વાકબાણ હોય કે વખાણ... કચ્છ કચ્છ હોતા હૈ ....
નલિયાકાંડ, ઉત્તર પ્રદેશની ચૂંટણીમાં ઘુડખરની નિવેદનબાજી, મુંબઇ પાલિકામાં વિજય સહિતના મુદ્દે જિલ્લો ચર્ચામાં : હકારાત્મક હોય કે નકારાત્મક પાસામાં આંતરિયાળ વિસ્તારની નોંધ દેશસ્તરે લેવાઇ રહી છે
આમેય કચ્છીઓને દેશ - વિદેશનું કચ્છ કનેકશન કાયમ માટે પસંદ
ઉત્તર પ્રદેશની સૌથી વધુ બેઠકો ધરાવતી વિધાનસભાની ચૂંટણીમાં કચ્છને યાદ કરવામાં આવ્યું છે. પ્રવાસનમાં ડંકો વાગી ગયો છે અને એ ડંકાના ભણકારા યુવાન મુખ્યમંત્રી અખિલેશ યાદવના કાનમાં વાગ્યા છે. કચ્છના નાના રણમાં વસતા વર્ગ એકના પ્રાણી ઘુડખરનો પ્રચાર તેમને પસંદ નથી પડ્યો. અખિલેશની કુછ દિન તો ગુજારો ગુજરાતમેં... કચ્છનું ટુરિઝમ ઘુડખરના નકારાત્મક પ્રચાર સામે હકારાત્મક અસર જન્મવાનારું બન્યું છે. બે દિવસ સુધી મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રીના મુખ પરથી વાક બાણ કે વખાણરૂપી વાક્યો થકી ગુજરાત ચર્ચામાં રહ્યું હતું. આની હકારાત્મક અસર જોઇએ તો ઘુડખર એટલે કે જંગલી ગધેડા ક્યાં જોવા મળે તેવો સવાલ ઉત્તર પ્રદેશવાસીઅોને થયો અને તેમાં રસ ધરાવતા લોકોને કચ્છનું નાનુ રણ એવો જવાબ ચોક્કસ મળે. યુપીમાં ઘુડખર ઉપરાંત સીએમના પત્ની ડિમ્પલ યાદવે માધ્યમોને આપેલા ઇન્ટરવ્યૂમાં નલિયાકાંડમાં ભાજપને કેમ છાવરવામાં આવે છે તે મુદ્દો ઉઠાવ્યો હતો. નલિયાકાંડ આવ્યો એટલે પરોક્ષ રીતે કચ્છ આવી જ ગયું કહેવાય.
યુપીવાસીઓને જ્યારે ઘુડખર કે નલિયાકાંડના જવાબ મળે ત્યારે કચ્છ અને અહીં યોજાતો રણોત્સવ હોય કે, ધોળાવીરા, નારાયણ સરોવર-કોટેશ્વર, હાજીપીર જેવા તીર્થ અને પ્રવાસન ધામો અથવા બે મહાબંદર સાથેનું વેપાર વણજ પણ આપોઆપ જોડાઇ જાય છે.
બીજો મુદ્દો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુંદેલખંડને પણ કચ્છ જેવો વિકસીત કરવાની વાત છેડીને પ્રચારમાં આપણા જિલ્લાને એક સ્થાન આપી દીધું છે તે હકીકત છે. રાષ્ટ્રસ્તરે અને જ્યારે ચૂંટણી સભાઓમાં દાવાઓ કરવાના હોય અને તેમાં પણ વિકાસની વાત સાથેના મુદ્દા રજૂ કરાય અેટલે કચ્છનું સ્થાન દેશમાં અંકિત થઇ ગયું છે અને તેની સામે અન્ય રાજ્યોએ જોવું કે વિચારવું પડશે.
કચ્છનું દેશ વિદેશ વ્યાપી કનેકશન કંઇ જ નવી વાત નથી. પરંતુ હાલમાં કોઇને કોઇ રીતે કચ્છ કચ્છ હોતા હૈ થઇ રહ્યું છે.
ઉત્તર પ્રદેશ પહેલાંની વાત કરીએ તો ધોરડોના રણોત્સવમાં ત્રણ રાષ્ટ્રીય પરીષદ યોજાઇ ગઇ. આમાં પ્રવાસન અને યુવા સાંસ્કૃતિક વિભાગના દેશના મોટાભાગના રાજ્યોના પ્રતિનધિઓએ ભાગ લીધો હતો. રાજ્યોના મંત્રીઓ અને સચિવસ્તરના ઉચ્ચાધિકારીઓએ રણોત્સવને જોયો અને અમુક અંશે કચ્છને જાણવાનો પ્રયાસ પણ કર્યો હશે.
આના લીધે તેમના રાજ્યોમાં એટલે કે દેશના વિવિધ વિભાગોમાં માઉથ પબ્લિસીટી એટલે કે મૌખિક પ્રચારના લીધે દેશવાસીઓની જીભ પર કચ્છ શબ્દ રમતો થલ ગયો એ હકીકત છે.
વાત આગળ કરીએ તો, કચ્છની કળાએ ઘણાને ગૌરવ અપાવ્યું છે. તબક્કાવાર રાષ્ટ્રીય એવોર્ડ મળતા રહે છે. તો અમુક લોકો કચ્છના કલાકારોની કળના નામે વ્યવસાય બનાવીને આગળ વધસ જઇ રહ્યા છે. તાજેતરમાં જ આવી જ એક ખબર વિશ્વસ્તરે ઉભી થઇ અને તેમાં પણ પાયો કચ્છની કળા જ હતી. તેની વિગતોમાં કચ્છના રબારી વુમનવેરની ડિઝાઈને 26 દેશને હરાવી ભારતને શ્રેષ્ઠ રાષ્ટ્રનો એવોર્ડ અપાવ્યો એ ગૌરવભરી વાત ગણાશે. વિચરતા સમુદાય એવા પશુપાલકોની થીમ પર આપાણા દેશ વતી પાંચ ડિઝાઈનર દેશના વિચરતા પશુપાલક સમુદાયના કલ્ચર અંગે લંડનમાં યોજાયેલા ફેશન વીકમાં કચ્છના રબારી સમાજની સ્ત્રીઓના પોષાકની કૃતિ રજૂ કરાઇ અને તે વિજેતા પણ બની. ભારતના પાંચ લોકોને આમાં સ્થાન મળ્યું તેમાં કરિશ્મા સાહાનીએ રજૂ કરેલી કચ્છી મહિલાના પોષકની કળા અને સંસ્કૃતિ આંતરરાષ્ટ્રીયસ્તરે છવાઇ ગઇ. આ આંતરરાષ્ટ્રીય ફેશન વીકમાં ઓસ્ટ્રેલિયા, ચીન, જર્મન, કોરિયા અને રશિયા સહિતના 26 દેશે ભાગ લીધો હતો એટલે ત્યાં પણ પરોક્ષ રીતે કચ્છને યાદ કરવું પડ્યું.
વધુ એક રાજકીય મુદ્દો ઉમેરીએ તો મુંબઇની મહાનગરપાલિકાઓના પરિણામોમાં પણ માટું હોય કે મુલુંડમાં ભાજપનો હાથ ઉપર રહ્યો છે. આ અને અમુક ગુજરાતી વિસ્તારોમાં કચ્છીઓની વસતિને નજર અંદાજ ન કરી શકાય અને તેના કારણે જ કમળની તમામ પાંખડીઓ ખીલી ગઇ છે. લાંબા સમયથી ત્યાં વસતા પાંચથી વધુ કચ્છી મહાપાલિકામાં કાઉન્સિલર્સ તરીકે સ્થાન મેળવવાના છે.
તો હાલમાં સેન્ટ્રલ વોટર કમિશને જારી કરેલા અહેવાલ અનુસાર કચ્છમાં જળ સંગ્રહ શક્તિમાં ઘટાડો થયો છે. વિવિધ નદીઓ અને જળાશયોના અહેવાલમાં કચ્છનો પણ સમાવેશ થઇ ગયો છે. નોંધનિય છે કે ગત સપ્તાહે રજૂ થયેલા વિધાનસભાના બજેટમાં પણ કચ્છમાં એક મિલિયન એકર ફીટ પાણી માટે 76 કરોડ ફાળવાયા છે. જિલ્લામાં તો આ મુદ્દો પણ યેનકેન પ્રકારે ચર્ચાએ ચડ્યો હતો.
તાજેતરની સમીક્ષા કરીએ તો દેશમાં કોઇને કોઇ રીતે કચ્છ કચ્છ હોતા હૈ... એમ ચિત્ર સપાટીએ તરી રહ્યું છે.
લખ્યા તા : 26 ફેબ્રુઆરી 2017
Comments
Post a Comment