રતિભાવ 1

ભૂકંપે અચાનક લોકોના પ્રાણ હર્યા અને કોરોનાએ પ્રાણ-વાયુ વિના

કચ્છને અલાયદું આપત્તિ વ્યવસ્થાપન તંત્ર અનિવાર્ય, ખરું ને ?