170621

હજારો વર્ષ પહેલાં ચાર નદી સુકાઈ અને અને દરિયાઈ ભૂતળ સાથે આકાર લીધો બન્નીએ

#Kachchh
#Banni
#NGT
#Grasslands
#Dhordo


ભુજ : 

નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલના ચુકાદાથી એશિયાના સૌથી મોટા ઘાસના મેદાનોની ઓળખ ધરાવતો કચ્છનો બન્ની પ્રદેશ લાઈમલાઈટમાં આવ્યો છે અને તંત્રથી માંડીને માલધારી સંગઠન, સ્વૈચ્છિક સંસ્થાઓ પણ બન્નીની ક્ષેત્રિય મુલાકાતો કરીને તેમના કથિત યોગદાન માટે આગળ આવી છે. જોવાનું છે કે જો રાજ્ય સરકાર, કચ્છનું જિલ્લા પ્રશાસન અને વનવિભાગનું યોગ્ય સંકલન રહેશે તો માસમાં બન્નીના વાડાઓના દબાણો દૂર થશે. પણ બન્નીની ઓળખ સાચવવા માટે વર્તમાન સમયમાં જમીનનું નવસાધ્યીકરણ અનિવાર્ય હોવાનું ભૂતકાળના સંશોધનો કહી રહ્યા છે. ભૂકંપ ઝોન પાંચ આવતા કચ્છ જિલ્લાને આકાશી ઉપરાંત ભૂમિગત આંચકારૂપી આફતે પણ ભારે નુકસાન પહોંચાડયું છે તેમાં હજ્જારો વર્ષ પહેલાં પ્રદેશમાં વહેતી નદીઓ ક્રમકાળે સુકાઈ જતાં અથવા વહેણ ફંટાઈ જવાના કારણે ધરતી સુકાપટમાં ફેરવાઈ હતી. વહેતી નદીઓના કારણે અહીંનો પ્રદેશ બન્યો હોવાથી તેની ઓળખ બન્ની તરીકે પ્રસ્થાપતિ થઈ હોવાનું સંશોધકો કહે છે. બન્ની નજીકનો પચ્છમ પ્રદેશ એક સમયે દરિયાઈ પાણીથી ઘેરાયેલો હોવાના કારણે તેને પચ્છમ ટાપુ તરીકે ઓળખવામાં આવતો હતો. હાલમાં પણ બન્ની પચ્છમના ઉંડાણમાં દરિયાના પાણી હોવાના લીધે ખારાશવાળી જમીનને નવસાધ્ય કરતા રહેવાથી તેની ઘાસના મેદાનોની ઓળખ જાળવી શકાશે.

 કચ્છ જિલ્લો તેના આંતરિયાળપણ અને તેમાં રહેલી વિવિધતાઓના કારણે દેશ-દુનિયામાં જાણીતો છે. હડપ્પીય સંસ્કૃતિ પહેલાના કાળથી ડાયનોસોર સહિતના મોટા પ્રાણીઓ વિચરતા હોવાના પુરાવાઓ તબક્કાવાર સંશોધનોમાં નોંધાયા છે. વન્ય અને જીવ સૃષ્ટિ ધરાવતા કચ્છ પ્રદેશમાં ૨૬૧૭ વર્ગ ચોરસ કિલોમીટરમાં ફેલાયેલા બન્ની પ્રદેશના ઘાસના મેદાનોનો પેચ એશિયાભરમાં સૌથી મોટો ગણાય છે અને તે તેની જમીનના કારણે પણ પ્રખ્યાત છે. ગુજરાત ઈન્સ્ટીટયુટ ઓફ ડેઝર્ટ ઈકોલોજી (ગાઈડ) - ભુજના નિયામક ડો. વી. વિજયકુમાર સાથે વાત કરતાં તેમણે તર્ક, ઈતિહાસ અને સંશોધનો આધારિત વિગતોમાં એમ જણાવ્યું હતું કે, બન્નીને ક્લાઈમેટ ચેન્જ અને ભૂકંપની અસરો થતી રહી છે. અહીંથી સિંધુ, સરસ્વતી,લુણી, બનાસ નદી પસાર થતી હતી. પાણીના વહેણની સાથે માટી તથા તણાઈ આવતી સામગ્રીના કારણે જમીન તબક્કાવાર ફળદ્રૂપ બની હતી અને ગ્રાસલેન્ડમાં ફેરવાઈ હતી.

ભૂમિગત તત્વો સાથે ઉગતા ઘાસની ગુણવત્તા ખૂબ ઊંચી ગણવામાં આવતી રહી છે. જોકે ભૂકંપ ઝોનની અસરોના લીધે તથા ૧૮૧૯ સહિતના ભારે ધરતીકંપના લીધે ચારેય નદીઓના વહેણ બદલાયા હતા અને પટ સૂકો બન્યો હતો. તો કોરીક્રીક સહિતના દલદલ વિસ્તારમાંથી દરિયાઈ પાણી ઘુસી આવતાં જમીન ખારાશવાળી બની હતી. જે આજ સુધી યથાવત રહી છે. નજીકના ભૂતળમાં ખારાશવાળા પાણી વહે છે એમ કહી શકાય. ૫૦ વર્ષથી પડકાર વધ્યો છે અને ગાંડોબાવળ પણ ફૂલ્યો ફાલ્યો છેજોકે, અહીંના વિવિધ ઘાસને ૧૫ સેન્ટીમીટર જેટલી ફળદ્રૂપતા જોઈતી હોવાથી સારા વરસાદ વખતે બન્ની બ્રાન્ડ ઘાસ ઉગી નીકળે છે. જો દર વર્ષે સારો વરસાદ થાય અને ચોમાસામાં તબક્કાવાર વરસાદ થાય તો બન્નીના ઘાસની હરિયાળી પુનઃ છવાઈ શકે તેમ છે.

                          નદીઓને લગતા સંશોધનોની વિજ્ઞાનીઓએ નોંધ કરી છે.

૨૦૦૦ વર્ષ પહેલાની બન્નીની સ્થિતિ મુજબ ભારે વરસાદ પણ થતો હતો અને દુકાળો પણ પડતા હતા. અગાઉ હજારો વર્ષ બાદ ગ્લોબલ વોર્િંમગની અસર થતી હવે ૫૦૦ વર્ષમાં ફેરફારો શક્ય બન્યા છે. ૧૯૮૦ના દાયકામાં થયેલા દસ્તાવેજીકરણમાં એવી નોંધ મૂકવામાં આવી છે કે, વિવિધ વિજ્ઞાનીઓ અને સંશોધનોએ સંશોધનોના તારણો રજૂ કર્યા એમાં નદીના પાણીનો ઉલ્લેખ કરાયો છે. ઘોસ નામના નિષ્ણાતે એમ નોંધ્યું છે કે, બન્નીની સાથે સરસ્વતિ નદી જોડાયેલી હતી અને અરવલ્લી હિલ રેન્જથી કચ્છના અખાત તરફ વહી ગયા બાદ લુપ્ત થઈ હતી. વિજ્ઞાની પાલના સંશોધન મુજબ, સતલજ નદી ગાગર નદીની એક મોટી પ્રશાખા હતી. નરા વિસ્તાર સુધી ફેલાયેલી હતી. ભૂકંપીય અસરોમાં સૂકાઈ ગઈ હતી.

 

        વડાપ્રધાને પણ બન્નીને યાદ કર્યું : લેન્ડ રીસ્ટોરેશન માટે પહેલુઓની થાય છે અમલવારી

૧૩મી જુને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યુનોમાં રણીકરણ, જમીનનો ઘસારો અને દુકાળ વિષયેના સંબોધનમાં કચ્છના બન્નીના ઘાસિયા મેદાનના વિકાસની વાત કરીને બન્ની પ્રદેશને અને પરોક્ષ રીતે કચ્છને યાદ કર્યો હતો. બસ, બન્ની પ્રદેશમાં લેન્ડ રીસ્ટોરેશન કરવાનો સમય ચાલી રહ્યો છે. કારણ કે,  કાળાંતરે ભૂકંપીય ટેક્નોટીક અને પેલિયોક્લાઈમેટ ચેન્જ સૌથી મોટી અસર પહોંચાડી છે. ભૂતળમાં દરિયાના પાણી વહેતા હોવાના કારણે જમીની ખારાશ પણ એક પડકાર છે ત્યારે લેન્ડ રીસ્ટોરેશન એટલે કે જમીન નવસાધ્ય કરવામાં ભૂમિમાં રહેલી સમસ્યાઓન શોધવી પ્રથમ પગથિયું છે. ૧૯૮૦ના દાયકા પછી ડેરી ઉદ્યોગ શરૂ થયા બાદ પશુપાલન વેસ્ટનું વેચાણ શરૂ થવાના લીધે ગાયના છાણ સહિતથી જમીનો વંચિત રહેવા લાગી તેથી જમીનને તાકાત આપવા માટે બીજ નાખવા સહિતની પ્રક્રિયા અત્યારે બીજા પરિબળ સમાન અનિવાર્ય છે. તો ત્રીજો મુદ્દો જમીનને ખેડ કરવાથી પણ ફળદ્રુપતામાં વધારો લાવી શકાય છે. વધુમાં ગાંડાબાવળનો વ્યાપ દૂર કરવો પડે અથવા તેને હટાવવા પડે  પણ પ્રાથમિક શરત સમાન છે.

 

             બન્નીના ઘાસની ગુણવત્તામાં ભારોભાર ન્યૂટ્રિશિયન્સ : ઘાસમાંથી રોટલો, ભાત બને છે

વલસાડનું ત્રણ કિલો ઘાસ બન્નીના એક કિલો ઘાસ બરાબર ગણાય છે. ઘાસમાં પ્રોટિનનું ભરપૂર તત્વ હોય છે. ધામણ, શ્યાળ પૂંજ, જીંજવો, સ્કોરાપુલસ, સાંઉ, ધ્રબળ, ચીચની અને ખેવૈ નામના ઘાસ બન્ની બ્રાંડ ઘાસ કહેવાય છે. ૩૫ જાતિના ઘાસ અહીં સારા વરસાદના લીધે ઉગી શકતા હોય છે. ધોરડોના સરપંચ મિયાંહુસેન ગુલબેગના જણાવ્યા મુજબ ચીચની, ધ્રબળ અને ખેવૈ નામના ઘાસમાંથી રોટલો બનાવી શકાય છે તો સાંઉમાંથી ભાત બનાવી શકાય છે. જોકે તનો ઉપયોગ માત્ર દુકાળ વખતે થયો હતો. ૯૬મા ગણાતા દુકાળના સમય પછી વરસાદ સારો થયો હતો પણ અનાજ ઉગ્યું હતું ત્યારે આવા ઘાસમાંથી રોટલો અને ભાત ખાવાની ત્યારે જરૂરિયાત ઉભી થઈ હતી. અહીં ઉગતા લાનો નામની વનસ્પતિ ભેંસ અને ઉંટ આરોગે છે તો ક્રેસાનામની વન્સ્પતિ પણ અહીંની ઓળખ સમાન છે.

 

                                ચરણિયાણ માટે પોલીસી હોવી જરૂરી

 

નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલનો ચુકાદો આવ્યો છે અને દબાણો દૂર કરવા પડશે તે હકીકત છે. જોકે બન્નીમાં ૧૯ પંચાયત અને ૪૮ ગામના લોકોનો મુખ્ય વ્યવાસય પશુપાલન છે અને હવે તો ડેરી ઉદ્યોગ સાથે પણ જોડાયેલો છે. તેથી સરકારી ધારાધોરણો અમલી બનશે ત્યારે ચરિયાણના મુદ્દાઓ ઉભા થવાની શક્યતાઓ છે. પશુપાલન માટે ઘાસચારો પણ ખૂબ અનિવાર્ય રહેશે. જોકે, ગ્રામીણ વિસ્તારના આધારે ચરિયાણની જગ્યા અનામત રાખીને બાકીનો બન્નીનો ભાગ તેની ઓળખ જળવાઈ રહે તેમ ઘાસાચ્છાદિત જાળવવો પડશે. બન્નીમાં ચરિયાણ માટેની પોલીસી તૈયાર કરવી પડશે 

                                બન્ની માત્ર પ્રદેશ નથી ભવિષ્ય છે

 બન્ની માત્ર પ્રદેશ નથી પણ કચ્છનું ભવિષ્ય છે. કારણ કે અહીં મહેમાનગતિની સંસ્કૃતિ પાંગરી છે. ગાઈડના ડાયરેકટર કમ વિજ્ઞાની ડો. વિજયકુમારના કહેવા મુજબ સંશોધનમાં જવાનું થતું ત્યારે  ધોરડોના તે સમયના આગેવાન એવા સ્વ. ગુલબેગ મિંયા અને ગામના લોકો પહેલાં આવકાર આપતા, પાણી અને ચાનું પૂછતા અને પછી શું કામ છે તેવો સવાલ આવતો હતો. એક હોસ્પિટાલિટીની ગળથૂથી બન્નીના ગ્રામીણ લોકોમાં છે. જમીન નવસાધ્યીકરણ ઉપરાંત ભૂકંપની અસરો, પ્રવાસન અને સંશોધનો માટે બન્નીને ભવિષ્ય ગણાવી શકાય. બન્ની અજોડ છે કારણ કે અહીં જમીન, વનસ્પતિ અને ઢોરઢાંખરનો સમન્વય છે અને તેના કારણે માલધારીઓનો સતત વસવાટ રહ્યો છે અને પરોક્ષ રીતે ગ્રાસલેન્ડ સચવાઈ રહી છે.

         એનજીટીના આદેશ મુજબ જિલ્લા તંત્ર દ્વારા એક સપ્તાહમાં વર્િંકગ પ્લાન થઈ જશે તૈયાર

 મે માસના અંતમાં એનજીટીએ મહિનામાં બન્નીના વાડાઓના દબાણો દૂર કરવાનો આદેશ આપ્યો છે. રાજ્ય સરકાર હસ્તકના જિલ્લા તંત્ર અને વન વિભાગના સંકલનથી પ્રાથમિક રીપોર્ટ એક માસમાં તૈયાર કરવાની સૂચના પણ આપવામાં આવી હતી. ભુજ પ્રાંત હસ્તક આવતા પ્રદેશમાં શું કામગીરી થઈ તેમ પૂછતાં નાયબ કલેકટર મનિષ ગુરવાણીએ જણાવ્યું હતું કે, એક સપ્તાહમાં વનવિભાગ સહિતના તંત્ર સાથે સંકલન કરીને વર્િંકગ પ્લાન તૈયાર થઈ જશે.

            અબડાસામાં પણ ઘાસિયા મેદાન : ત્યાનું ઘાસ ઘોરાડ માટે રક્ષણરૂપ

કચ્છમાં બન્ની ઉપરાંત અબડાસા - નલિયા વિસ્તારમાં પણ ઘાસિયા મેદાન છે. જોકે બન્ની જેટલો મોટો પેચ નથી. ૬૪૦ વર્ગ ચોરસ મીટરના અહીંના મેદાનમાં જે ઘાસ ઉગે છે તે ગાય ખાતી નથી. વધુમાં, અહીં વિચરતા ઘોરાડ પણ ઘાસની અંદર ફરી શકતા હોવાના કારણે ઘાસની છાયામાં તેનું રક્ષણ થાય છે.

 

 

 

 

 

Comments

Popular posts from this blog

21મી સદીમાં કચ્છ : પાણી, પ્રવાસન અને ઉદ્યોગીકરણ, પુસ્તક પ્રતિભાવ 1

ભૂકંપે અચાનક લોકોના પ્રાણ હર્યા અને કોરોનાએ પ્રાણ-વાયુ વિના

કચ્છને અલાયદું આપત્તિ વ્યવસ્થાપન તંત્ર અનિવાર્ય, ખરું ને ?