ડ્રેનેજનું ડેમેજ કંટ્રોલ ! નળ (ન), ગટર (ગ), રસ્તા (ર) પાલિકા

- એરાઉન્ડ ધ કચ્છ, ભાવિન વોરા તા. 120919
ડ્રેનેજનું ડેમેજ કંટ્રોલ ! નળ (ન), ગટર (ગ), રસ્તા (ર) પાલિકા

હાશ, ભુજમાં સારો વરસાદ અવ્યો, સારું એ થયું કે તબક્કાવાર આવ્યો, એનાથી વધુ સારું એ થયું કે ભાદરવાના ભારે ભુસાકારુપી આવ્યો. જો શ્રાવણમાં રમઝટ બોલાવી હોત તો વાટ લાગી ગઇ હોત. એક તો શાસનધૂરા સંભાળવામાં કેટલા વિસે સો થાય એમાં ગોથાં ખાવાના અને માથેથી મૂશળધાર પડતો હોત તો વહીવટી અણઆવડતના પરેસેવા છોડાવી દે એ નક્કી હતું. અચ્છા કોઇ કહેશે કે કે પેલા સાધુ બેટ પરથી દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા તરીકે જેઓ ગુજરાતીઓ પર નજર રાખી રહ્યા છે તેવા રજવાડાને જોડનારા કદાવર નેતા સરદાર વલ્લભભાઇ પટેલના દર્શન કરવા હોય તો ફરજિયાત ભાદરવામાં જવાનું હોય, આ તો ભુજમાં એક નહીં અનેક વિસ્તારોમાં દૂષિત પાણી વહેતા હતા અને આપણે ચૂંટેલા લોકો કેવડિયામાં નર્મદાના નીરનું `નજર આચમન’ કરવા ગયા હતા એટલે સહેજે સવાલ સામે આવ્યો. ડિસેમ્બર સુધી તો વધુ સારી એમનિટીઝ ત્યાં ઉભી થઇ જશે તો શું ત્યારે ન જઇ શકાત ? અને ગાંધીનગરમાં તો માવતર પાસે ભાઇભાંડુઓની ફરિયાદ કરવાની હોય તેમ રજૂઆત કરીએ એટલે માવતર સાંત્વના આપીને છોકરાઓને શાંત કરે, તેનાથી જૂના દરદની તરત સારવાર ન થાય !
નળ (ન) ગટર (ગ) રસ્તા (ર)ના ટૂંકરૂપ સાથેની નગરપાલિકામાં દુનિયાના મોટા પક્ષના નવા નવા શાસકોએ ઉત્સવોમાં જેમ હારારોપણ અને ગુલદસ્તા સ્વીકારવાની હોંશ ઉભી થતી હોય તેમ સમસ્યાને સ્વીકારવાની ભૂમિકા પણ ભજવવી જોઇએ. ભુજવાસીઓ જ્યારે નગરપાલિકાના તાબામાં આવતી સમસ્યા સામે મોરચા સિવાય કંઇ ન કરી શકતા હોય ત્યારે નવા નવા નેતાઓ તરીકે કંઇક ઉકેલ લાવવાની હકારાત્મક કામગીરી કરવી અનિવાર્ય બને. આતો એક જ પક્ષમાં કથિત કારોબારીમાં કૂતરું તાણે ગામ ભણી અને શિયાળ તાણે સીમ ભણી જેવા હાલ વચ્ચે મોનિટરિંગના નામે જ્યારે શહેર સંગઠનથી માંડીને જિલ્લા સંગઠનના નેતોમાં અવકાશ ઉભો થતો હોય ત્યારે ગાંધીનગર સુધી જવાનો સમય આવે છે. અમૃતમ યોજના હોય કે સ્થાનિક વેરાની આવકમાંથી ગટરના સમારકામ કરવાના હોય તો પ્રિમોન્સુનમાં કેમ નથી દેખાયા ? પાલિકાના ઠેકેદારો અને વહીવટના કર્મચારીઓને તો ખબર હોય ને કે હવે લાઇનોની આવરદા પૂરી થવામાં છે અથવા ગમે ત્યારે ભંગાણ પડી શકશે. જે તે શાખાના કર્મચારીઓ તેમના અનુભવના આધારે કહી શકે. પણ ટેન્ડર્સ મંજૂર કરાવીને નબળા કામ જ કરાવવાના હોય તો કર્મચારીઓ કે અધિકારીઓનો વાંક પણ શું ? શક્ય છે કે સેવકો એમ પણ માનતા હોય કે આ વખતે કહેવાતી સેવામાં છીએ આવતા વખતે ટિકીટ ન પણ મળે. એના કરતાં જેટલું લણી શકાય તેટલું લોકોની હેરાનગતિના ભોગે લણી લો ! આવી માનસિકતા છે એવું નથી, એ છતી થાય છે એવું છે.
પાંચ દિવસ પહેલાં અમુક વિસ્તારોને પીવાનું પાણી ન આપી શકો, ઘરે ઘરે સ્પીડ બ્રેકર યોજના હોય તેમ મન ફાવે ત્યાં કઢંગા જમ્પ ઉભા કરી આપો અને જો ગટરના ગંદા પાણી વહ્યાં તો ગાંધીનગરમાં રજૂઆતના નામે ગ્રાઉન્ડ રીઆલિટીથી છટકી જવાનું. આવું તો ભુજમાં ક્યારેય ન હતું અને કદાચ આવનારી ચૂંટણીઓ બાદ ફરીથી થશે પણ નહીં. કારણ કે નવા સવા કરતાં અનુભવીઓને ફરીથી શહેરનું સુકાન સોંપવું પડશે અથવા પ0 ટકા જેટલા જૂના કે અનુભવી સભ્યોને ફરીથી બેસાડવા પડશે એમાં કોઇ બેમત નથી. પંચાયતથી વિઠ્ઠલભાઇ પટેલ ભવન સુધીની બહુમતિ હોવા છતાં ભુજના લોકો ગાંધીનગરમાં ત્રાગા નાખે છે અને દીકરા મોટો થા ત્યારે પરણાવીશ એમ આશામાં અને આશામાં પાંચ વર્ષ કાઢી નાખે છે. જોકે આ વખતે તો શહેરવાસીઓ એવા તે કંટાળ્યા છે કે ક્યારે પાંચ વર્ષ પૂરા થાય કારણ કે પક્ષ અને વિપક્ષ બંને નબળા સાબિત થાય ત્યારે લોકોના ભાગે માત્ર રજૂઆતો, મોરચા, ધરણા કે વિરોધ જ આવે, પરિણામ ન મળે. શહેરીજનોને પરિણામલક્ષી રાજકારણ અને સત્તાકારણ જોઇએ છીએ એ સમજવાનો સમય પસાર થઇ રહ્યો છે. ખેર, શહેર સુખાકારીનું પોસ્ટમોર્ટમ તો કરી નંખાયું છે, હવે જોવાનું એ છે કે લીંપાપોતી થશે કે ફરિયાદ વિનાના પાકા કામ ?

Comments

Popular posts from this blog

21મી સદીમાં કચ્છ : પાણી, પ્રવાસન અને ઉદ્યોગીકરણ, પુસ્તક પ્રતિભાવ 1

ભૂકંપે અચાનક લોકોના પ્રાણ હર્યા અને કોરોનાએ પ્રાણ-વાયુ વિના

કચ્છને અલાયદું આપત્તિ વ્યવસ્થાપન તંત્ર અનિવાર્ય, ખરું ને ?