પ્રાથમિક સુવિધાઓની અમલવારી વધે એ ખરું પંચાયતીરાજ
ગ્રામ પંચાયતોની ચૂંટણીઓના સમયમાં સમરસતા અને પક્ષપક્ષી વચ્ચે સાચો લોકપ્રતિનિધિ દબાઇ જાય છે : સુરાજ્ય અને સ્વરાજ્યની કલ્પના સાકાર કરવી હશે તો ગામડાંની દરકાર લેવી પડશે
પંચ પરમેશ્વર અે ઉક્તિ આજીવન છે અને જ્યારથી પંચાયતી રાજ અમલમાં આવ્યું ત્યારથી પંચાયતની માળખાકિય કે વહીવટી વ્યવસ્થામાં પંચ જે કરે તે ન્યાયિક માનવામાં અાવતું રહ્યું છે. પંચાયતી રાજનો પાયો ગ્રામ સ્વરાજ છે અને ગ્રામ સ્વરાજ્યનું સપનું રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીએ સાકાર કરતું બતાવ્યું હતું. બાપુઅે એવું ગણતંત્ર ઇચ્છ્યું હતું કે સ્વતંત્ર ઇચ્છાઓનું લોકો માટે વિશાળ ફલક કે જેમાં તેમની સુખાકારી હોય. ગ્રામ સુખાકારી માટે કચ્છની તાલુકાથી માંડીને ગ્રામ પંચાયતનોી ચૂંટણીઓ નજીકના ભવિષ્યમાં ગઇ છે ત્યારે તેના ફલિતાર્થો આપણે એટલા માટે વિચારવા જોઇએ કે આગામી સમય મોટી ચૂંટણીઓનો હશે અને તેમાં વાયદા વચનોની ભરમાર હોય ત્યારે અદનો માનવી ક્યાં અને છેવાડાની સુખાકારીને કેટલો ફાયદો થઇ શકે તે વિચારવાનો સમય આવશે.
ખરાઅર્થમાં પંચાયતી રાજનો અનુભવ ત્યારે થશે કે ગ્રામ સ્તરે પ્રાથમિક સુવિધાઓની બૂમરાણ બંધ થાય અને સરકારી યોજનાઓની અમલવારીની જાહેરાત કરતાં તેનું પ્રમાણ ઊંચું રહે.
હાલમાં આપણે સુરાજ્ય અને સ્વરાજ્ય વચ્ચે અટવાયા કરીએ છીએ ત્યારે ગામડાંમાં વસેલા દેશમાં કચ્છનું સ્થાન વિશેષ તરી આવે છે. કારણ કે દેશનો વિશાળ જિલ્લો હોવા ઉપરાંત આંતરિયાળ અને દુર્ગમ ભાગોમાં વસેલા લોકોને સ્વતંત્રતાની સાથે પૂરતી માળખાકિય અને તાંત્રિક સુવિધાઓ પહોંચાડવાની છે અને તેના થકી ગ્રામ સ્વરાજ્યને જાળવી રાખવાનું છે. આવામાં બ્યૂરોક્રેસી અને પોલિટીશિયન્સ એટલે કે સત્તાધિકારીઓ અને પદાધિકારીઓની જવાબદારી વધી જાય છે, અમલીકરણ થાય છે અને થાય છે તો કેવું થાય છે તેનું ધ્યાન પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે આ સૌએ રાખવાનું છે. આંગણવાડીમાં બાળકો વધે, પોષક આહાર મેળવે, આરોગ્ય કેન્દ્રોમાં તબીબો હાજર રહે, પશુપાલનમાં ઘાસચારો મળી રહે તેમજ દૂધાળા ઢોરની કાળજી માટે પશુ તબીબો મળતા રહે. વધારામાં ગ્રામીણ શાળાઓ બંધ રહેવા કરતાં શિક્ષકોની નિયમિત હાજરી થકી ગામ ભણે, દેશ ભણેનો માહોલ ઉભો થાય એ જોવાનું વધુ જવાબદારીભર્યું બને છે. આ મુદ્દામાં રાવ ન આવે તે પણ એક ફલિતાર્થ જ કહેવાશે.
વાત ગ્રામ સ્વરાજ્યની કરવાની છે ત્યારે શું હોઇ શકે તેમાં તે મુદ્દો પણ આવે. હાલમાં જ ડિસેમ્બરથી માંડીને એપ્રિલ સુધી કચ્છની 600 જેટલી પંચાયતોની ચૂંટણીઅો થઇ. તેમાંથી અંદાજે 150 પંચાયતો બિનહરિફ થઇ. પંચાયત અે ગ્રામીણસ્તરનું રાજકારણ છે અને તેમાં એ કહેવત લાગુ પાડી શકાશે કે કૂવામાં હશે તો હવાડામાં આવશે. જો કોઇ ગ્રામીણજન નેતા તરીકે ઉભરી આવે અને ગામના પ્રશ્નોનોનો હલ કરાવે અને લોકસુખાકારીના માર્ગે આગળ વધે તો ગ્રામ સ્વરાજ્યની દિશામાં પગલું ગણાશે.
હાલની ચૂંટણીઓ થકી એ મુદ્દો તો સ્પષ્ટ થઇ જ ગયો કે લોકોને સમરસતા કરતાં ચૂંટણીમાં વધારે રસ હોય છે. થોડું ઊંડું વિચારીએ તો સમરસતા એ વચનો આધારિત બેઠી થતી વહીવટી તંત્રની વ્યવસ્થા કહી શકાય. કારણ કે તેમાં આર્થિક સહાય સરકાર આપે અને તેમાંથી વિકાસ કામો થાય. પણ ક્યારે થાય અને કેવા થાય એ અનિશ્ચિતતાથી ચોક્કસ ભરેલું હોય છે.
રાજ્ય સરકારની હકારાત્મકતાની નોંધ લઇએ ખરા પણ લાભાર્થી સુધી પહોંચતા પહોંચતા ક્યારેક પાંચ વર્ષ નીકળી જતાં હોય છે. આ માટે એ વિસ્તારના ધારાસભ્યનો કેવો સંકલ્પ છે તે પણ અગત્યના પરિબળ તરીકે ઉભરી આવે છે. પંચાયતના સરપંચ તરીકે ચૂંટાઇ ગયા પછી રાજ્ય તંત્ર પર આધારિત રહેવું પડે છે. સીધા અનુદાનો ગામના પાણી, રસ્તા, શાળા, સ્મશાન, વોકળા, પુલિયા, વીજ સુવિધા, વનીકરણ જેવા મુદ્દા માટે મળતા હોય છે. જોકે કાયમી રીતે થનારી સુવિધાઓ માટે વિધાનસભ્યો પર પણ આધારિત રહેવું પડતું હોય તેમ ખોટું નથી. હાલમાં પરિણામો આવ્યા બાદ કચ્છના મુખ્ય રાજકીય પક્ષોઅે પોતાના દાવાઓ સુદ્ધાં કર્યા પણ જ્યારે નિરાકરણની વાત આવે ત્યારે એ દાવા ક્યાં જતા રહે છે એ પ્રશ્ન કાયમી બની જાય છે.
કચ્છને તો નર્મદાના પાણીની કાયમી વ્યવસ્થા, પ્રવાસનના કારણે સ્થાનિક વિકાસ અથવા સમૃદ્ધ ગામની પરીકલ્પના ક્યાંક સચવાતી ન હોવાનું ફલિત થતું આવ્યું છે. પંચાયતનું તંત્ર પણ પરંપરાગત ઘરેડમાં આગળ વધતું હોય ત્યારે રાજકીય ઉમેદવારો મતોનું રાજકારણ રમી જતા હોય ત્યારે ગ્રામીણ જનને વિકાસ અનુભવાતો નથી. રાજકીય સમીકરણો બનતાં હોય ત્યારે સાચો નેતા દબાઇ જતો હોય છે તેમ પણ સામાજિક બહુમતિના કારણે બનતું હોય છે. સમાજકારણમાં મતકારણ વધુ હાવિ થઇ જતું હોય છે.
21મી સદી ચાલવા લાગી છે ત્યારે જરૂરી પ્રાથમિક સુવિધાઓની ક્યારેય ફરિયાદ ન આવે તેવા નેતાની જરૂરિયાત ઉભી થવાની છે. પડતર કામો પડતર જ ન રહે તેમજ તેમાંથી સુખાકારીનો સંદેશ ઉભો થાય તેવું લોકપ્રતિનિધિત્વ ગ્રામીણસ્તરે અને વિધાનસભાસ્તરે જરૂરી મનાયું છે. માળિયાથી માંડીને માંડવી સુધી કે માંજુવાસથી માંડીને ખીરસરા સુધી અને લખપત સુધી નર્મદાના નીર પહોંચાડવા એ કંઇ રાજકારણનો મુદ્દો બનાવવાનો ન હોય, પક્ષ કોય કે વિપક્ષ બંને દ્વારા જો સંકલન પ્રમાણે તબક્કાવાર પ્રક્રિયામાં સહકાર આપવામાં આવે તો નર્મદાના જળ પહોંચવામાં માત્ર વાયદા વચનો ન રહે પણ વાસ્તવિક અસર પણ દેખાઇ આવે.
આવી જ રીતે રણ પ્રવાસન કચ્છમાં જામ્યું છે ત્યારે એ વિસ્તારના લોકોનું જીવનધોરણ ઊંચું આવ્યું પણ તેની વિઝનરી અસર સ્થાનિક રાજકારણીઓ ચૂકતા જતા હોય એમ ચિત્ર સપાટી પર આવે છે. પંચાયત વિસ્તારમાં હોમ સ્ટે જેવી સુવિધાઓ બને છે, રસ્તા બને છે, એટીએમ ખુલે છે અને હસ્તકળાથી માંડીને કચ્છી ખાણી પીણીને પ્રોત્સાહન મળે છે અને અા માટે સરપંચોના પોતાના વિચારથી શક્ય બનતું હોય છે. પણ કચ્છમાં આ મુદ્દો સર્વગ્રાહી બનાવવામાં ક્યાંક કચાશ રહેતી હોય છે. માત્ર ચાર માસ પૂરતી કામચલાઉ સુવિધા ઉભી કરવા કરતાં કાયમી ધોરણે કચ્છને પ્રવાસનનું કેન્દ્ર બનાવવા કાયમી સગવડો જળવાઇ રહે તેનું ધ્યાન તો સૌએ રાખવાની સાથે રાજકારણે પણ રાખવું પડશે.
તા: 23 એપ્રિલ 2017
Comments
Post a Comment