શું એ વન ગ્રેડ ખરેખર એ વન સાબિત થાય છે ?

રાજ્ય શિક્ષણ બોર્ડ અને સીબીએસઇ વચ્ચેની હુંસાતુંસીમાં બાળકનું સાચું મૂલ્યાંકન છેક ધોરણ 10ના પરિણામ બાદ વાલીઓને જાણવા મળે છે, ત્યારે સમય બહુ નીકળી ગયો હોય છે :
વિદ્યા રથીની સફળતાનું માર્કેટિંગ હોર્ડિંગ્સથી માંડીને પ્રચાર માધ્યમોનો ઉપયોગ કરીને શાળા અને ટ્યુશન ક્લાસ બંને કરતાં હોય છે ત્યારે છાત્રની સરસ્વતિ સાધનાનો પુરસ્કાર તેની ફી માફીથી માંડીને સારી શિષ્યવૃતિ પુરી પાડવા સુધી આપી શકાય.  વિદ્યાર્થી કેન્દ્રિત શિક્ષણ જરૂરી છે નહીં કે વ્યવસાય કેન્દ્રિત : ગણિત - વિજ્ઞાન અને અન્ય વિષયોની તુલનામાં જ્યારે અમુક શાળાઅો પરિણામ કરતાં વિઝનલક્ષી વર્કિંગ કરે ત્યારે ધોરણ 11માં પરિણામપત્રકના મેરિટ મુજબ પ્રવેશ અટકે તો  હોંશિયાર બાળકોના વાલીઓને અચંબામાં પડી જાય છે.
 

ભાવિન વોરા (તા : 11 જુન 2017)

પરિણામ આવી ગયું, સારું આવ્યું. સંતાન કેન્દ્રિય બોર્ડમાં એ વન ગ્રેડમાં એટલે કે 10 આઉટ ઓફ 10 સીજીપીએ રેન્ક લાવ્યું છે.  હવે સારું મેરિટ લાવવા માટે રાજ્યના શિક્ષણ બોર્ડમાં મૂકશું એટલે બાકીની શૈક્ષણિક કારકિર્દીને બળ મળશે અને શિક્ષણ બોર્ડમાં પણ અવ્વલ થવાની તક જળવાઇ રહેશે. બસ્સ, આવી જ માન્યતાઓ વચ્ચે જ્યારે માતા - પિતાઓ હોંશભેર કોઇ ખાનગી અંગ્રેજી માધ્યમની શાળાઓમાં પોતાના વ્હાલા માટે એડમિશન લેવા જાય ત્યારે તેમને એમ કહેવામાં આવે કે તમારો દીકરો કે દીકરી ભલે 10 આઉટ ઓફ 10 સીજીપીએમાં હોય પણ અમારા બોર્ડના મેરિટ મુજબ તેમને પ્રવેશ આપવો મુશ્કેલ છે કારણ કે સ્ટેટ બોર્ડના વિદ્યાર્થીઓનું મેરિટ સીજીપીએની ફૂલ રેન્ક કરતાં વધારે છે, અથવા અમારી શાળાના બોર્ડના વિદ્યાર્થીઓના પરિણામની સરખામણીએ સીબીએસઇના નવા એડમિશનમાં તમારું સંતાન લીસ્ટ મુજબ પાછળ રહી શકે છે. આ સાંભળીને હોંશભેર ગયેલા વાલીઓ એક તબક્કે નિરાશામાં આવી જાય છે. પ્રવેશ મળ્યો કે ન મળ્યો એ પછીની વાત બની જાય છે પણ આમ કેમ બન્યું તે તેમના માટે મૂંઝવતો તેર મણનો સવાલ આવીને ઉભો રહે છે.
 હાલમાં ધોરણ 11માં આવા સીબીએસઇ શાળાના છાત્રોને પ્રવેશ આપતી વેળાએ આવું જ કંઇક બની રહ્યું હોવાનું ધ્યાને આવ્યું છે.  પ્રાઇવેટ સ્કૂલ્સના વ્યવસાયમાં વિદ્યાર્થીઓના ભોગે અને તેમના જ ખભ્ભે જ્યારે સ્પર્ધા કરવાની હોય છે ત્યારે કઇ શાળાના કેટલા બાળકો એ વન રેન્કમાં આવ્યા તેની મસમોટી જાહેર ખબરોના હોર્ડિંગ્સ કે અખબાર સહિતના પ્રચાર માધ્યમોમાં જાણવા મળે છે. નોંધવાની વાત એ પણ છે કે, જે બાળકોની પ્રશસ્તિ શાળાઓએ કરી હોય કે આ અમારો સ્ટુડન્ટ છે અને અમારા કથિત હોશિયાર શિક્ષકો થકી તેનું રિઝલ્ટ સારું આવ્યું છે એ જ તેજસ્વી છાત્રોના નામ ફલાણા ઢીંકણા ટ્યુશન ક્લાસીસે કરેલી હોર્ડીંગ્સની જાહેરાતોમાં પણ જોવા મળતા હોય છે. એટલે વિદ્યાર્થીની મહેનતનું પણ માર્કેટિંગ બિન્દાસ્તપણે કરાય છે, ક્યારેક તે કંઇ ખોટું પણ ન કહેવાય. પરંતુ છાત્રે કરેલી સરસ્વતિ સાધનાનું ફળ તેને ક્રેડિટ આપનારું બની  રહે તે પણ તેના સુધી પુરસ્કારથી માંડીને ફીમાફી સુધીની શિષ્યવૃત્તિ સુધી પહોંચવું જોઇએ.
 થોડી આડ વાત થઇ ગઇ પણ છાત્ર કેળવણી માટેનું  કેન્દ્ર તો વિદ્યાર્થી જ રહેવો જોઇએ. એજ્યુકેશન ઇઝ પ્રોફેશન, એ સ્વીકાર્ય બાબત બની ગઇ છે તેના કારણે જ રાજ્ય સરકારે ફી નિયમન વિધેયક લાવવો પડ્યો છે. આ વિધેયકના કારણે વ્યવસાય માંડનારાઓને હવે વિદ્યાર્થીઓનું મહત્ત્વ પણ પરોક્ષ રીતે સમજાશેે.
 ફરીથી મુદ્દા પર આવીએ તો,  સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન - સીબીએસઇ અને સ્ટેટ એજ્યુકેશન બોર્ડ વચ્ચેના ભેદમાં દેખાદેખીનું પ્રમાણ પણ અગત્ત્યનો ભાગ ભજવે છે. ધોરણ 10 સુધી સીબીએસઇમાં ભણેલું બાળક જ્યારે તેની સાચી શૈક્ષણિક કારકિર્દીના ઉંબરે પગ મૂકે છે ત્યારે વામનમાંથી વિરાટનો અનુભવ થવો જોઇએ. કારણ કે હવે પગથિયાં ચઢવાના છે અને કોમન ગોલ એ રહેતો આવ્યો છે કે  કેમ સારું મેરિટ મેળવીને ભવિષ્યના દાયકામાં સેટલ થવું. ધોરણ 11માં જ્યારે એ વનનો છાત્ર એડમિશન માટે ગયો હોય અને જો ખાનગી શાળાના સંચાલકો પણ રીઝન નહીં પણ રિઝલ્ટ ઓરિયેન્ટેડ વર્કિંગ કરતા હોય ત્યારે એક એક વિષયમાં વિદ્યા રથીનું પરિણામ ચેક કરતા હોય છે. કેટલાક ગણિત - વિજ્ઞાન આધારિત આંકલન કરીને પ્રવેશ આપતા હોય છે ત્યારે જો તમામ વિષયમાં છાત્ર એટલીસ્ટ એ ગ્રેડમાં હશે તો ને સરળતાથી પ્રવેશ તરફ આગળ વધશે, નહીંતર ધોરણ 1થી9માં સતત સારો અને અવ્વલકક્ષાનો દેખાવ કરનારા વિદ્યાર્થી અને વાલીઅોએ તેમના પાછોતરાં પરિણામ સામે શું કચાસ રહી ગઇ તે જોવાનો સમય આવીને ઉભો રહેશે. ગણિત અને વિજ્ઞાન માટે જ્યારે એ વનની કમ્પીટીશન હોય ત્યારે એ વન કે 10/10 સીજીપીએને એસ્સેકક્ષાનું માર્કિંગ પણ નડી શકતું હોવાનું શિક્ષણ સાથે સંકળાયેલાઓ સમજે છે. અે વનનું પરિણામ ચોક્કસ સાચું પણ જ્યારે વિદ્યાર્થીને કાર્કિર્દીની સ્પર્ધામાં રાખવાનો હોય ત્યારે સ્કૂલ્સે અને વાલીઓએ મેરિટની ત્રિજ્યામાં આવતી તમામ બાબતોનો દિશાનિર્દેશ છાત્રના શિક્ષણમાં જોડવો પડશે.

સીબીએસઇમાં સેકન્ડરી સ્ટાન્ડર્ડથી ઇવેલ્યુએશન જોતા રહો


 સીબીએસઇમાં 10/10 મળ્યા હોય તેમ છતાં જો દરેક વિષયનું મૂલ્યાંકન કરીને જ્યારે એડમિશન આપવાનું કોઇ પ્રાઇવેટ સ્કૂલ્સવાળા નિર્ણય લે ત્યારે વાલીઓને અકારું લાગી શકે છે. શિક્ષણ સાથે જેઓ રત છે તેમનું કહવું તો એમ છે કે ધોરણ 1થી10માં જો તેમનું બાળક કેન્દ્રિય વીદ્યાલય કે સીબીએસઇમાં ભણ્યું હોય અને પછી સારા મેરિટની અપેક્ષાએ જ્યારે શિક્ષણ બોર્ડની ધોરણ 11માં આંગળી પકડે ત્યારે જો વિષયવાર ગ્રેડિંગ મુજબ એડમિશનના આટાપાટા ઉભા થાય તેના કરતાં માધ્યમિકસ્તરેથી જ છાત્રના તમામ વિષયોનું સ્વમૂલ્યાંકન કરવું જોઇએ. અેક ડ્રો બેક કહો કે ફાયદો અે પણ છે કે શાળાઓ જ્યારે આંતરિક ગુણાંકન મૂકે ત્યારે તે શિક્ષણ બોર્ડની કસોટીઓ અને સીબીએસઇના ધારાધોરણોની તુલનાએ બાળક સજ્જડ ઊભું રહી શકે તેટલું ઓછું નથી હોતું પરંતુ રિઝલ્ટ ઓરિયેન્ટેડ વધારે હોઇ શકે છે. આના કારણે એમ પણ બને છે કે જેણે ઇન્ટરનલ ગુણ વધુ મેળવ્યા હોય તે કસોટીમાં એટલા વધુ માર્કસ મેળવવા સામે હાંફી જાય છે. સરવાળે બંને ગુણમાં અસમાનતા ઉભી થાય છે અને પરિણામનો ગ્રેડ ધાર્યા મુજબ આવતો નથી.  તેથી જો બોર્ડના રિઝલ્ટ સાથે તાલ મેળવવો હશે તો સ્કૂલ્સ દ્વારા પણ ઇન્ટરનલ રેંકિંગના ધોરણ મેરિટ મુજબના બનાવવા પડે.

Comments

Popular posts from this blog

21મી સદીમાં કચ્છ : પાણી, પ્રવાસન અને ઉદ્યોગીકરણ, પુસ્તક પ્રતિભાવ 1

ભૂકંપે અચાનક લોકોના પ્રાણ હર્યા અને કોરોનાએ પ્રાણ-વાયુ વિના

કચ્છને અલાયદું આપત્તિ વ્યવસ્થાપન તંત્ર અનિવાર્ય, ખરું ને ?