મૈં ગીતા રાની .... શિક્ષકોને સબક શિખવાડતી ફિલ્મ
તા. 21/09/2020
મૈં ગીતા રાની..... આ શબ્દો પડતાંની સાથે જ ઇમ્મેચ્યોર્ડ અને જમાનાના કુલક્ષણોને પચાવી જનારા શિક્ષકો અને તેમની અવકૃપાથી કુછંદે ચઢેલા પ્રાથમિક શાળાના બાળકોમાં સન્નાટો વ્યાપી જાય છે. શિક્ષક કભી સાધારણ નહીં હોતા એ બતાવવા માટે અસાધારાણ છતાં હાલના શિક્ષક સમાજને વાસ્તવિક અને સામાન્ય લાગતી વર્તણૂક કરતા પ્રાથમિક શિક્ષકો કે જેમના પર બાળકોની કારકિર્દિનો પાયો ઘડવાની જવાબદારી છે તેમને સબક શીખવાડવાની સાથે સરકારને દિશાનિર્દેશ આપવાની નુક્તેચીની મૈં ગીતા રાની હિન્દી ફિલ્મમાં જોવા મળી. તમિલ ભાષામાં રાતચસી નામની ફિલ્મ હિન્દીમાં મેડમ ગીતારાનીના નામે ડબ થઇ છે.
પ્રાથમિક શિક્ષણની સુધારણા થાય અને મોટાભાગના બાળકો કોઇ મોટો સાથે ભણતા થાય તો નાપાસ અને નબળા કે શિક્ષણની ભાષામાં ઢ ગણાતા વિદ્યાર્થીઓ ધોરણ 9 પાસ કર્યા વિના જો ધોરણ 10ની શિક્ષણ બોર્ડની પરીક્ષા પાસ કરી શકતા હોય તો એ શિક્ષકે અપનાવેલા ભણતરના અભિગમનું જ પરિણામ છે. જે ગીતારાનીએ આચાર્ય તરીકે ફિલ્મમાં સાબિત કરી બતાવ્યું છે. હા, હિરોઇન જ઼્યોથિકા એટલે કે ગીતારાનીના જસ્બાતી નિર્ણયના પગલે નિયમોની વિરુદ્ધ જવાની આ આર્મી ઓફિસર સામે પગલાં ભરાય છે પણ શિક્ષક તરીકે તેણે જે પગલાં ભર્યાં તેમાં અભ્યાસ સુધારણાની સુગંધ ભળી એમ કહી શકાશે.
પ્રાથમિક શિક્ષણની આરપાર વાત કરીએ તો પહેલાં ફરજ કરતાં પ્રત્યેક શિક્ષકમાં નૈતિકતાનો ગુણ હશે તો જ પોતાની ફરજ પરત્વે જાગૃત રહી શકશે. સ્કૂલ સ્કૂલ જૈસા હોના ચાહિયે એમ શિક્ષકોને શિખવાડવું પડે એનાથી વિશેષ લાચારી આપણા સમાજની કઇ હોઇ શકે ? સમયપાલનના પ્રથમ પગથિયા તો આપણા કચ્છ અને ગુજરાતના શિક્ષકો પણ ચૂકી જતા હોય છે એમ કહેવામાં કશુ ખોટું નથી. નો ડાઉટ, ગુજરાતમાં આંતરજિલ્લામાં પોતાની મજબૂરી ખાતર અને વિદ્યાદેવીના શરણે જઇને ગુજરાન ચલાવતા હોય છે પણ શિક્ષણ તંત્રની તાલુકાસ્તરની મનાતી બદીઓ કે વહીવટીલક્ષી આળસના પરિણામે શિક્ષકનો સમય ભણાવવા કરતાં પોતાના રેકર્ડ સુધરાવવાની ચિંતામાં વધારે જતો હોય છે. સમયપાલનનો ઘણી જગ્યાએ છેદ ઉડવો તેને શિક્ષકો સામાન્ય ગણતા હોય છે અને તેથી જ તેમની પાસે ભણતા છાત્રોને પણ પંક્ચ્યુઆલિટીનું શિક્ષણ આપે તો તેનો કોઇ અર્થ સરતો નથી.
વિદ્યાર્થિનીઓની દોસ્ત બનેલી આચાર્ય ગીતાએ બાળવયથી માંડીને બોર્ડના વિદ્યાર્થીઓ હોય કે પ્રાથમિક શિક્ષકો સુધીનાઓને કદમતાલ કરાવીને પુસ્તકિયા જ્ઞાન ઉપરાંત ઇત્તર પ્રવૃતિમાં પણ મોજ કરાવીને શિક્ષણ સાથે જકડી રાખવાનો આયામ અપનાવ્યો હોવાનું ફિલ્માંકન થયું છે. આપણે ત્યાં અને દેશના મોટાભાગના ભાગોમાં આવી સ્પર્ધાઓ ને રમતગમત કે ઇત્તર પ્રવૃતિઓ ચોક્કસ થાય છે પણ રાજકીય આંચળો બંધયેલો હોવાના કારણે સ્ટુડેન્ટ ઓરિએન્ટેડ કરતાં રાજકીય પ્રસિદ્ધિ કે ખાનગી સ્કૂલ હોય તો સ્પર્ધાના નામે કેમ કાવાદાવા કરીને અવ્વલ આવી શકાય તેનો સહારો પણ લેવાતો હોય છે એમ લોકો સમજી રહ્યા છે. શિક્ષક શિક્ષક જ છે અને તેના માન સન્માન કે પ્રોટોકોલની વાત આવે ત્યારે ચેકિંગ કરવા આવેલા કલેકટરને પણ સામે બેસાડીને સટિક વાત કરીને તેમનું કામ જ પ્રાયોરિટી છે તે સમજાવી દેવામાં આવે છે. હા, કલેકટરે પણ શિક્ષકની કામગીરી જોઇને સ્વીકારવું પડે છે. આવી હિંમત આપણા કેટલા શિક્ષકોમાં હશે તેનો જવાબ મુશ્કેલ છે. વાસ્તવિક વાત કરીએ તો આપણા શિક્ષણ તંત્રમાં એટલી તે જગ્યાઓ ખાલી છે અને તેમાંય સરકારી યોજનાઓની જાતભાતની કામગીરી કરાવાતી હોય છે તેના કારણે બેધ્યાનપણુ વધારે જોવાય છે. જો શિક્ષણ આપવા પર સરકાર ફોકસ કરે અને શિક્ષકોના કી રિઝલ્ટ એરિયા મુજબ પરફોર્મન્સ વર્કિંગ કરાવે તો ગુજરાતના શિક્ષણ તંત્રમાં આવી સંખ્યાબંધ ગીતારાનીઓને પીછાણી શકાય. હા, એટલું પણ ખરું કે, શિક્ષકો પર વોચ રાખનારાઓ મનાતા સીઆરસી, બીઆરસીનો રૂઆબ શિક્ષણાધિકારીથી જાણે કમ ન હોય તેવું વર્તન કરાતું હોય તેઓ પણ શિક્ષણદાનની ટેક લે અને 'વહીવટ'માં ઓછા પડે તો પણ પરિણામને સુધારવામાં મદદ મળી શકે. જોકે, શિક્ષક સમાજને પણ શિક્ષકો ભણાવે તેના કરતાં તેના પ્રશ્નોને ગાઇ વગાડીને કેમ ચર્ચામાં રહેવાય તેમાં વધારે રસ રહેતો હોય છે.
જો ટીચર મક્કમ છે તો રાજકીય વ્યક્તિને પણ કાન પકડાવી શકે છે તે ગીતારાનીએ દર્શાવ્યું છે. વિરોધ પક્ષની ભૂમિકા ભજવતા ધારાસભ્યે શિક્ષણમંત્રીને ફરજ પાડવી પડે એ હકારાત્મક અસર છે. જોકે આપણે ત્યાં ધારાસભ્યો કે વિરોધ પક્ષ બોલતો નથી અને શિક્ષક સમાજ વાંજિયો વિરોધ કરતો હોય અને ક્યારેક સરકારના ઘૂંટણિયે પડી જતો હોવાના કારણે શિક્ષણલક્ષી ધારી અસર લાવી શકાતી નથી. અહીં એ યાદ કરવું જોઇએ કે જો દિલ્હીના મુખ્યમંત્રી અરવિઁદ કેજરીવાલ પોતે ઉચ્ચસતરના અભ્યાસધારી ન હોત તો દિલ્હીના શિક્ષણમાં આમૂલ પરિવર્તનનો વાયરો કદાચ ના ફૂંકાત. એટલે જ જો પાયાકિય પ્રાથમિક શિક્ષણ આપવામાં શિક્ષકો વિદ્યાકસમ ખાશે તો બાળકોના કેરિયરલક્ષી ડેવલેપમેન્ટની ક્ષિતિજો અનંત રહેશે અને ખરા શિક્ષિત સમાજનો દેશમાં દબદબો રહી શકશે.
Review is as nice as the movie itself.
ReplyDeleteવર્તમાન સમયમાં જયારે શિક્ષક માત્ર પગારદાર જ બન્યો છે ત્યારે આવા શિક્ષકો જ સમાજને આદર્શ પૂરો પાડે .અને થોડા પણ છ તો ખરા .તમારો રીવ્યુ પણ સમાજની આંખો ખોલે તેવો છે .અભિનંદન શુભકામના -દિનેશ માંકડ
ReplyDelete