કચ્છની કૂટનીતિ 2017 : કચ્છ માટે તો વિકાસ લોલીપોપ છે : પક્ષ કે વિપક્ષ બંનેને જાણે ફાયદો

બરાબરનો સમય આવી ગયો છે, નેતાઓને અને સત્તાધારીઓને ત્રાજવે તોળવાનો, આપણે એટલે કે મતદાતાઓએ પોતાના પર ન્યાય કરવાનો છે. ગત પાંચ વર્ષની વાતો, મોટી ગુલબાંગો કે પછી વાયદા વચનોને જરાક પણ યાદ કરી લઇને એ છ સેકન્ડમાં જે મત આપણે જોઇ શકવાના છીએ તે કોને આપવો તેમ વિચારવાનું છે. પૂરતો સમય છે કારણ કે હજુ ઉમેદવારો જાહેર નથી થયા, કેવા થાય છે એ પણ કચ્છ માટે એક કોયડો બની રહેવાનો છે. ગુજરાત વિધાનસભાની આવી પહોંચેલી ચૂંટણીમાં પ્રથમ તબક્કામાં કચ્છના મતદારોને તેમના લોકપપ્રતિનિધિ ચૂંટવાની તક છે ત્યારે માહોલ મુજબ દરેક પક્ષોએ પોતાની કૂટનીતિ અમલી બનાવી છે અને તે મુજબ આગળ વધવું પડશે. કારણ કે કચ્છમાં આ વખતે કંઇક નવા કે વિચિત્ર પરિણામો આવી શકે તેમ કહેવું ખોટું નથી. છ બેઠકના રાજકીય વિશ્લેષણ માટે આ  ડિજીટલ માધ્યમથી  કચ્છની કૂટનીતિ 2017ની વાતો તબક્કાવાર કરીશું જેનો આ પ્રથમ ભાગ છે. 
કચ્છનું રાજકારણ 1990ના દાયકા બાદ ભગંવું રાજકારણ બની ગયું છે. કોઇ પણને સત્તાધારી પક્ષ તક આપે તો ધારાસભામાં આસાનીથી પહોંચી શકે. પણ, આ વખતે એવું બનશે કે કેમ તે સવાલ છે. જિલ્લાની છ બેઠકમાંથી પાંચ બેઠક પર કમળ ખિલેલું છે પણ તેની પાંખડીઅો અંદરો અંદરના જૂથવાદ થકી મુરઝાતી હોય તેવું રાજકારણ રમાતું જોવા મળ્યું છે. શિસ્તના નામે પક્ષ કહેશે તે શિરોમાન્ય રહેશે તેમ તેના નેતાઓ, દાવેદારો કે કાર્યકરોએ માનવું પડતું હોય છે. મુદ્દાની વાત પર આવીએ તો આ છ બેઠકની ચૂંટણી જિલ્લામાં વિચિત્ર હોવાની સંભાવના જણાઇ રહી છે.
અાંકડાકિય વિગતોમાં પડીએ તો , 6 બેઠક માટે કુલ 14,25,618મતદારો ચૂંટણી પંચમાં નોંધાયેલા હોવાનું બતાવે છે. જેમાં સૌથી વધુ મતદારો ગાંધીધામની અનામત બેઠક માટે 2,77,046 છે જ્યારે સૌથી ઓછા મતદારો 2,16,241  મતદારો છે. બાકીના ચાર મત વિસ્તાર ભુજમાં 255118,અંજારમાં 229265, માંડવી 224493 અને અબડાસામાં 233455 મતદારો નોંધાયેલા છે. કુલ 1797 બૂથ પર મતદાન થવાનું છે. 2012માં 67.77 ટકા મતો પડ્યા હતા , વર્તમાનમાં મતદાતાઅોની જાગૃતિ રંગ લાવે અને લોકશાહીનું પર્વ ખરેખરા ઉજવાય એ ઇચ્છનિય છે. 
રાજકીય સમીકરણોની વાત કરીએ તો તેમાં, અબડાસાની બેઠક કોંગ્રેસ પાસે છે અને બાકીની પાંચ બેઠક ભાજપની સત્તા સાથે છે. આ વખતની ચૂંટણી યોજાય એ પહેલાં પક્ષોનું આંતરિક રાજકારણ રમાશે અને જેવા ભાજપ કે કોંગ્રેસના ઉમેદવાર જાહેર થશે તેમ કેવી કૂટનીતિ અખત્યાર કરાઇ છે તે સમજી શકાશે. કચ્છ જિલ્લાને રાજ્યના ઔદ્યોગિકીકરણના પરિપ્રેક્ષ્યમાં અવારનવાર રાજ્યનું ગ્રોથ એન્જિન બનાવવાનું બાકી નથી રાખ્યું. નેતાઓ તો એટલા ઓવારણા લઇ ગયા છે કે વાત ન પૂછો. પણ જિલ્લાના 2001 પછીના દાયકાના ઇન્ડસ્ટ્રીયાલીઝમનો સમય પલટાયો છે. ઔદ્યોગિકરણનો પવન મંદ પડ્યો છે અને પાઇપલાઇનમાં રહેલા મનાતા ઉદ્યોગો પાઇપલાઇનમાં જ પડ્યા છે. વિકાસનું અન્ય જિલ્લામાં જે થવાનું હોય તે થયું હશે પણ કચ્છમાં વિકાસ એટલે લોલીપોપ અને એ લોલીપોપ એવી કે જેમાં પક્ષ વિપક્ષ બંનેને ફાયદો થતો રહ્યો હોવાનું સામે આવ્યું છે. વિરોધ પક્ષને આંદોલનો કરવાના છે તો સત્તાધારીઓએ મંજૂરીઓ આપીને તેમને ડામી દેવા અથવા વાયદાઓ કરી રાજકારણમાં સફળ કે નિષ્ફળ થવાનું છે. સરવાળે વાત કરીએ તો સરહદી અને ઉદ્યોગીકરણ પામેલા જિલ્લાનો વિકાસ ગોથાં ખાઇ રહ્યો છે.
સત્તા હોવા છતાં નારાયણ સરોવર સુધી નર્મદાનું પાણી ન પહોંચવું, જમીનના પ્રશ્નો હલ ન થવા, મુખ્ય શહેરો સહિત આંતરિયાળ ભાગોમાં પીવાના પાણીની બૂમરાણ, ઉચ્ચ શિક્ષણના અટવાયેલા મુદ્દા હલ ન થવા તેમજ લિગ્નાઇટના કારણે ટ્રાન્સપોર્ટ ઉદ્યોગની ભાંગેલી કેડ સંધાતી નથી. તો ભુજોડી પાસેનો ઓવરબ્રિજ હોય કે ભુજ ભચાઉ હાઇ વે પરનો અધૂરો ટોલ રોડ હોય તેમાં બંને પક્ષ નિષ્ફળ રહ્યા હોવાનું સ્પષ્ટ સમજી શકાયું છે. અધૂરામાં પુરું વિધાનસભાની નંબર 1 બેઠક એવી અબડાસાના મુખ્યમથકમાં થયેલા નલિયાકાંડે ભગવા રાજકારણની પોલ ખોલી છે. નેતા હોય કે કાર્યકરો સૌનો સાથ, સૌનો વિકાસ કરતાં જાણે ઉંઘતા ઝડપાયા હોય તેમ નલિયાકાંડે આંતરિક રાજકારણનું ચીરહરણ કરી નાખ્યું હતું. ભલભલાનો આત્મ વિશ્વાસ આ કાંડે ભાંગી નાખ્યો છે કારણ કે અબડાસા વિધાનસભા હંમેશા નો રીપીટ થિયરી પર ચાલે છે અને ત્યાંના મતદારોને કળવા અતિ મુશ્કેલ મનાતા આવ્યા છે. 
જિલ્લાના રાજકારણમાં ક્યારેય ત્રીજો વિકલ્પ ફાવ્યો નથી. જોવાનું એ છે કે ભાજપમાંથી છુટા પડેલા અને સારી ઇમેજ ધરાવતી વ્યક્તિઓને પણ મતદારોએ સ્વીકાર્યા નથી. 2017ની ચૂંટણીમાં કચ્છને નડનારા પરિબળો બેઠકવાર ચર્ચી શકાય તેમ છે કારણ કે જિલ્લાનો મુખ્ય પ્રશ્ન પાણી છે અને  તેમાં પાછા ઉદ્યોગો ભાગ પડાવે છે એટલે એ મુદ્દે કોઇ પણ પાર્ટીનો ઉમેદવારો છાતી ઠોકીને લડી શકવાનો નથી. હા, એટલું ખરૂં કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અથવા રાહુલ ગાંધીના ચહેરો સામે રાખીને સંબંધિત પક્ષોઅે મેદાનમાં આવવાનું છે પણ પીવાનું પાણી,  સ્થાનિક રોજગારી, કહેવાતા વિકાસના કામો કે પછી આંતરિયાળ ભાગોની કાયમી સમસ્યા દૂર કરવાનો ચૂંટણી ઢંઢેરો નહીં હોય તો મતદારો આખરે તો મતદારો જ રહેવાના છે., કઇ ચાંપ દાબી દેશે તેનો જવાબ તો પરિણામ જ આપશે. 

લખ્યા તા : 07 નવેમ્બર 2017

Comments

Popular posts from this blog

21મી સદીમાં કચ્છ : પાણી, પ્રવાસન અને ઉદ્યોગીકરણ, પુસ્તક પ્રતિભાવ 1

ભૂકંપે અચાનક લોકોના પ્રાણ હર્યા અને કોરોનાએ પ્રાણ-વાયુ વિના

કચ્છને અલાયદું આપત્તિ વ્યવસ્થાપન તંત્ર અનિવાર્ય, ખરું ને ?