કચ્છમાં કોંગ્રેસ ગ્રેસ માર્કથી પણ પાસ નથી થતી

ભાવિન વોરા, 02/03/2021

કચાસ સુધારીશું, મતદારોનો નિર્ણય માન્ય, ખામીના કારણો શું હોઇ શકે તે જોવામાં આવશે જેવા વિધાનો પંચાયતથી માંડીને પાર્લિયામેન્ટ સુધી કોંગ્રેસના નેતાઓના મુખેથી સાંભળવા મળતા હોય છે. આ વખતે પણ સાંભળવા મળ્યા છે. ભાજપ વિરોધ પક્ષ તરીકે મુદ્દાઓ ઉઠાવવામાં અને વિરોધ કરવામાં મેદાની વાસ્તવિકતાના આંચળા તળે સફળ થતો હતો પણ સત્તા મળ્યા બાદ સત્તાધારી તરીકે સફળ થયો છે ત્યારે કોંગ્રેસ સત્તાથી વિમુખ થયા બાદ કમ બેક થવા માટે ઘસડાઇ રહ્યો છે, એવા કોઇ પરિમાણો અમલમાં નથી મુકી શકતો કે જેમાંથી `ખુરશી’ પર બેસવાના પરિણામ સુધી પહોંચી શકાય. કચ્છના પરિપ્રેક્ષ્યથી દૂર ન જઇએ અને સ્થાનિક રાજકારણની વાત કરીએ તો તેમાં પણ કોંગ્રેસ પાસીંગ માર્કસથી તો દૂર પણ શિક્ષકને ગ્રેસ આપવાનું મન થાય એટલે રાજકીય રીતે જોઇએ તો અપક્ષ કે અન્ય કોઇ પક્ષ પણ ટેકો આપે કે કેમ તે સવાલ હોય છે. કચ્છમાં મુખ્ય બે પાર્ટીના જ ઉમેદવાર જંગમાં હોય છે એટલે કોંગ્રેસે જીતવું હોય તો બહુમતિ સિવાય કોઇ વિકલ્પ રહેતો નથી. સરવાળે, બહુમિત નહીં, પાસિંગ માર્ક તો નથી જ મળતા પણ ગ્રેસ માર્ક મેળવવાની સ્થિતિમાં પણ રહેતી નથી.

વધુ એક વખત કચ્છમાં ભગવો લહેરાયો તેમાં કોંગ્રેસ મનોમંથન કરશે એવા દાવા થવાના છે. કોંગ્રેસ શા માટે નથી જીતી શકતી તેમાં સ્પષ્ટ કારણો ઉડીને આંખે વળગે તેવાં છે. કચ્છમાં પાટીદાર આંદોલનનો લાભ 2015માં કોંગ્રેસને નહોતો મળ્યો કારણ કે કચ્છીઓ સ્થાનિક મુદ્દાઓ જુએ છે, સ્થાનિક સુવિધાઓની સામે જ્ઞાતિવાર સમીકરણો પણ પાછળ પડ્યા હતા તેમ કહી શકાશે. હવે 2021માં ભાજપનું પુનરાવર્તન થયું છે. આમ તો ભુજના કોંગ્રેસ શહેર પ્રમુખ પણ પાલિકાની ચૂંટણીમાં જો હારી જતા હોય તો ભાજપની લોકલક્ષી સબળતા કેટલી હશે તે સમજી જવું જોઇએ. કોંગ્રેસે જો ખરેખર મનોમંથન કર્યું હોત તો સબળ વિરોધ પક્ષ તરીકે ઉજળો દેખાવ કરવાની તક હતી. કારણ કે નર્મદા એ કચ્છનો જૂનો અને રાજકીય વટાવી શકાય તેવો ઇશ્યુ છે. ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રને નર્મદાના નિયમિત ઉપરાંત વધારાના એક મિલિયન એકર ફીટ પાણી મળી ગયા પણ કચ્છને આજ દિન સુધી નિયમિત પાણી નથી પહોંચ્યા એટલે વધારાના એક મિલિયન એકર ફીટ પાણી તો દૂરની વાત છે. કિસાન સંઘે વિરોધ કર્યો, રાજ્યમંત્રી કે ધારાસ્યોને રસ લેવો પડ્યો પણ કોંગ્રેસને મુદ્દો પકડતાં ન આવડયો. તો ભુજોડીના ઓવરબ્રિજ માટે ભુજ ચેમ્બર જેવી સંસ્થાઓએ વિરોધ કરીને કામ પુન: શરૂ કરાવવામાં કેટલેક અંશે નિમિત્ત કહી શકાશે પણ કોંગ્રેસની ગેરહાજરી કહેવાશે. ભચાઉ બ્રીજ સહિતના આવા મુખ્ય મુદ્દાઓમાં  ભાજપના ધારાસભ્યોનું લેથાર્જિકપણું અને સંગઠનની હોતા હૈ, ચલતા હૈ જેવી નીતિ સામે કોંગ્રેસને વિરોધ કરવામાં પણ વામણી પડી છે. દેશના મુદ્દાઓ ઉઠાવવા કે ભ્રષ્ટાચારના કોમન મામલે જંગમાં ઉતરવું અને વિકાસ વર્સીસ વિકાસના મામલાઓએ ઠોસ બાબતો લોકો સુધી ન પહોંચાડવી એવી ખામીઓ કોંગ્રેસને જીતાડી શકે નહીં. પાલિકાઓ અને પંચાયતો જીતવા સ્થાનિક મુદ્દાઓ જ જોઇએ. ઉમેદવારોની પસંદગીમાં પણ તાણ પડતી હોય છે ત્યારે ભાજપે મુસ્લીમ લોકોને ચૂંટણીની તક આપીને લઘુમતિ સમાજને પણ  પક્ષ સાથે પરોક્ષ રીતે જોડીને સામજિક સમીકરણ પલટાવીને જીત પાક્કી કરી લીધી છે.

સરકારમાં નહીં પણ લોકપ્રતિનિધિઓ કે વિરોધ પક્ષમાં હોવાના નાતે લોકલક્ષી સફળ વિરોધ કરવો એ પણ ફરજ છે. પણ એ ચૂકાઇ હોય એમ કચ્છીઓ સમજી શકે છે. નર્મદા કચ્છની જીવાદોરી છે અને કોંગ્રેસના સમયમાં જ તેના પાયાકીય કામો થયાં છે એ સ્વીકારીને ચાલીએ તો પણ પાણી પહોંચાડવાનો જશ ભાજપ લઇ જાય તેમ છે. રાજ્ય સરકાર કે જે એમ કહેતી રહે છે કે કચ્છનો દૂકાળ ભૂલાવી દેવાશે. ટૂંકમાં સરકારને મુદ્દો ધ્યાનમાં છે પણ કામો નથી થતા અને પાણી છેવાડા સુધી પણ નથી પહોંચ્યા એ મુદ્દો ઉઠાવવાની જવાબદારી કોંગ્રેસના કચ્છના મોભી નેતાઓથી માંડીને નાના કાર્યકર સુધીની ખરી કે પછી માત્ર નેતા બનીને ભાજપ તાયફા કરે છે તેવા આક્ષેપો કરતા રહેવાના ? સબળ વિરોધ પક્ષ તરીકે જો મેદાની વાસ્તવિકતા સુધી નહીં પહોંચાય અને લોકોની વાત નહીં પહોંચાડાય તો સત્તા ભૂલી જવી પડશે. આમ પણ પક્ષમાં પોતાની લીટીં લાંબી કરવા કરતાં જૂથવાદમાં ટાંટિયા ખેંચથી પક્ષના લોકોને જ પાડી દેવાનો રાજકીય કારસો લોકો એટલે કે મતદારો પણ સમજે છે. કારણ કે તેમને ખબર છે કે જે પક્ષમાં પણ સચવાતા નથી કે સાચવી શકતા નથી તેમને શું મત આપવો હોય ? બસ, લોકો પણ રાજકીય થઇ ગયા છે અને સામે પાણીએ તરવા કરતાં વહેતા પાણીમાં તરણ કરવું તેને યોગ્ય સમજે છે.

કચ્છના ગ્રામીણ ભાગોનો વાત કરીએ તો નવેમ્બર 2020ની વિધાનસભા માટેની અબડાસા બેઠકની ચૂંટણીમાં લખપત પોકેટ ભાજપ તરફી રહ્યું હતું જે આશ્ચર્યજનક હતું. રાજકીય માંધાતાઓએ તેમનું કામ કરીને મત ઇવીએમને સોંપી દીધા અને જીતી ગયા પણ લખપત તાલુકા પંચાયતમાં ગત ટર્મમાં કોંગ્રેસ અને ભાજપે અઢી અઢી વર્ષ શાસન કર્યું હતું. આ વખતે જે કોંગ્રેસ કમિટેડ સીટ હતી ત્યાં તો કોંગ્રેસ તરફી મતદાન થયું જ છે. એટલે કોંગ્રેસ પક્ષે જો રાજકીય ભૂમિકા ભજવી હોય તો તેના મતો લખપતના ઉદાહરણની જેમ કચ્છભરમાં સાચવી શકે. પણ, આંતરિક રાજકીય કાવાદાવાઓથી પર રહીને મેદાનમાં ઉતરવું પડવાની વાત ક્યારે સમજાશે તેનો જવાબ સમય માગી લેશે.

Comments

Popular posts from this blog

21મી સદીમાં કચ્છ : પાણી, પ્રવાસન અને ઉદ્યોગીકરણ, પુસ્તક પ્રતિભાવ 1

ભૂકંપે અચાનક લોકોના પ્રાણ હર્યા અને કોરોનાએ પ્રાણ-વાયુ વિના

કચ્છને અલાયદું આપત્તિ વ્યવસ્થાપન તંત્ર અનિવાર્ય, ખરું ને ?