કચ્છને નર્મદાના વધારાના ૧ મિલીયન એકર ફિટ પાણીની કામગીરી ૨૦૨૫ સુધી પૂર્ણ થશે
જિલ્લાની ૧.૭૨ લાખથી વધુ હેક્ટર વિસ્તારને સિંચાઈનો લાભ મળશે: ભૂપેન્દ્ર પટેલ સરકારે દોઢ વર્ષમાં આપી બીજી વહીવટી મંજૂરી : કચ્છના પાણીકારણ માટે રાહત આપતી જાહેરાત
ભુજ : રાજ્ય સરકાર દ્વારા તાજેતરમાં કચ્છમાં નર્મદાના વધારાના એક મિલિયન એકર ફીટ પાણીના સધર્ન અને નોર્ધન લિંક કેનાલના કામો માટે રૂપિયા રૂ.૨,૩૦૪.૯૨ કરોડની વહીવટી મંજૂરી આપી છે. દરમિયાન જળ સંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળીયાએ જણાવ્યું છે કે, કચ્છને નર્મદાનું વધારાનું ૧ મિલીયન એકર ફિટ પાણી વર્ષ ૨૦૨૫ સુધીમાં આપવાની કામગીરી પૂર્ણ થશે. તેના લીધે અંજાર, મુન્દ્રા, માંડવી, ભુજ, નખત્રાણા, લખપત, અબડાસા, અને રાપરના ૧૩૦ જેટલા ગામોના અંદાજે ૧.૭૨ લાખથી વધુ હેક્ટર વિસ્તારને સિંચાઈનો લાભ મળતો થશે. જળ સંપત્તિ મંત્રી કુંવરજીભાઈએ વધુ વિગતો આપતા જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં જળ સંપત્તિ વિભાગ દ્વારા અગ્રીમતાના ધોરણે આ કામો હાથ ધરાશે. તબક્કા-૧ ના કામો માટે ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ કરી દેવાઈ છે અને કામગીરી પ્રગતિ હેઠળ છે જ્યારે તબક્કા-૨ ના કામો માટે ટેન્ડર મંગાવવામાં આવ્યા છે. જે કામો ટૂંક સમયમાં શરૂ કરાશે. કચ્છના ખેડૂતો-પ્રજાજનોની લાંબાગાળાની લાગણી-અપેક્ષા સંતોષવાનો મુખ્યમંત્રીએ દ્રષ્ટિવંત અભિગમ દાખવ્યો છે જેના પરિણામે જળાશયોમાં આ નર્મદાના નીર પહોચવાથી ભૂગર્ભ જળ ઊંચા આવશે. બોક્સ 1 : પહેલા તબક્કામાં ૨૫ સિંચાઇ યોજનાઓમાં પાણી ભરવામાં આવશે પહેલા તબક્કામાં મંજૂર થયેલા 4369 કરોડના સધર્ન લીંક અને હાઇકન્ટુર સ્ટોરેજ લીંકથી અંજાર, મુંદ્રા, માંડવી અને ભુજ તાલુકાની ૨૫ સિંચાઇ યોજનાઓમાં પાણી ભરવામાં આવશે જેનાથી આ તાલુકાના ૪૭ ગામના ૩૮,૮૨૪ હેક્ટર વિસ્તારને લાભ મળશે. નોર્ધન લીંકથી અંજાર, ભુજ અને નખત્રાણા તાલુકાની ૧૨ સિંચાઇ યોજનાઓમાં પાણી ભરવામાં આવશે જેનાથી આ તાલુકાના ૨૨ ગામના ૩૬,૩૯૨ હેક્ટર વિસ્તારને સિંચાઈનો લાભ મળશે. જ્યારે સરાણ લીંકથી રાપર તાલુકામાં સારણ જળાશયમાં પાણી ભરવાથી રાપર તાલુકાના ૮ ગામના ૨૯,૦૦૦ હેક્ટર વિસ્તારને સિંચાઈનો લાભ મળશે. આ કામગીરી વર્ષ ૨૦૨૫માં પૂર્ણ થતાં કચ્છ જિલ્લાના અંજાર, મુન્દ્રા, માંડવી, ભુજ, નખત્રાણા અને રાપર મળી કુલ છ તાલુકામાં ૩૮ સિંચાઇ યોજનાઓમાં પાણી ભરવામાં આવશે જેનાથી ૭૭ ગામના ૧,૦૪,૨૧૬ હેક્ટર વિસ્તારને સિંચાઈનો લાભ મળશે એમ પાણી મંત્રી બાવળિયાએ જણાવ્યું હતું. બોક્સ 2 : બીજા તબક્કામાં નખત્રાણા, લખપત અને અબડાસા તાલુકાની ૨૮ સિંચાઇ યોજનામાં પાણી ભરાશે જળ સંપત્તિ અને પાણી પુરવઠા રાજ્ય મુકેશ પટેલે વિગતો આપતા જણાવ્યું હતું કે, બીજા તબક્કા હેઠળની રૂ.૨,૩૦૪.૯૨ કરોડની કિંમતે બે ઉદ્દવહન પાઈપલાઈનોની કામગીરીને વહીવટી મંજૂરી આપવામાં આવી છે. જેમાં સધર્ન લીંકથી માંડવી, નખત્રાણા, લખપત અને અબડાસા તાલુકાની ૨૮ સિંચાઇ યોજનાઓમાં પાણી ભરવાથી આ તાલુકાના ૨૮ ગામના ૩૬,૫૧૪ હેક્ટર વિસ્તારને સિંચાઈનો લાભ મળશે. ઉપરાંત નોર્ધન લીંકથી નખત્રાણા અને લખપત તાલુકાની ૧૩ સિંચાઇ યોજનાઓમાં પાણી ભરવાથી આ તાલુકાના ૨૫ ગામના ૩૧,૬૮૧ હેક્ટર વિસ્તારને સિંચાઈનો લાભ મળશે. આમ તબક્કા-૨ની કામગીરી પણ આગામી વર્ષ ૨૦૨૫માં પૂર્ણ કરીને માંડવી, નખત્રાણા, લખપત અને અબડાસા મળી કુલ ચાર તાલુકાની ૪૧ સિંચાઈ યોજનાઓમાં પાણી ભરવાથી ૫૩ ગામોના ૬૮,૧૯૫ હેક્ટર વિસ્તારને સિંચાઈ સુવિધાનો લાભ મળશે. તબક્કા-૨ની કામગીરી માટે ટેન્ડર મંગાવવામાં આવ્યા છે.
ભાવિન વોરા, 11 ઓગસ્ટ 2023
Superb insightful
ReplyDelete