રણના રાજા સાથે રણમાં રેયાણ


ધોરડોને મોડેલ વિલેજ બનાવનારા મિંયાહુસેન ગુલબેગ બન્યા કચ્છના પ્રવાસનના એમ્બેસેડર  

ભાવિન વોરા. ભુજ 

તા : 27 સપ્ટેમ્બર 2023 (વિશ્વ પ્રવાસન દિવસ) 


આંખોમાં સૂરમો, પરંપરાગત ફેંટો, ભાતીગળ પહેરવેશ અને આત્મવિશ્વાસની છાલકભરી ચાલ સાથેનું અલાયદું રર્બન (રુરલ અને અર્બન) વ્યક્તિત્વ ધરાવતા મિયાંહુસેન ગુલબેગ એટલે કચ્છના રણ પ્રવાસનના એમ્બેસેડર. આ રણના રાજા સાથે તાજેતરમાં સફેદ રણની વચાળે રેયાણ કરી ત્યારે અદનો આદમી કચ્છને રોકેટ ગતિએ દુનિયાના નકશામાં ચમકાવી શકે છે એ ખારાપાટમાં તરી આવ્યું. તેમના સંસ્મરણો મુજબ ૪૦ વર્ષ પહેલાં જ્યારે નરેન્દ્ર મોદી અહીં આવ્યા હતા ત્યારે તેમણે કહ્યું હતું કે, રણથી ડરવાનું નથી, તેને દુનિયાના નકશામાં મુકવાનું છે. આ બાબત સમયાંતરે સાચી પડી છે. 

ચલચિત્રોના સદીના મહાનાયક અમિતાભ બચ્ચને ગુજરાત પ્રવાસન વિભાગ સાથે કચ્છને રૂપેરી પડદા ઉપર જાહેરાતના માધ્યમથી ટુરિઝમ એમ્બેસેડરની ભૂમિકા ભજવી અને ‘કચ્છ નહીં દેખા, તો કુછ નહીં દેખા’ આ વાક્ય લોકોના હોઠો ઉપર રમતું કરી દીધું છે. પણ, મિયાંહુસેન તો સરહદી રણ પ્રવાસનના સંવર્ધક સાબિત થયા અને તેમની વિઝનરી ભૂમિકાએ અમિતાભ બચ્ચનના વાક્યને જાળવી રાખ્યું છે, સાચવી રાખ્યું છે, લોકોને અનુભવાય તેમ મહેનત કરી છે. 

હા, મિયાંહુસેન ગુલબેગ મુતવા એટલે દાદા ગુલબેગના એવા વંશજ કે જેમણે તેમના પિતાના નકશે કદમ ઉપર ચાલીને સફેદ રણ પ્રવાસનને વિશ્વના નકશામાં અંકિત કરવા જજબાભેર જહેમત ઉઠાવી છે. ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દિશા નિર્દેશોને બહુ ટૂંકાગાળામાં અમલી બનાવીને વેરાન રણને વસતિવાળું કરી દીધું છે. જ્યારે કચ્છનું નામ આવે ત્યારે પહેલાં 26 જાન્યુઆરી 2001ના વિનાશક ભૂકંપને લોકો યાદ કરે, પછી રણોત્સવને યાદ કરે અને દરમિયાન ઔદ્યોગિકીકરણની નોંધ લે. પરંતુ આ પહેલાં પણ જેની ઓળખ કચ્છમાં જોડાયેલી છે એવા બન્નીના ઘાસિયા મેદાન વિસ્તારના ગ્રામીણ માડુએ કરેલી ઉન્નત પ્રવૃતિઓ પણ કચ્છના રણ પ્રવાસનમાં શિરમોર છે.

મુતવા પરિવાર : દાદાનું નામ હોય એ જ પૌત્રનું નામ રખાય

સફેદ રણનું પ્રવાસન તો બે દાયકાની ઓળખ કહેવાય. તેની સામે બન્નીની ઓળખ સૈકાઓ જૂની છે. ભુજ અને નખત્રાણા તાલુકાના બન્ની વિસ્તાર પૈકીના ભુજ તાલુકાના ધોરડો, પટગાર, ઉડો, શિણિયાડો જેવા ગામોમાં વિકાસની આહલેખ તો દાદા ગુલબેગના સમયમાં જ જાગી હતી. દાદા ગુલબેગના પરિવારની ખાસિયતથી શરૂઆત કરીએ તો, જે નામ દાદાનું હોય એ તેના પૌત્રનું હોય અને એ મુજબ દાદા ગુલબેગના પુત્રનું નામ મિઁયાહુસેન તેમના દાદા આધારિત રાખવામાં આવ્યું છે અને તેમના પુત્રનું નામ ગુલબેગ રાખવામાં આવ્યું છે. મુતવા અટક ધરાવતા મોરાણા સમાજના વંશજોએ ગ્રામીણ વિસ્તારમાં રહીને શહેરીકરણની પ્રાથમિક સુવિધાઓ મળે અને તેમનો ગ્રામીણ વિસ્તાર આર્થિકથી માંડીને ભૌતિક સુવિધાઓથી સંપન્ન રહે તેના માટે દાદા ગુલબેગ અને તેમના સંતાનોએ ભેખ લીધી છે અને તે મુજબ આગળ વધી રહ્યા છે. 

પોતે ધોરણ 7 પાસ પણ દીકરી ભણીને પ્રવાસી શિક્ષક સુધી પહોંચી 

હાલના ધોરડોના સરપંચ મિયાહુસેન ગુલબેગ સાથે લાંબી ગોઠડી કરી ત્યારે તેમની ભૂમિગત જોડાઇને આગળ વધવાના પારિવારિક સંસ્કાર સામે આવ્યા છે. 2 ઓક્ટોબર 1967ના જન્મેલા મિયાંહુસેને ધોરણ 7 પાસ છે પણ ગ્રામીણ ભણતરની જીજીવિષાએ દિકરીને એવી તે ભણાવી કે હાલમાં તે પ્રવાસી શિક્ષક તરીકે ગામના બાળકોને શિક્ષિત કર્યાં છે. 

અડધી સદીથી સરપંચપદમાં દાદા ગુલબેગ પરિવાર : પંચાયતની ચૂંટણી જ નથી થતી

મિયાંહુસેન 1980થી તેમના સરપંચ પિતા દાદા ગુલબેગ સાથે કામે લાગી ગયા હતા. જીપના ડ્રાઇવર તરીકે પિતાજી સાથે રહેતા અને ગ્રામીણ સુવિધાઓના વહીવટી કામો શીખતા રહેતા હતા. બન્ની એટલે એશિયાના ઊંચા ઘાસ ધરાવતો વિસ્તાર હોવા ઉપરાંત દુકાળની કારમા વર્ષો પસાર કરવાનો પડકાર પણ સહન કરવાનો થતો હતો. આ દરમિયાન ઘાસ કાપણી સહિતના બન્ની ગ્રાસલેન્ડ નામનો પ્રોજેક્ટ હાથમાં લીધો હતો. તેમના પિતાજી દાદા ગુલબેગ સળંગ 30 વર્ષ સરપંચ રહ્યા બાદ 1995માં મિયાંહુસેન ઉપસરપંચ બન્યા અને ત્યારથી તેમણે ગ્રામીણ વહીવટ ઉપર ધ્યાન કેન્દ્રિત કર્યું. ખાસ કરીને ગામની મહિલાઓએ પીવાનું પાણી ભરવા ગામ બહાર જવાનું થતું હતું. અછત કે દુકાળના સમયમાં ટેન્કર આવે તો તેમાં ગ્રામજનોની ભીડ ન થાય એટલે ગામમાં ટાંકા બનાવીને સમ્પ તૈયાર કરવા ઉપરાંત સ્ટેન્ડ પોસ્ટ ઉભા કરાવ્યા હતા અને ગામમાંથી જ વગર ભીડે લોકોને પાણી મળવા લાગ્યું હતું. વર્ષ 2000માં સરપંચ બન્યા બાદ ગામમાં પ્રથમ ટેલિફોન આવ્યો, ગોરેવાલીથી ધોરડો સુધીની લાઇન નંખાઇ હતી. સંદેશા વ્યવહારની સુવિધા જરુરી હતી. આ દરમિયાન, બન્ની ગ્રાસલેન્ડ પ્રોજેક્ટની બન્ની વિકાસ યોજના જિલ્લા વિકાસ અધિકારીએ પ્રમાણિત કરી હતી. તેવામાં 2001ના ભૂકંપે નુકસાન પહોંચાડ્યું પણ હેલ્પેજ ઇન્ડિયા અને એગ્રોસેલ કંપની પણ વહારે આવી હતી. અગાઉ વર્ષ ૨૦૦૦માં એમ્બ્યુલન્સ સેવા ગામમાં જ શરૂ કરી દેવાઈ હતી. વર્ષ ૨૦૦૨થી સળંગ તેઓ અથવા તેમના પરિવારના સભ્યો ધોરડો જૂથ પંચાયતના સરપંચ તરીકે રહેતા આવ્યા છે. ગુલબેગ મુતવા પરિવારનો વારસો સર્વાનુમતે જાળવી રાખીને પંચાયતને નિર્વિવાદ રીતે સમરસ રાખી છે. વાસ્મોની યોજના અંતર્ગત ઘર ઘર નળ યોજના પણ શરુ કરવામાં આવી હતી અને પાણીની સુવિધાથી ગ્રામજનોને રાહત થઈ હતી. ધોરડો ગામ પાણી અને ઘાસ માટે આત્મનિર્ભર બની ગયું છે.  

ભૂકંપમાં 'આભથ' પદ્ધતિ અપનાવી 450 ઘર બનાવાયા 

 વિનાશકારી ભૂકંપમાં ૪૫૦ ઘર બન્ની વિસ્તારમાં બનાવવાના હતા. બન્નીમાં સ્થાનિક વાતાવરણ અને હવામાનમાં ટકાઉ ઘર બને તે અનિવાર્ય હોય છે.  ગ્રામીણ વિસ્તારમાં જો ઘરમાં પાણી ભરાય અને ડૂબી જાય તો પણ ઘર પડે નહીં તેમ બનાવવાના હતા. આ માટે કામગીરીની સ્થાનિક પદ્ધતિ 'આભથ' અપનાવી હતી. જેમાં ગ્રામીણજનો તબક્કાવાર એક બીજાના ઘર બનાવવા માટે સંપીને કામ કરે. કોઈ એકનું ઘર પૂરું થાય ત્યારે નવું બીજું ઘર બનાવવાનું શરૂ કરાય. તેમાં ગામના તમામ લોકો ઘર બાંધકામમાં ભાગ લે. આવી રીતે ૪૫૦ ઘર બનાવવામાં આવ્યા હતા. તબક્કાવાર વિકાસના આયામો ધોરડો જૂથ પંચાયત માટે ઉમેરાતા જાય તેવી ખેવના સરકાર અને તંત્ર સમક્ષ અવારનવાર વ્યકત કરાતી હતી. જે સફળ પણ થવા લાગી હતી.  

2005માં કચ્છોત્સવથી રણપ્રવાસનનો સોનેરી સૂરજ ઉગ્યો 

૨૦મી જુલાઈ ૨૦૦૩ના તત્કાલિન શિક્ષણમંત્રી આનંદીબેન પટેલે શાળાના ઓરડાઓની શરૂઆત કરાવી હતી. ત્યારબાદ ધોરડો અને ખાસ કરીને સફેદ રણને સાંકળતા ભાગોમાં સોનેરી સૂરજ ઉજવાનો હોય તેમ ૨૦૦૫માં પ્રથમ 'કચ્છોત્સવ' ભુજ ખાવડા રોડ ઉપરના વેકરિયા રણમાં શરૂ થયો હતો. આ દરમિયાન ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ વહેલી સવારે તેમને બોલાવ્યા હતા અને ૨૦૦૬માં રણોત્સવની શરૂઆત ભુજના કાર્નિવલથી થઈ શકે તેવી ચર્ચા હતી. જોકે ૧૭મી ઓક્ટોબર ૨૦૦૫ના રણમાં પાણી ભરાયેલા હોવા છતાં ૧૦ કિલોમીટરના વિસ્તારમાં ૫૦ લકઝરી બસમાં ૪૦૦ જેટલા સહેલાણીઓ સાથે રણસફારી કરી હતી અને રણના પ્રવાસનને વેગ આપવાના મંડાણ કરાયા હતા. તે વખતે કચ્છી ભૂંગાને શણગારવામાં આવ્યા હતા. 

વર્ષ ૨૦૦૭માં ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓના કારણે રણોત્સવ થઈ શક્યો ન હતો. પરંતુ ૨૦૦૭-૨૦૦૮નો રણોત્સવ ફેબ્રુઆરી ૨૦૦૮માં કરાયો ત્યારે તેમાં ગ્રામ્ય મેળાનું આકર્ષણ ઉમેરાયું હતું.  હાલના ગેટ વે રણ રિસોર્ટની જગ્યાએ ગ્રામ હાટ બનાવ્યું હતું. ૨૨ ફેબ્રુઆરી ૨૦૦૮ના મુખ્યમંત્રી તરીકે નરેન્દ્રભાઈ ધોરડોમાં ઘરે આવ્યા ત્યારે વધુ એક વખત પ્રવાસનને વેગ આપવાની સૂચના આપી ગયા હતા. ૨૦૦૮માં બે વખત રણોત્સવ થયો હતો. ૨૦૦૮-૨૦૦૯નો રણોત્સવ ડિસેમ્બરમાં ફરીથી થયો હતો અને ત્રણ દિવસ માટે તંબુનગરી ઉભી કરાઈ હતી. ત્યારબાદ દર વર્ષે સામાન્ય રીતે નવેમ્બરમાં દિવાળીથી ફેબ્રુઆરીના અંત સુધી રણોત્સવ થતો રહ્યો છે. દર વર્ષે સામાન્ય રીતે નવેમ્બરમાં દિવાળીથી ફેબ્રુઆરીના અંત સુધી રણોત્સવ થતો રહ્યો છે. ચાર મહિના સુધી તંબુનગરી ઉપરાંત ભીરંડિયારાથી ધોરડો સુધી અંદાજે 50 જેટલા હોમસ્ટે અને ભૂંગા રિસોર્ટ પર્યટકોની મહેમાનગતિ કરે છે.  

રણોત્સવ શરૂ થવાનો હોય એ પહેલાના બે મહિનાથી કામગીરી શરૂ : રોજગારીનો ફાયદો

બોર્ડર એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટી (બીએડીપી)ના આયોજનમાંથી કચ્છના જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સફેદ રણ સમીપે ગેટ વે ટુ રણ રીસોર્ટનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. ૨૦ ડિસેમ્બર ૨૦૧૦ના ઉદઘાટન કરતી વખતે મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીએ એવી સૂચના આપી હતી કે, ભૂંગા રીસોર્ટને સાચવજોે. આ રીસોર્ટની સાચવણી અને પ્રવાસીઓને એવી સેવા આપી કે રૂરલ રીસોર્ટનો દેશસ્તરે એવોર્ડ મળ્યો હતો. ૨૦૧૯માં એક્સલેન્ટ ટુરિઝમનો એવોર્ડ પણ મળ્યો. રણોત્સવ શરૂ થવાનો હોય એ પહેલાના બે મહિનાથી કામગીરી શરૂ કરાતી હોય છે. જેમાં ૧૫૦ જણને રોજગારી મળતી હોય છે. લીંપણ, ઘાસ બદલવી સહિતના કામો કરવાના થતા હોય છે જે પ્રવાસનમાં આકર્ષણરુપ બને છે. હાલમાં ૪૦ ભૂંગા છે અને તેમાંથી રજવાડી ૨૮ ભૂંગા અને ૧૨ એસી રૂમ છે. ડાયનિંગ હોલ તથા ચોગાન પણ છે. આગામી દિવસોમાં કાર્યક્રમો, કોન્ફરન્સ કરવા માટે ૧૦૦ બેઠક આધારિત હોલ પણ બની રહ્યો છે. 

ગેટ વે રણ રિસોર્ટના સંચાલનથી ગામનો વિકાસ 

ગેટ વે રણ રિસોર્ટથી ગામનો વિકાસ થાય છે.  વર્ષ ૨૦૧૦માં ગામમાં એટીએમ મશીન લાવ્યા બાદ સરળતા વધી હતી. ૨૦૧૩થી ગામને ઓક્સિજન સહિતની સુવિધાવાળી એમ્બ્યુલન્સ મળી છે. ૨૦૧૪માં ગામમાં બેંક હોવી જોઈએ તેવી રજૂઆત કરી ત્યારે મંજૂરી મળી હતી અને ગ્રામીણ અનુદાનમાંથી રૂપિયા ૮.૫૦ લાખના ખર્ચે મકાન બાંધી અપાયું હતું. જેમાં દેનાગ્રામીણ બેંક એટલે કે મર્જર બાદ બેંક ઓફ બરોડા કાર્યરત છે. આ બેંક અહીં કાર્યરત થવાના લીધે ૪૫ ગામના લોકોને બેંકિંગ સુવિધા મળવા લાગી છે. ખાસ કરીને પેન્શન, યોજનાઓની સહાય, દૂધની આવકની રકમ, પશુલોન સહિતના આર્થિક વ્યવહારો માટે ભુજના ધક્કા બંધ થઈ ગયા છે. કોરોનાકાળમાં બેંક સુવિધા ખૂબ ઉપયોગી બની હતી. મોરાણા, મુતવા, અનુસૂચિત જાતિના પરિવારના કુલ ૫૫૦ની માનવ વસતિ અને ૧૦૦૦થી વધુ પશુઓ ગામમાં છે. રોજગારી, શિક્ષણ, આરોગ્યની સુવિધા અને નોકરી સહિતની સુવિધા સ્થાનિકે જ ઉભી કરેલી છે. 

રણોત્સવથી 15 લાખ લોકોને રોજગારી : તંત્રને ફેબ્રુઆરી સુધી બે કરોડની આવક 

2022 સુધીના રણોત્સવમાં અંદાજે 15 લાખ લોકોને રણપ્રવાસનની આવકનો રોજગાર મળ્યો હોવાનું નોંધાયું છે. 2022ની 1લી નવેમ્બરથી 2023ની 20મી ફેબ્રુઆરી સુધીમાં કુલ 1,80,075 પ્રવાસીએ મુલાકાત લીધી હતી. ચાલુ વર્ષે 14,588 વધુ પ્રવાસી નોંધાયા હતા. 860 વિદેશી પ્રવાસીઓ હતા. તો કુલ 34,976 વાહનોની અવરજવર થઈ હતી. તંત્રને કુલ 2,01,76,000 રૂપિયાની આવક થઈ છે. જે ગત વર્ષની સરખામણીએ તંત્રને 16,19,975ની આવક વધારે થઈ છે. તો, કચ્છના રણ, દરિયો અને ડુંગરના પ્રવાસન સ્થળોમાં ઓગસ્ટ 2023 સુધી કુલ 22,03,855 સહેલાણીઓ આવ્યા હોવાનું પ્રવાસન વિભાગમાં નોંધાયું છે. 

દેશની સુરક્ષા માટે ધોરડોનું વિશેષ મહત્ત્વ : વધતા રણને અટકાવવા વિકાસ અનિવાર્ય ગણાવાયો

આગામી ભવિષ્યમાં ધોરડોમાં એરસ્ટ્રીપ સંભવ છે. હાલમાં આમ પણ સાત હેલિપેડ છે. દાદા ગુલબેગનું ઘડુલી સાંતલપુરનું સ્વપ્નું હતું અને તે ઝડપભેર રસ્તો બને તેના હિમાયતી રહ્યા હતા. જૂના અધિકારીઓને આ વિસ્તારની મુલાકાત પણ કરાવતા હતા.  ૧૯૬૯માં એન. ગોપાલાસ્વામી કચ્છના કલેકટર હતા ત્યારે રણ વધતું અટકાવવા માટે ઘડુલી સાંતલપુરનો રણ વિસ્તારનો રસ્તો બનાવવો જરૂરી હોવાની વાત કરી હતી. ગ્રાન્ટ અને સહાય વિના પણ કામગીરી કરવી અનિવાર્ય હોવાનું તે સમયે જરૂરી હતું. તેમના પિતાજી સરપંચ હતા તે વખત પૂર્વેથી ૧૯૬૫થી વિઝિટ બૂક છે. ૧૯૭૬થી ૮૯ સુધી ગોબરગેસ ચલાવતા હતા. તો વીજળી વિના તકલીફ ન પડે તે માટેનું ધ્યાન રાખતા હતા. તેમના સમયમાં આવતા મહેમાનોની મહેમાનગતિ પણ પ્રેમથી કરતા હતા. હોસ્પિટાલિટી તેમને વારસામાં મળી છે. દેશની સુરક્ષાના મુદ્દાઓમાં પણ તંત્ર સાથે ખડેપગે રહેતા આવ્યા છે. 

સંસ્કૃતિને સાચવવા અને હસ્તકલાના સંવર્ધન માટે અવિરત પ્રયાસ

મુતવા હેન્ડિક્રાફ્ટ્સ હોય કે ભૂંગાઓની રીસોર્ટ સુધીની સફર હોય તે સમગ્ર દુનિયાના પર્યટકોએ જોઈ છે. સંસ્કૃતિને સાચવવા અને હસ્તકલાના સંવર્ધન માટે 1956માં મિયાંહુસેનના માતા હબીબાબાઇને એવોર્ડ મળ્યો હતો. સંસ્કૃતિની સંભાળમાં મોરચંદ, ચંગ વાદન, પહેરવેશનું સંવર્ધન ૨૧મી સદીમાં પણ કરાયું છે. 

રાજ્ય સરકારની ચિંતન શિબીરથી માંડીને જી 20ની બેઠકનું સાક્ષી બન્યું ધોરડો 

ધોરડોમાં ૨૦૦૯માં રાજ્ય સરકારની ત્રણ દિવસની ઉચ્ચાધિકારીઓની ત્રણ દિવસની ચિંતન શિબીર યોજાઈ હતી. દેશના તમામ રાજ્યના પોલીસ મહાનિરીક્ષકોની રાષ્ટ્રીય પરિષદ તથા આંતરરાષ્ટ્રીય જી 20 સમીટ પણ યોજાઇ ચૂકી છે. ગ્રીન ટુરિઝમ, ડિજિટલાઇઝેશન, કૌશલ્ય, ટુરિઝમ ઉદ્યોગ અને ડેસ્ટિનેશન મેનેજમેન્ટના મુદ્દાઓ સાથે ગ્રામીણ વિકાસનું મોડેલ ધોરડો હોઇ શકે એ સર્વસ્વીકૃત બન્યું છે. કારણ કે ધોરડોમાં જી20 સમિટની પ્રથમ પ્રવાસન કાર્યકારી જૂથની બેઠક 'સામુદાયિક સશક્તીકરણ અને ગરીબી નાબૂદી માટે ગ્રામીણ પ્રવાસન' વિષય પર યોજાઇ હતી અને તેમાં આત્મનિર્ભર ગામડાં આત્મનિર્ભર ભારત તરફ દોરી જશે તેના મુખ્ય પરિબળો સાથે કચ્છનાં રણનું રૂરલ ટુરિઝમ મૉડલ ચર્ચાયું હતું. ખાસ કરીને, મહિલાઓને અને લાભવંચિત સમુદાયોને રોજગારી આપવા પ્રવાસન એક ચેનલ સમાન હોવાનું ચિત્ર દુનિયા સમક્ષ રજૂ કરાયું હતું અને તેના આધારે વિકાસની આહલેખ જગાવવાનો દુન્યવી સંદેશ પણ અપાયો હતો.


વિશેષ લંબાણપૂર્વકનું લખાણ વાંચવા બદલ આપનો આભાર

#Tourism

#Gujarat 

#dhordo 

#miyahussaingulbeg

#whiterann 

#whitedesert 

#safedrann 

#aroundthekachchh

#kachchhnahidekhatokutchnahideka

#Kachchh 

#Kachchhtourism

#dholaveera 

#pravasan

Comments

Popular posts from this blog

21મી સદીમાં કચ્છ : પાણી, પ્રવાસન અને ઉદ્યોગીકરણ, પુસ્તક પ્રતિભાવ 1

ભૂકંપે અચાનક લોકોના પ્રાણ હર્યા અને કોરોનાએ પ્રાણ-વાયુ વિના

કચ્છને અલાયદું આપત્તિ વ્યવસ્થાપન તંત્ર અનિવાર્ય, ખરું ને ?