અથ શ્રી નર્મદા કથા....


સિંચાઇના વહેતા પાણી બનશે કાયમી કાચુ સોનુ: 2010થી 17 સુધીની પાણીયાત્રા કચ્છમાં આજીવન ખળખળ વહેશે : દલ દલનો પર્યાય બનશે જલ જલ : અમરકંટકમાંથી આવતી નર્મદામૈયા જગતના તાતને ઉછેરશે


ભાવિન વોરા (તા : 22 મે 2017)

ટેમ્સ નદી પર જેમ લંડન વસ્યું છે તેમ નર્મદાની કેનાલ અને પાઇપલાઇનના સિંચાઇ કે પીવાના પાણી પર કચ્છ જીવવાનું છે. દાયકાઓ નહીં સદીઓ નર્મદાના પવિત્ર જળથી પસાર થવાના છે. ઉત્તરાખંડમાં અલકનંદા, મંદાકિની અને ગંગોત્રીથી હરિદ્વાર સુધી પહોંચેલી ગંગા નદીનું સ્થાન પવિત્રતાનો પર્યાય છે તેમ નર્મદા પણ પણ ગંગા પછી દેશમાં બીજા નંબરની બારમાસી નદી છે અને કચ્છ જેવા પ્રદેશો માટે તો જીવન પર્યાયસમી બની છે. વિશાળ ભૂભાગ ધરાવતા અને કુદરતી સંપદાઓના વૈવિધ્યસમા આપણા સરહદી જિલ્લાને જો કંઇ કાયમી ઓછપ હોય તો એ માત્ર ને માત્ર પાણી છે. નંદનવન હૈયા ધરવતા કચ્છને 2010 પછી સિંચાઇ માટે પાણીની યોજનાઓએ ભૂમિને પુલકિત કરી છે અને તેનો કોઇ ઇતિ નહીં હોય એટલે કે નર્મદાની કથા કાયમ રહેશે તેનો અંત આવવાનો નથી. કચ્છના પાણીના કાયમી સ્રોત નથી એટલે નર્મદાના પાણી પણ વ્યક્તિની જેમ સવાયા કચ્છી અને કદાચ તેનાથી આગવું સ્થાન લેશે. એક તરફ પશ્ચિમી સાગરતટના સાનિધ્યમાં કચ્છમાં ક્રીક વિસ્તાર છે અને તે દલદલથી ઘેરાયેલો છે ત્યારે દેશના મધ્યપ્રદેશના અમરકંટકમાંથી આવતી નર્મદામૈયા કચ્છની ભૂમિના જગતના તાતને ઉછેરીને ન્યાલ કરશે અને મોટાભાગનો ભૂભાગ જલજલ થઇ જશે તે ભવિષ્યની હકીકત બનશે.
 2003તી પીવાના પાણીની લાઇન મારફતે શરૂઆત દરમિયાન વિનાશક ભૂકંપ બાદનું ઔદ્યોગીકીકરણ ગુજરાતના વિકાસના છોગા સમાન રહ્યું છે. આ વચ્ચે સિંચાઇના પાણીથી કચ્છનો સુકોભઠ્ઠ અને ભેંકાર ભાસતા વગડામાં રોકડિયા કે બાગાયતી પાકો લહેરાતા જોવા મળે ત્યારે બૃહદ કચ્છી કે પાણી પાણી કરીને જીવન કસી નાંખનારા વડીલોની આનંદની કિંમત અમૂલ્ય માનવી પડે.
 નર્મદા જિલ્લાના કેવડિયા સ્થિત સરદાર સરોવરનો વિકાસ જેટલો વધુ થાય તેમ કચ્છને મળનારી જળરાશિમાં કંઇકને કંઇક લાભાલાભ થવાના છે તે હકીકત છે. લોકોનું વિઝન એક મિલીયન એકર ફીટ વધારાના પાણીનું છે પણ એ પહેલાં મૂળ પાણીની દેખભાળથી માંડીને તેનો ઉપયોગ સમૃદ્ધિ લાવનારો બની રહેશે તેમાં શંકા કરી જ ના શકાય. વાત સિંચાઇના પાણીની અહીં કરી છે અને તેના થકી થયેલી અને થનારી કાયાપલટ કચ્છને દેશમાં અગ્રહરોળમાં રાખશે તે સ્વીકારવું પડશે. 2018ની નિયત મર્યાદામાં નર્મદાના અવરોધો હટતા રહેશે તેમ માંડવી તાલુકાના મોડકૂબા સુધી કેનાલ વહેતી થશે અને કચ્છના 6 તાલુકાના ગામો નવપલ્લવિત થશે.
 કચ્છ બ્રાન્ચ કેનાલ (કેબીસી) માટેની યોજના 2010માં સીએમ નરેન્દ્ર મોદીએ આપી
 સરદાર સરોવર નિગમ દ્વારા કેવડિયાથી નીકળેલી નર્મદની 360 કિલોમીટરની કેનાલમાંથી કચ્છને જોડવાની વાત 2010માં કરવામાં આવી. હાલના વડાપ્રધાન અને તે સમયના મુખ્યપ્રધાન નરેન્દ્રભાઇ મોદીઅે નર્મદના નીરને કેનાલ મારફતે કચ્છ શાખા નહેરમાંથી વહેતું કરવાની યોજના અમલી બનાવી હતી. યોગાનુયોગ ત્યારથી કરીને આજ સુધી સરદાર સરોવર નિગમ લિમિટેડના ડાયરેકટરપદે મુકેશ ઝવેરી છે અને જિલ્લાના છેલ્લા પમ્પિંગ સ્ટેશનના લોકાર્પણના સાક્ષી બનવાના છે. તો રાપરના ધારાસભ્ય પંકજ મહેતા જેસડામાં પ્રથમ નહેરના ખાતમુહર્તથી માંડીને તેમના મત વિસ્તાર રાપર તાલુકાના બે પમ્પિંગ સ્ટેશન ઉપરાંત નજીકના ભચાઉમાં ત્રીજા પમ્પિંગ સ્ટેશનમાં થનારા ઓવારણા સુધીના સફળ યાત્રિક રહ્યા છે.

 1. નર્મદાની મુખ્ય નહેર 360 કિલોમીટરની છે અને તેની કચ્છ શાખા નહેર 357 કિલોમીટરની છે. તે બનાસકાંઠાના કાંકરેજ તાલુકાના નાના તેરાવાડા ગામ પાસે 385.81 કિલોમીટરે નીકળે છે.
 2. બનાસકાંઠા અને પાટણ જિલ્લાના 84 કિલોમીટર, નાના રણના 10 કિ.મી બાદ રાપરના માંજુવાસ વિસ્તારમાંથી પ્રવેશે છે.
 3. કચ્છના 1,12,778 હેકટર (2,78,561) પિયત વિસ્તારમાં સિંચાઇના પાણી પહોંચાડાશે.
 4. ભૌગોલિક સ્થિતિના અનુસંધાને કેબીસીમાં ત્રણ ફોલ અને ત્રણ પમ્પિંપ સ્ટેશન મુકવામાં આવ્યા છે .
 5. પહેલું પમ્પિંગ સ્ટેશન કેબીસીના 100.97 કિલોમીટર રાપરના માંજુવાસ પાસે, બીજું 111.75 કી.મીએ રાપરના નાની હમીરપર પાસે અને ત્રીજું 189.977 કિ.મી ભચાઉના લોધિડા પાસે તૈયાર થયા છે.
 6. ત્રીજા પમ્પિંગ સ્ટેશનનું 22મી મે 2017ના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે લોકાર્પણ થશે અને 18 માળ ઉંચા સાયફનમાંથી પાણી ખેંચીને અંજાર તાલુકાના ટપ્પર સુધી કેનાલમાં પાણી વહેતું કરાશે.
 5. ચોમાસામાં ઉપલબ્ધ થનારા વધારાના એક મિલિયન ઘન ફૂટ પાણી વહેવડાવવા માટે કચ્છ શાખા નહેરની વહનક્ષમતા ઉદગમ સ્થાને 120 ઘનમિટર પ્રતિસેકન્ડે વધારીને 220 ઘનમીટર પ્રતિસેકન્ડ કરવામાં અાવી શકશે.


પિયત વિસ્તાર : તાલુકાવાર ગામોની સંખ્યા
 તાલુકો                 ગામની સંખ્યા         પિયત વિસ્તાર
 રાપર                47                        38561
 ભચાઉ                 33                        25935
 ગાંધીધામ         8                        4134
 અંજાર             24                        13367
 મુન્દ્રા                 34                18240
 માંડવી        30                        11198
 ભુજ                6                1343
 કુલ         182                1,12,778

 કચ્છ શાખા નહેરની પેટા શાખા નહેરો

 1. ગાગોદર પેટા શખા 58 કિલોમીટર
 2. વાંઢિયા પેટા શાખા 23 કિલોમીટર
 3. દૂધઇ પેટા શાખા 75 કિલોમીટર
 ( આ પૈકી ગાગોદરના 213 કરોડના અને વાંઢિયાના 198 કરોડના ગુજરાત સરકારે ટેન્ડર બહાર પાડી દીધાં છે, આમાંથી પેટા પ્રશાખાઓના 2379 કિલોમીટરના કામો થવાના છે.)

કુલ જમીન સંપાદન : ઓછી જમીન સંપાદનના ત્રણ તાલુકા

 નર્મદાની નહેર માટે 4357 હેકટર જમીન સંપાદન કરવાનું પ્રોજેક્ટવર્કમાં છે. જેમાં 3021 હેક્ટર ખાનગી અને 1335 હેક્ટર સરકારી જમીનનો સમાવેશ થાય છે. તો સૌથી ઓછું સંપાદન ગાંધીધામ, મુન્દ્રા અને માંડવી તાલુકામાં થયું છે.

લોકાર્પિત થનારા ભચાઉ પમ્પિંગ સ્ટેશનની આંકડાકિય રૂપરેખા

 1. કામ શરૂ થયા તારીખ : 7મી માર્ચ 2003
 2. સાંકળ નંબર : 189.977 કિલોમીટર
 3. બાંધકામ ખર્ચ : 148.26 કરોડ
 4. પમ્પિંગ સ્ટેશનમાં પમ્પ :  6000 લીટર પ્રતિ સેકંડના 3 અને 20000 લીટર પ્રતિસેકંડના 02 પમ્પ, કુલ ક્ષમતા 58 હજાર લીટર પ્રતિસેકંડ
 5. ઉદવહનની ઊંચાઇ : 60 ફૂટ (18.21 મીટર)
 6. વીજળી પૂરી પાડવા 25000 કિલોવોટની ક્ષમતાના કુલ બે ટ્રાનસફોર્મર

9મી એપ્રિલ 2011, જેસડા પાસે પ્રથમ નહેરનું ખાતમૂહુર્ત : નર્મદારૂપી પારસ કચ્છની ભૂમિને સુવર્ણ બનાવશે

 રાપર તાલુકાના જેસડા ખાતે કચ્છમાં અાવનારા નર્મદા જળની કેનાલની પ્રશાખાનું ભૂમિપૂજન તે સમયના મુખ્યમંત્રી તરીકે નરેન્દ્રભાઇ મોદીએ કર્યું હતું. તેમણે કહ્યું હતું કે નર્મદારૂપી પારસ કચ્છની ભૂમિને સુવર્ણ બનાવશે. 1965માં ભારતે પાકિસ્તાનને હાર આપી હોવાથી 9મી એપ્રિલનો દિવસ વીર દિન અને નીર દિન તરીકે પણ ઓળખાશે તેવી ખેવના વ્યક્ત કરી હતી.
 બોક્સ 8 : 14મી ઓગસ્ટ 2014 : કચ્છ બ્રાન્ચ કેનાલમાં વહ્યું નર્મદાના નીરનું કાચુ સોનુ
 જ્યાંથી પસાર થઇને કચ્છ પ્રશાખા નહેર આવી રહી છે તે પાટણ જિલ્લાના ઝઝામમાં તત્કાલિન મુખ્યપ્રધાન આનંદીબેન પટેલે દુનિયાના સૌથી મોટા સાયફનમાંથી કચ્છ તરફ નર્મદાના નીર વહેવડાવ્યાં હતા. દેશના સ્વાતંત્રય દિન પહેલાં કચ્છની પાણી સ્વાતંત્રયનો આયામ અમલી બનાવ્યો હતો. હરિયાળી ક્રાંતિ માટે સીમાચિહ્ન બની રહેનારા નર્મદામૈયાના જળ કાચા સોનારૂપે કચ્છ તરફ આવવા રવાના થયા હતા.
 
18 એપ્રિલ 2015ના આનંદીબેને લીધા ઓવારણા : જમીનોના ભોગ અને ટેક્નિકલ કૌશલ્યથી થઇ જળક્રાંતિ :
 સરદાર સરોવર નિગમ લિમિટેડ હસ્તકના અને કચ્છ માટે સૌથી મહત્ત્વના પ્રોજેક્ટ એવા કચ્છ શાખા નહેરમાં પાણી વહેવડાવવા માટે 22 માળ ઉંચા અને 60 ફૂટ પરથી પાણી લિફ્ટ કરાતાં સટેશન તથા વિશ્વની સૌથી લાંબી મનાતી સાયફન દ્વારા પાણી પહોંચાડવું, એ ભાજપ સરકારની સંકલ્પ શક્તિનું પરિણામ હોવાનું 18મી એપ્રિલ 2015ના તે સમયના મુખ્યમંત્રી આનંદીબેન પટેલે કચ્છમાં સીંચાઇના જળ પ્રવેશ કરાવતાં કહ્યું હતું. લોકોએ આપેલા જમીનોના ભોગને તેમણે બીરદાવ્યો હતો. 567 કરોડના ખર્ચે બનેલા બે પમ્પિંગ સ્ટેશન મારફતે પાણી પહોંચાડવાના ઇજનેરી કૌશલ્યના પુરુષાર્થને 21મી સદીમાં જળક્રાંતિ માટે જ્ઞાન-સંપદાના વિનિયોગનું શ્રેષ્ઠત્તમ ઉદાહરણ ગણાવ્યું હતું. કેવડિયાની મુખ્ય નહેરથી એટલે કે 800 કિલોમીટરની મુસાફરી કરીને આવતું પાણી જિલ્લાના રણપ્રદેશ સુધી પહોંચે તે એક પ્રકારની વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વચનબદ્ધતાનું પરિણામ છે તેમ પણ જણાવ્યું હતું.
 
 

Comments

Popular posts from this blog

21મી સદીમાં કચ્છ : પાણી, પ્રવાસન અને ઉદ્યોગીકરણ, પુસ્તક પ્રતિભાવ 1

ભૂકંપે અચાનક લોકોના પ્રાણ હર્યા અને કોરોનાએ પ્રાણ-વાયુ વિના

કચ્છને અલાયદું આપત્તિ વ્યવસ્થાપન તંત્ર અનિવાર્ય, ખરું ને ?