બ્લેક આઉટ
7મી મે 2025ના બ્લેક આઉટનું રીહર્સલ થશે પણ કચ્છના લોકોએ ચાલુ યુદ્ધમાં બ્લેક આઉટ અનુભવ્યું છે
- ભાવિન વોરા👇
૧૯૬૫માં યુદ્ધ કચ્છની સરહદે થયું, નૈતિક યોદ્ધા નાગરિકો બન્યા : તા. ૨ ઓગસ્ટ ૨૦૧૬ના પ્રકાશિત લેખના મુખ્ય અંશો 👇
1. કચ્છમાં સરહદ અને આસપાસ રહેતા લોકો ચા-નાસ્તો, પાણીની સગવડ ઊભી કરી આપતા
2. જે લોકો નાગરિક સંરક્ષણમાં તૈયાર થવા ઇચ્છતા તેઓ ખાવડા વિસ્તારની હવાઈ પટ્ટીની સુરક્ષામાં પણ જોડાયા હતા
3. રાત્રે બ્લેક આઉટ હોય કે તે સમયના નવે નવ તાલુકાના આરોગ્ય મથકો હોય ત્યાં સામાન્ય નાગરિકોની મદદ મળી હતી
👇
ઉરીમાં ભારત માટે કમનસીબ ઘટના બની ત્યારે દુશ્મન દેશ પાકિસ્તાન સામે સમગ્ર દેશમાં એક સાથે ભારે ફિટકાર ઊભો થયો. તો 28મી સપ્ટેમ્બર 2016ની ભાંગતી રાત્રે ભારતીય સેનાએ પાક કબજાગ્રસ્ત કાશ્મીરમાં ઘૂસીને આતંકવાદી કેમ્પ ભાંગી નાખ્યા ત્યારે દેશવાસીઓમાં ગર્વભેર ગરમ રક્ત શરીરમાં વહેતું થઈ ગયું હતું. વર્તમાનમાં માત્ર ટીકા ટિપ્પણી કે સરકારની વધુ પડતી ખુશામત કરવા કરતાં દેશના નાગરિક તરીકેની ફરજ આવી કટોકટીની સ્થિતિમાં નહીં તેના સિવાય પણ બજાવી શકાય છે. માત્ર નાગરિક સૈનિક તરીકે સામેલ થવાનું રહે છે જે અગાઉના યુદ્દોમાં જોવાયું છે.
કચ્છમાં નાગરિક સંરક્ષણની વાત પણ ગૌરવભેર કરી શકાય એમ છે. વહીવટી તંત્ર હસ્તકના નાગરિક સંરક્ષણના તે સમયના ભુજના ઇન્સીડન્ટ ઓફિસર અને ત્યારબાદ વન વિભાગના વોર્ડન સુધી પહોંચેલા સ્વ. રાયસિંહજી રાઠોડે નાગરિક સંરક્ષણ માટે તૈયાર કરેલા રેકર્ડમાં આ વિગતો નોંધવામાં આવી છે. પૂર્વ તો ૧૯૭૧ના યુદ્ધમાં, કચ્છમાં પણ પાકિસ્તાનને પરાસ્ત કરવા માટેની કટોકટી વર્તાઇ હતી. બીએસએફની ત્રણ બટાલિયન ફાળવાઇ હતી. જેમાં વિઘાકોટ, સરદાર પોસ્ટ, કરીમશાહી, બિયારબેટ, ભેડિયાબેટ, કુંવારબેટ, ખાવડા વિસ્તારમાં આ બધા જવાનો સજ્જ થયા હતા. સરહદ પર સુરક્ષા દળો જંગમાં સામેલ હતાં તો સામે લોકો પણ નાગરિક તરીકે નૈતિક લડવૈયા બની ચુક્યા હતા.
1965 અને 71ના યુદ્ધકાળમાં જયાં જયાંથી ડિપ્લોયમેન્ટના વાહનો પસાર થતાં ત્યાંથી કચ્છીઓ ચા-નાસ્તો, પાણીની સગવડ ઊભી કરી આપતા, રેડિયો પર જેવા કોઇ નવા સમાચાર આવે કે તરત તે પ્રકારની વ્યવસ્થામાં સામેલ થતા હતા. 'ભારત માતા કી જય'ના નારા સાથે જુસ્સો વધારાયો હતો. આટલાથી અટક્યું ન હતું, જે લોકો નાગરિક સંરક્ષણમાં તૈયાર થવા ઇચ્છતા તેઓ ખાવડા વિસ્તારની હવાઈ પટ્ટીની સુરક્ષામાં પણ જોડાયા હતા. રાત્રે બ્લેક આઉટ હોય કે તે સમયના નવે નવ તાલુકાના આરોગ્ય મથકો હોય ત્યાં સામાન્ય નાગરિકોની મદદ ઊભી થઇ ચૂકી હતી. નાગરિકો ડોલ, પાવડા, રસ્સા, પંપ, ટોર્ચ, લાઠી વગેરે સાથે રાખીને લોકોને સમજાવવા સુધીના પગલાં નાગરિક સંરક્ષણના માધ્યમથી ભરતા હતા. ઉદ્દેશ એક જ હતો કે યુદ્ધ થાય તો શું કરવું? ત્રીજી ડિસેમ્બર ૧૯૭૧ના જયારે પાકિસ્તાને દેશભરમાં કરેલા હુમલા બાદ કચ્છ સરહદે પણ 'ઓપરેશન ટ્રાઈડેન્ટ' શરૂ કરાયું અને કચ્છની રણ સરહદો આકરો જવાબ આપવા મચી પડી હતી. વિઘાકોટ અને સરદાર પોસ્ટ પર બોમ્બ ફેંકાયા ત્યારે આપણું લશ્કર રામકી બજાર ને છાડબેટ સુધી પહોંચી ગયું હતું અને તિરંગો લહેરાવાયો હતો. ભુજથી મંગાવાયેલો ધ્વજ નગરપારકરમાં પણ એક તબક્કે લહેરાવી દેવાયો હતો. સેનાએ સરહદ પર અને નાગરિક સંરક્ષણે વહીવટી વ્યવસ્થા જાળવવાના પ્રયાસમાં વિજય મેળવ્યો હતો.
Comments
Post a Comment