રાજકીય પક્ષો શિસ્ત શબ્દને અભડાવે છે

#Kachchh
#Politics
#Bjp 
#Congress
#Kachchh Politics

- ભાવિન વોરા, 310721 

શિસ્ત આ શબ્દને હવે રાજકારણની જાહેર ડીક્સનેરીમાંથી ચોક્કસ હટાવી લેવો જોઇએ. કારણ કે રાજકીય આચારની વ્યાખ્યામાં હવે વ્યાભિચાર, ભ્રષ્ટાચાર, છાકટાપણુ અને ટાંટિયાખેંચના પાઠ ભણાવવામાં આવી રહ્યા હોય તેમ ચિત્ર સામે આવી રહ્યું છે. આઝાદીકાળમાં લોકસુવિધાઓ અને દેશવાસીઓ માટે રાજકીય લડત થતી, હુંસાતુંસી થતી હતી અને લોકો પણ રાજકારણને સમજીને તેમના મન મુજબ નેતાઓને ટેકો આપતા હતા. છેલ્લા દાયકાનું રાજકારણ રમણભ્રમણ થઇ ચૂક્યું છે. કચ્છના પરિપ્રેક્ષ્યની વાત કરીએ તો કાંડ અને સત્તાધારીઓ જાણે એકબીજાના પર્યાય હોય તેવો માહોલ છે અને તેમાં પુરાવાઓ પણ મળતા રહ્યા છે. રાજકીય માનસિકતા હવે જર, જમીન અને જોરૂ,  ત્રણેય કજિયાના છોરું નહીં પણ કમાવાના છોરુમાં પરિવર્તિત થઇ ચૂકી છે. ભ્રષ્ટાચાર નામનો જર, ખાણ ખનિજમાં લીઝ અંકે કરવી અને છોરૂમાં પોતાના સંતાનો ઉપરાંત મળતિયાઓને સેટ કરવા એ નવી વ્યાખ્યા બાંધી શકાય છે. મિત્ર, વર્તુળ કે સ્નેહીઓ અથવા વહીવટ કરી શકે તેવા લોકોને સાચવી રાખવાના રાજકારણમાં સત્તાધિશો પોતે તો ફૂલ્યાફાલ્યા છે પણ તેમના વર્તુળના લોકો પણ બે નહીં બાવીસ પાંદડે થયા છે. કંઇ થાય તો શિસ્તના નામે કદાચ ચિપિયા ચમચમાવાય પણ હવે તો એ પણ નથી કરાતું અને હોદ્દેદારો અને નેતાઓ સામે આંખ આડા કાન કરાય છે. શિસ્તની જાહેર દુહાઇઓ બંધ કરીને પક્ષમાં ચાલતા કાંડના વ્યક્તિગત કાંડના વટાણા વેરાઇ જાય ત્યારે દિલ્હી સુધી પક્ષના લોકો જ ચમચાગિરી કરીને મામલા દબાવવાના પ્રયાસો કરે છે. ઓપન સિક્રેટ હોવા છતાં બધું થઇ જાય તેમ શિસ્તના નામે અમુક તમુક વખત પગલાં ભરીને શિષ્ટાચાર શીખવવાના શબ્દો શિસ્ત શબ્દને જાણે અભડાવી નાખે છે. 

લોકો કે મતદારોને ભૂલીને કરાતા સ્વ આધારિત રાજકારણમાં શિસ્તની દુહાઇઓ આવા રાજકીય નેતાઓ અને તેમના કાર્યકરોએ આપવાની બંધ કરવી જોઇએ. બંધ બારણે કુકર્મ કરીને કે નેતાઓની મહિલાઓ સાથેની ઓડિયોક્લિપમાંથી આવતી વ્યાભિચારાત્ક વાતો, ન ભૂલી શકાય તેવો નલિયા કાંડ આ બધા જાહેર પ્રમાણો છે. છતાં શિસ્ત જેવા વ્યાપક છતાં સ્પષ્ટ અર્થ ધરાવતા શબ્દને છીછરો બનાવી નાખવાનું કારસ્તાન નેતાઓથી માંડીને કાર્યકરોએ કર્યું છે. નાણે નાથાલાલ માંથી પૈસો જ મારો પરમેશ્વર અને હું સત્તાનો દાસ એવી હલકટવૃત્તિને સત્તામાં કે સંગઠનમાં આવા લોકો જતું કરી દેનારા બન્યા છે. દરેક વહીવટમાં પોતાના લોકો હોય અને પોતાના સંતાનો આંતરરાષ્ટ્રીય નામના ધરાવતી ક્લબ પર કબજો જમાવીને જાણે સ્ટીલના વાસણનો રણકો સંભળાવે તેમ શિષ્ટ અને વ્હાઇટ કોલર્સ બનવાના દેખાવ કરવામાં બાકી નથી રાખતા. એક સમયે પ્રતિષ્ઠિત તબીબ, વકીલ, ઇજનેરકક્ષાના વ્યવસાયીઓ જેના સ્થાન શોભાવતા એ હવે રાજકીય વારસોના ઓશિયાળા બન્યા છે. ગાંધીધામ હોય કે મુન્દ્રા કે અબડાસાના ખનિજ સહિતનો જમીન વ્યવસાય પણ વ્યાપક બનાવીને રાજકીય હથરોટી બનાવીને બધું અંકે કરી લેવાની મોડે ઓપરેન્ડી ચાલી રહી છે.  દેવામાં આવી છે. 

શા માટે આવા નેતાઓ પર સંગઠન પગલાં ભરતું નથી કે જેમણે તેમના નામનું મેન્ડેટ આપ્યું હોય ? જવાબ એ પણ માની શકાય કે સત્તામાં આવ્યા પછી નેતાઓનો કારોબાર એટલો વિશાળ થાય છે કે સંગઠનનું તો નામ માત્ર જ વટાવાય છે. બાકી નેતાઓ દ્વારા સંગઠનને કોઇ જ દાદ અપાતી હોય કે સંગઠન દ્વારા પણ પગલાં ભરીને ઠોસ કામગીરી કરાતી હોય તે હવે ક્યારેક જ બને છે. ઝાંઝવાના જળ સમાન વિકાસ દર્શાવીને અને પોલિટીક્સ એટલે પૈસો એ સાબિત કરીને થતું લોકપ્રતિનિધિત્વ લોકશાહી માટે ઘાતક બની રહ્યું છે. સામાજિક કુટેવોને પોષનારું બની ગયું છે. જેમાં કોઇ જ બાકી રહેતું નથી. શો બાજી અને મની પાવરના લીધે સમર્થકોની સંખ્યા વધ્યા બાદ છાકટાપણુ એ હાલના રાજકીય લોકોના પક્ષનું જાહેર શિસ્ત છે તેમ અફસોસ સાથે કહેવું પડે છે.

Comments

Popular posts from this blog

21મી સદીમાં કચ્છ : પાણી, પ્રવાસન અને ઉદ્યોગીકરણ, પુસ્તક પ્રતિભાવ 1

ભૂકંપે અચાનક લોકોના પ્રાણ હર્યા અને કોરોનાએ પ્રાણ-વાયુ વિના

કચ્છને અલાયદું આપત્તિ વ્યવસ્થાપન તંત્ર અનિવાર્ય, ખરું ને ?