સિંધુ હોય કે નર્મદા : કરાર અને ફાળવણીના અન્યાયનો ભોગ કચ્છ બન્યું છે 👇
પહેલગામમાં પાકિસ્તાનના નાપાક કારસ્તાન બાદ ભારત સરકારના સિંધુ જળ રોકવાના પગલાં વચ્ચે તા. 27 ડિસેમ્બર 2020નો મારો સંદર્ભ લેખ
👇
28 ડિસેમ્બર 1960ના ભારત પાક સિંધુ કરારમાં ઇન્ડસ બેઝિનના પાણી ગયાં અને 1979ના નર્મદા ટ્રિબ્યુનલની ફાળવણી બાદ કચ્છને ભારે પાણી કાપ સહન કરવો પડ્યો
👇
પાણીની સતત કમી વચ્ચે જીવતા દુનિયાના કોઇ દેશ જેટલો વિસ્તાર ધરાવતા કચ્છ જિલ્લાને ફાળવાયેલા પાણી અને મળેલા પાણીમાં કોઇને કોઇ કરાર કે ટ્રીબ્યુનલના નિયમોના આધારે અન્યાય થતો હોવાનું ચિત્ર ઉપસતું આવ્યું છે. ઇન્ડસ બેઝિન એટલે સિંધુના પાણીનો મુદ્દો સ્વાતંત્રય અને રાજાશાહી કાળનો છે જ્યારે કચ્છને નર્મદાના નિયમિત અને વધારાના પાણીનો મુદ્દો 1980ની સરકારો બાદ વધારે ચગતો આવ્યો છે.
કચ્છ ઇન્ડસ બેઝિનનો ભાગ છે એમ કચ્છના અભ્યાસુ એવા લોકપ્રતિનિધિ રહેલા મહેશભાઇ ઠક્કરે તેમના સિંધુના પાણી અને કચ્છમાં વિવિધ દસ્તાવેજી આધારો સાથે નોંધ્યું છે. 19મી સદીની આ નદી કચ્છમાંથી વહેતી હતી. કચ્છની સંસ્કૃતિ એ સિંધુ સંસ્કૃતિના આધારે સ્થાપિત થઇ હતી. ઋગવેદ અને મહાભારતમાં પણ આ નદીનો કચ્છ સાથેનો ઉલ્લેખ છે. તો એમ પણ જાણવા મળે છે કે, ઇ.સ. પૂર્વે 325માં વિશ્વપ્રવાસી એલેકઝાન્ડર સિંધુના કાંઠે કચ્છ સુધી આવ્યા હતા. અન્ય મુસાફરો અલ બરૂની, કર્નલ ટોડ, પોલેમી કેપ્ટન રાયકા અને 1819ના ભૂકંપ પછી 1831ના મેમોયઝ ઓફ લેફ્ટનન્ટ બર્નસના પુસ્તક મુજબ સિંધુનું પૂર્વ મુખ કચ્છમાં દર્શાવાયું છે. તો 1960ના ભારત અને પાકિસ્તાનના સિંધુ જળકરારમાં કચ્છનો ઉલ્લેખ કરાયો છે.
1819ના ભૂકંપના કારણે અલ્લાહ બંધ સર્જાતાં સિંધુના પાણી કચ્છ તરફ આવતા બંધ થયા અને લખપત તાલુકામાં થતી ચોખાની ખેતી બંધ થઇ ગઇ. ઇન્ડસ વોટર ટ્રીટી – સિંધુ જળકરાર 28મી ડિસેમ્બર 1960ના કરવામાં આવ્યા હતા. કચ્છ એ સિંધુનો ભાગ અને રાઇથેરિયન રાઇટ્સ હોવાની વચ્ચે પશ્ચિમ તરફની નદીસિંધુ, ચિનાબ અને જેલમના પાણી પાકિસ્તાનને આપવાના હોવાથી કચ્છના પાણીની આહુતિ અપાઇ.
દુષ્કાળની પરંપરા અને પાણીની અછત સતત અકળાવનારી બની. 1819ના ભૂકંપ બાદ કચ્છના રાજવીઓ અને 1960ના સિંધુ કરાર પછી ભારત અને પાકિસ્તાન સરકાર વચ્ચે ગીધુ બેરેજ સહિતના ભાગોમાંથી પાણીઆપવાની યોજનાઓ બની, કોટરી બેરેજમાંથી 400 માઇલ લાઇનથી પાણી લાવીને શકયતાઓ ચકાસવામાં આવી પણ અમલી ન બની. કચ્છના લખપત તાલુકાના ઝુમારા ગામથી પાકિસ્તાનના કાઢળપતેજી નામના નાના ગામની પ્રશાખા રણમાં પડે છે તેના પાણી લાવવાના સૂચનો પણ કરાયા હતા. સરવાળે, અલ્લાહ બંધે રોકેલા પાણી અને જળકરારના લીધે સિંધુના પાણીનો પ્રવાહ કચ્છમાં વહેતો બંધ થયો. સિંધુના બદલામાં પંજાબની રાવી, બિયાસ અને સતલજના પાણી કચ્છ સુધી પહોંચાડવાની યોજના વિચારાઇ પણ અમલમાં ન આવી. કચ્છના સૂકા પ્રદેશને ધ્યાનમાં રાખીને હવે નર્મદા પર આશા ઉભી થઇ.
વાત નર્મદાની માંડીએ તો 1964માં ખોસલા સમિતિએ નર્મદાના પાણીની ભલામણમાં કચ્છ માટે આઠ લાખ એકરની જમીન સુધી બે નહેર દ્વારા પાણી આપવાની વાત કરી હતી. 1966માં કેન્દ્ર સરકારના સિંચાઇ પ્રધાન ડો. કે. એલ. રાવે કચ્છને ત્રણ નહેરના માધ્યમથી 15 લાખ એકર જમીનમાં પાણી આપવાની ભલામણ કરી હતી. પણ, 1968માં નર્મદા ટ્રીબ્યુનલની રચના થઇ અને 11 વર્ષ સુધી સુનાવણીઓનો દૌર ચાલ્યો હતો. ગુજરાતે નર્મદાના પાણી માટે 71.38 લાખ એકર જમીનમાં સિંચાઇના પાણી માગણી મૂકી હતી. પંચે 45લાખ એકરનો કમાન્ડ એરિયા મંજૂર કર્યો એટલે 40 ટકા કાપ મૂકાયો. ગુજરાતની ફાળવણીમાં કાપ મૂકાયો એટલે કચ્છમાં કાપ મૂકાય એ સ્વાભાવિક હતું પણ પરિણામ અન્યાય સમાન આવ્યું. કચ્છને 15માંથી 12 લાખ એકરના કાપના બદલે 7.2 લાખ એકરમાં સિંચાઇના પાણી મળવા જોઇએ તેમ સ્થિતિ હતી. પણ,કચ્છની કુલ માગણી સામે 91.96 ટકા કાપ મૂકાયો અને 1.4 લાખ એકર જમીનને સિંચાઇ આપવાનું સ્વીકારવામાં આવ્યું હતુ.
ભાવિન વોરા
Comments
Post a Comment